ગુજરાતની ઉત્તમમાંથી સર્વોત્તમ તરફ આગેકૂચ, રૂા. 5000 કરોડના વિકાસકામો થયા- મંત્રી દિલીપકુમાર ઠાકોર

રાજ્ય સરકારના સુસાશનના પાંચ વર્ષ અંતર્ગત યોજાઈ રહેલા સેવાયજ્ઞ કાર્યક્રમોની શૃંખલા અન્વયે  આઠમા દિવસે રાજ્યવ્યાપી શહેરી જનસુખાકારી કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે કુલ રૂા. 5000 કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહુર્ત તથા રૂા. 1000 કરોડના ચેકોનું રાજયની 8 મહાનગરપાલીકા અને 156 નગરપાલિકાઓને   વિતરણ કરાયું હતું. જે અન્વયે રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે  ભગવતસિંહજી ટાઉન હોલમાં આજરોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે રાજયમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો આપતા મંત્રી દિલીપભાઇ ઠાકોરે રાજયમાં વિકાસની પારાશીશી રાજયના લોકોને મળતી માળખકીય સુવિધાઓ જેવી કે રોડ રસ્તાઓ પીવાનું શુધ્ધ પાણી, આધુનીક ટેકનોલોજી સભર શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ, સ્વચ્છતા,વાહનવ્યહારની સુવિધા સહિતની સુવીધાઓની ગુણવત્તાસભર ઉપલબ્ધીઓ હોય છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની સંવેદનશીલ અને નિર્ણાયક સરકારે લીધેલા ત્વરીત નિર્ણયો અને લોકો માટે, લોકોની અપેક્ષા મુજબના કાર્યો થકી રાજય સર્વાંગી વિકાસ કરવામાં દેશભરમાં મોડલ રાજય બની રહયું છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વ્યકતિગત શૌચાલયો, શહેરો અને તાલુકાઓને જોડતા રસ્તા, શહેરોના ઓવરબ્રીજ અને અંડરબ્રીજ દ્વારા ફાટક મુકત આંતરીક રસ્તાઓ, ભુર્ગભ ગટરો, વીજળી કરણ, આધુનીક વાહનવ્યહારની સુવિધાઓ, સોલાર રૂફ ટોપ યોજના, મુખ્યમંત્રી સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજના વગેરે જેવી અનેક યોજનાઓના સુચારૂ અને સુનિયોજીત અમલીકરણ વડે ગુજરાત ઉત્તમ માંથી સર્વોત્તમ બનવા તરફ આગેકુચ કરી રહ્યું છે. આ માટે રાજય સરકાર શહેરો અને ગ્રામ્ય વિસ્તારના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.

શહેરી જનસુખાકારી દિવસ અંતર્ગત રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે રૂા. 2 કરોડ 75 લાખના ખર્ચે  તૈયાર થયેલ શહેરી શ્રમીકો માટે 100 વ્યકતીઓની ક્ષમતા ધરાવતું અર્બન હોમલેસ નાઇટ શેલ્ટર, જસદણ શહેરમાં રૂા. 16 કરોડ અને 50 લાખના ખર્ચે તૈયાર થયેલ ભુગર્ભ ગટરના બીજા તબ્બકાના કામનું ઇ-લોકાર્પણ અને ધોરાજી શહેર ખાતે રૂા.22 કરોડ અને 68 લાખના ખર્ચે તૈયાર થનાર 12.90 એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઇ-ખાતમુહૂર્ત એમ કુલ મળી રૂા. 41 કરોડ 93 લાખના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાયું હતું. જયારે મંત્રીશ્રી દિલીપભાઇ ઠાકોર અને મહાનુભાવોના હસ્તે જેતપુર અને ગોંડલ નગરપાલીકાને રૂા. ર કરોડ 50 લાખના, ધોરાજી અને ઉપલેટાને રૂા. 1 કરોડ 50 લાખના, જસદણ નગરપાલીકાને રૂા. 1 કરોડ 12 લાખના તથા ભાયાવદર નગરપાલીકાને રૂા. 50 લાખ એમ કુલ મળી રૂા. 19 કરોડ 24 લાખના ચેકોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ શીતલબેન કોટડીયા, કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા, પ્રાદેશિક નગરપાલીકા વિભાગના અધિક કલેકટર એન.એફ.ચૌધરી, પ્રાંત અધિકારી રાજેશ આલ, મામલતદાર નકુમ, તાલુકા વિકાસ અધિકારી પટેલ સહિત જસદણ, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેતપુર અને ગોંડલ નગરપાલીકાના પ્રમુખઓ, ચીફ ઓફિસરો, પદાધિકારીઓ, સદસ્યો અને સ્થાનીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.