Abtak Media Google News

“હે મારી જનનીના હૈયામાં, પોઢંતા..પોઢંતા લાગ્યો કસુંબીનો રંગ”

“ત્રણ લોકનો નાથ પણ ‘માં’ વિના અનાથ”

“મોઢે બોલું ‘માં’, સાચેય નાનક સાંભરે,
મોટપની મજા, મને કડવી લાગે કાગડા!”

‘માં’ એક એવો શબ્દ જેમાં આખું વિશ્વ સમાયેલું છે. માત્ર માનવીય સંબંધોમાં જ નહીં પરંતુ પશુ, પક્ષી, જીવજંતુ દરેકમાં માતાનું સ્થાન મોખરે છે. ખરેખરતો ‘માં’નું ઋણ ચૂકવા ઝીંદગી આખી ટૂંકી પડે. વિશ્વ આખામાં ‘માં’ની મમતાને યાદ કરતા મે મહિનાના બીજા રવિવારે ‘Mothers Day’ ઉજવવામાં આવે છે.

’માં’ અને તેના ઉપકારો વિશે અનેક વિદ્ગાન ચિંતકો,લેખકો,સાહિત્યકારો,કવિઓ સહિત અનેક લોકોએ દુહા,છંદ,કાવ્ય અને લેખો દ્રારા મમતાળુ ‘માં’નો અનેરો મહિમા વર્ણવ્યો છે. કવિ દુલા કાગ કહે છે…

“ભક્તિ થકી તો ભજતા
મહેશ્વર આવી મળે,
ન મળે એક જ માં,
કોઈ ઉપાયે કાગડા”

Mother and Child
એમ કહેવાય છે કે ‘માં’નો અર્થ દુનિયાની બધી જ ભાષાઓમાં ‘માં’જ થાય છે. માત્ર મનુષ્ય જાતિમા જ નહીં પરંતુ દરેક જીવો માટે ‘માં’ નો ફાળો અમૂલ્ય છે. ચીં…ચીં…કરતી ચકલીઓ પોતાની ચાંચ વડે પોતાના બચ્ચાના મુખમાં દાણા મૂકતું દ્ગશ્ય કેવું અદભૂત હોય છે.પોતાના વાછરડાને ઘડીભર ન જોતી વ્યાકુળતા અનુભવતી ગાયનો પ્રેમ કેવો અજોડ હોય છે. પશુઓમાં વાંદરી એક એવી માદા છે કે પોતાના મૃત બચ્ચાને પણ કેટલાક દિવસ સુધી છાતીએ વળગાડીને રાખે છે. માતા ગમે તેટલી નિર્બળ હોય પણ પોતાના બાળક માટે સક્ષમતા જરુર દેખાડે છે.

કવિ બાલમુક્ધદ દવેએ પણ આ જ વાત કરી કે “ઈશ્વર બધે પહોંચી શકતો નહીં હોય, તેથી તેણે માતાનું સર્જન કર્યુ.

આઠ-દશ વષેના એક બાળકની માતાનું અચાનક અવસાન થતાં નિર્દોષ બાળક બોલી ઉઠ્યો…મારા માટે તો આખા જગતનું મૃત્યુ થઈ ગયું છે.બાળક કહે છે…’હવે કોણ મારી શાંતિથી, પ્રેમથી,વાત્સલ્યથી,સ્નેહથી સાર સંભાળ લેશે ? હવે કોણ કહેશે કે બેટા તું જમ્યો ?’ એટલે જ કહેવાય છે કે પિતાને ભલે “ઘરનો મોભી” કહેવાય પરંતુ “ઘરનું છાપરૂ”તો માત્ર માતા જ બની શકે. અતુલ્ય અમૃત જેનાં નયનોમાં નેહ બની અવિરત નીતરતું હોય એને ‘માં’ કહેવાય.

