કુ. વનિશાબાનો જન્મદિન: મયુરધ્વજસિંહે દત્તક લીધેલી 5 બાળકીઓના માનમાં સાંઈરામ-કીર્તિદાનની મહત્વની જાહેરાત

પાંચ દીકરીઓના વાલી બની પ્રાથમિક શિક્ષણથી કોલેજ સુધીના અભ્યાસની તમામ ફીની જવાબદારી ઉપાડવા ઉપરાંત 81 બાળકોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચ આપવાનો જાડેજા પરિવારનો નિર્ધાર

અબતક, રાજકોટ

દીકરી એટલે પ્રસાદમાં મળેલ સાક્ષાત ઇશ્વર, દીકરી એટલે લાગણીઓનો ભંડાર, વાત્સલ્યનો ખજાનો, સંવેદનાનો સુર અને પ્રેમ નો એવો દરિયો કે જેનો કયારેય કિનારો જ નથી આવતો… બસ એમ કહી શકાય દીકરી એટ્લે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન…. દીકરી પ્રત્યેનો પરિવારનો પ્રેમ પણ અતુટ જ હોય છે. જે રાજકોટના જાડેજા પરિવારે સાબિત કરી સમાજમાં એક અનોખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. જે.એમ.જે. ગ્રૂપના એમ.ડી. મયુરધ્વજસિંહ જાડેજાએ તેમની લાડકી કુ. વનિશાબા પ્રથમ વર્ષ જન્મદિવસને સામાજિક દાયિત્વનો અવસર બનાવી વધાવવાનો અનોખો નિર્ણય કર્યો છે.

કુ.વનિશાબા મયૂરધ્વજસિંહ જાડેજાનો આજરોજ 12 પહોલો જન્મદિવસ છે. જેના અનુસંધાને સામાજિક અભિયાનના ભાગરૂપે “દીદી નો દીદી ને વ્હાલ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોરોનામાં માતા – પિતાની છત્ર છાયા ગુમાવનાર રાજકોટ શહેરની પાંચ દીકરીઓના વાલી બની પ્રાથમિક શિક્ષણથી માંડી કોલેજ સુધીના અભ્યાસની તમામ ફી ની જવાબદારી ઉપાડવા જાડેજા પરિવારે સંકલ્પ કર્યો છે. આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ રૂપે કોરોના કાળમાં માતા – પિતાની છત્રછાયા ગુમાવનાર 81 બાળકોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચ પણ આપવાનો જાડેજા પરિવારે નિર્ધાર કર્યો છે. એટલું જ નહીં કુ.વનિશાબાના જન્મદિવસની ભેટરૂપે આ તમામ બાળકોને પ્રતિમાસ રાજકોટ સહિત આસપાસના સ્થળોએ તદ્દન નિ:શુલ્ક પીકનીક પર લઇ જવાની જવાબદારી પણ સ્વીકારી છે.

સમાજ માટે પ્રેરણારૂપ આ સામાજિક દાયિત્વના સ્નેહભિના અવસરે મુખ્ય વક્તા તરીકે જાણીતા લેખક – વક્તા જય વસાવડા તેમજ કિર્તીદાન ગઢવી અને સાંઇરામ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે જણાવ્યું કે જેના ઘરમાં દીકરી હોય તેમને અનામતનો લાભ મળવો જોઈએ. આ તકે ઉપસ્થિત સાઈરામ દવે કહ્યું કે દત્તક લેવામાં આવેલી આ પાંચ દીકરીઓ માટે હું અને કિર્તીદાન ગઢવી ગમે ત્યાં મફતમાં ડાયરો કરીશું. જાણીતા કલાકાર કિર્તીદાન ગઢવીએ કીર્તિદાન દુહાનું ગાન કર્યું હતું

જનની જણ તો ભગત જણ, કા દાતાર ને કા સુર
નહીતો રેજે વાંજણી તારું મત રે ગુમાવીસ નૂર….

આ અવસરે હાજર મહાનુભવોએ મયુરધ્વજસિંહ જાડેજાની સેવાને બિરદાવી તમામ લોકોને અપીલ કરી હતી કે જો દરેક સક્ષમ વ્યક્તિ આ રીતે બીજા ગરીબની મદદ કરે તો ગરીબ વ્યક્તિ કે પરિવાર આગળ આવશે તો આ સાથે સામાજિક સંતુલન પણ જળવાશે. આથી દરેક લોકોએ પોતાની યથાશક્તિ મુજબ આ પ્રકારે સેવાકીય ફરજ જરૂર અદા કરવી જોઈએ

આ તકે ઉપસ્થિત રિવાબા જાડેજાએ કહ્યું કે સમાજ તથા સમજેતર માટે ખૂબ સારું કાર્ય કર્યું છે. કોઈ પણ સક્ષમ વ્યક્તિએ સમાજના લોકોની મદદ કરવી જ જોઈએ. હવે સ્ત્રી સક્ષમ બની છે. દીકરીઓને આગળ વધારવી જ જોઈએ. દીકરીઓને અનુકૂળ પડે તે ક્ષેત્રમાં આગળ વધવા દો.જે એમ જે ગ્રુપ સૌ માટે પ્રેરણાદાયી બન્યું છે.

આ અવસરે રાજ્યના મંત્રીઓ કુંવરજીભાઇ બાવળીયા, જયેશભાઇ રાદડીયા, આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદો રામભાઇ મોકરીયા, વિનોદભાઇ ચાવડા, મેયર ડો.પ્રદિપ ડવ, મ્યુ.ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, સાપર વેરાવળ ઇન્ડ.ચેરમેન રમેશભાઇ ટીલારા, ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી, ભાજપ મહિલા પાંખ પ્રદેશ અધ્યક્ષ રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભવો હજાર રહ્યા હતા.