મ્યુ. તંત્રની તાકીદ છતાં ૪૯ હોસ્પિટલોના ફાયર સેફટીનો અભાવ

૬૪ હોસ્પિટલના સર્વેમાં માત્ર ૧૫ હોસ્૫િટલો જ ફાયર સાધનો વસાવ્યાનું ખુલ્યું

શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો વસાવી લેવાની તાકીદ છતાં ૪૯ હોસ્પિટલોના ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. શહેરમાં આવેલી જુદી જુદી ૬૪ જેટલી ખાનગી હોસ્પિટલો કે જેઓને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ફાયર પ્રણાલી સિસ્ટમ લગાવી દઈ ફાયરનું એન.ઓ.સી મેળવી લેવા માટેની અંતિમ નોટિસ અપાઇ હતી, તેમ છતાં પણ કોઇ કાર્યવાહી થઇ ન હતી. દરમિયાન શનિવારે અને સોમવારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શહેરની તમામ ૬૪ હોસ્પિટલોમાં સર્વે કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ હોસ્પિટલો દ્વારા જ ફાયર સિસ્ટમ વસાવાઇ છે. ત્યારે બાકીની ૪૯ હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી નો અભાવ જોવા મળ્યો હતો. જે અંગેનો મ્યુનિ.કમિશનર ને રિપોર્ટ કરાયો છે. હવે આગામી દિવસોમાં  મહાનગરપાલિકા દ્વારા આ તમામ હોસ્પિટલ સામે શું પગલાં લેવાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

રાજકોટની કોવિડ હોસ્પિટલ ની આગજનીની ઘટના પછી રાજ્યભરમાં તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ફાયર પ્રણાલી અંગેની ચેકિંગની કાર્યવાહી કરવાના આદેશો અપાયા હતા. જે આદેશના પગલે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલો બાબતેનો સર્વે કરવામાં આવ્યો હતો. જેના સર્વેમાં શહેરની ૬૪ ખાનગી હોસ્પિટલ ની યાદી બનાવવામાં આવી હતી, અને તમામને ગત ઓગસ્ટ મહિનામાં ફાયર ના સાધનો વસાવી અને તે અંગેની એન.ઓ.સી મેળવી લેવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી.  જેને આજે ચાર મહિના જેટલો સમયગાળો પૂરો થઈ ગયો હોવા છતાં પણ કોઇ કાર્યવાહી થઇ ન હતી. દરમિયાન શનિવારે અને સોમવારે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની જુદી જુદી પાંચ ટુકડીઓ દ્વારા તમામ ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન માત્ર ૧૫ ખાનગી હોસ્પિટલમાં જ ફાયર પ્રણાલી વસાવી લેવામાં આવી છે, અને તેનો જરૂરી એન.ઓ.સી પણ મેળવી લેવામાં આવ્યું છે. જ્યારે બાકીની ૪૯ હોસ્પિટલોમાં ફાયર પ્રણાલી અંગેની નું જરૂરી એન.ઓ.સી મેળવી લેવાયું નથી. અને ફાયર સિસ્ટમ સંપુર્ણ પણે ચાલુ નહતી. જોકે કેટલીક હોસ્પિટલોમાં આ અંગેની પ્રક્રિયાઓ ચાલી રહી છે. પરંતુ હજુ સંપૂર્ણ પણે કાર્યરત થઈ નથી. તે અંગેનો રિપોર્ટ ફાયરબ્રિગેડ દ્વારા આજે મ્યુનિ. કમિશનરને સોંપી દેવામાં આવ્યો છે. જેથી ફાયર એનઓસી વિના ચાલી રહેલી શહેરની હોસ્પિટલો અંગે મ્યુનિ.કમિશનર શું કાર્યવાહી કરે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. ફાયર એનઓસી વગર ચાલતી ૪૯ હોસ્પિટલોની યાદી જોઇએ તો ડો. જે. ડી. ચાંગેલા, કલ્યાણ હોસ્પીટલ, શિંગાળા હોસ્પીલ, સહકાર બાળકોની હોસ્પીટલ, આર્શિવાદ હોસ્પીટલ, સોલેરીયમ એનકલેવ, મેન્ટલ હોસ્પીટલ સહીની ૪૯ હોસ્૫િટલો છે.