Mothers Day
જગતમાં ત્રણ લોકોનો ઉપકાર કદી વાળી શકાતો નથી, તેમાં જન્મદાત્રી માતાને પ્રથમ સ્થાન આપેલું છે. મધસે ડે હોય અને માતા ત્રિશલાના ઉપકારને કેમ વિસરી શકાય ? તારક તીથઁકર ત્રિલોકીનાથ પ્રભુ મહાવીરને પોતાની કૂખે જન્મ દેનારી રત્નકુક્ષિણી ત્રિશલા માતાનો ઉપકાર જિન શાસન ઉપર અનંતો છે. “ત્રિશલા માતા એટલે વાત્સલ્યની મૂર્તી”. પોતાના ગર્ભમાં રહેલા બાળકનું હલન-ચલન થોડી વાર માટે સ્થિર થતાં જ માતા ત્રિશલા ચિંતીત બને છે કે, મારા બાળકને કાંઈ થયું તો નહીં હોય ને ?

પ્રભુ મહાવીરની પહેલા માતા દેવાનંદા મોક્ષમાં બીરાજમાન છે. દેવાનંદા જયારે પ્રભુના દર્શન કરવા જાય છે, ત્યારે પ્રભુ મહાવીરને નિહાળતા જ સાડા ત્રણ કરોડ રોમરાય રોમાંચિત અને પ્રફુલ્લિત થઈ જાય છે. અનિમેષ દ્રષ્ટિથી મહાવીરને જોયા જ કરે છે.ગૌતમ ગણધર પ્રભુને પુછે છે કે, ‘હે પ્રભુ! આ કોણ છે ? ખુદ તીથઁકર પરમાત્મા કહે છે કે..હે ગૌતમ ! આ દેવનંદા મારી માતા છે.’ આગમકાર ભગવંત કહે છે કે, ‘માતા ત્રિશલા બારમા દેવલોકે બીરાજમાન છે. ગર્ભથી લઈને પોતે જીવે ત્યાં સુધી પોતાના બાળકોની ખેવના કરે તેને ‘માં’ કહેવાય.’

આપણે કયારેકે ને કયારેક સંકટ, દર્દ, અનુભવીએ જ છીએ. એવામાં આપણા દરેકના મુખમાંથી ઓમ માં, અથવા હે માડી રે…. જેવા ઉદગારો નીકળી જાય છે, અને એ વખતે આપણે અનુભવીએ છીએ કે આમ થવાથી આપણી માતા પણ તેટલો જ દર્દ અનુભવે છે. માતા દુર હોય તો પણ તેને ખ્યાલ આવી જાય છે કે મારુ બાળક તકલીફમાં છે, તો આખરે એ કયા તાતણા છે જે ‘માં’ સુધી પહોંચી જાય છે.

‘માં’ શબ્દ અને તેનું વ્યક્તિવ દરેકને અત્યંત પ્રિય છે. જન્મદાત્રી ‘માં’ ગર્ભધારણ અને પોષણ કરે છે, તેથી તે શ્રેષ્ઠ છે. પરંતુ જે પાલન પોષણ કરે છે, તેનું મહત્વ સો ગણુ વધારે છે આનું ઉતર ઉદાહરણ છે, કર્ણની પાલક માતા રાધા અને કૃષ્ણની માતા યશોદા.

Mom Krishna
વેદશાસ્ત્રોમાં 16 પ્રકારની માતાઓના વર્ણનનો ઉલ્લેખ છે

‘માં’ વિશે શાસ્ત્રોમાંથી 16 પ્રકારની માતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વેદ શાસ્ત્રોમાં સોળ પ્રકારની માતાઓનો ઉલ્લેખ છે જેમાં દૂધ પીવડાવતી, ગર્ભધારણ કરતી, ભોજન પ્રદાન કરતી ગુરુપત્ની, ઇષ્ટદેવી, સાવકી મા, સાવકી માની પુત્રી, સગી મોટી બહેન, સ્વામીની પત્ની, સાસુ, નાની, દાદી, મોટાભાઇની પત્ની, માસી, ફઇબા અને મામી આમ સોળ પ્રકારની આ માતાઓનું દરેકના જીવનમાં મહત્વ રહેલું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.