- આફતને અવસરમાં ફેરવતા અંબાણી
શેરબજારના ચાણક્ય મુકેશ અંબાણીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કેવી રીતે લાંબા ગાળાનું, સમજી-વિચારીને કરાયેલું રોકાણ વિપરીત સંજોગોમાં પણ અદભુત વળતર આપી શકે છે. જ્યારે મોટાભાગના રોકાણકારો ભયભીત થઈને બજારમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અંબાણીએ 2008ની વૈશ્વિક આર્થિક મંદીનો ફાયદો ઉઠાવ્યો. તેમણે એશિયન પેઇન્ટ્સ જેવી મજબૂત કંપનીમાં માત્ર ₹500 કરોડનું રોકાણ કર્યું. આજે, 17 વર્ષ પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ એશિયન પેઇન્ટ્સમાં પોતાનો 3.6% હિસ્સો ₹7,704 કરોડમાં વેચી દીધો છે, જે તેમને 23 ગણો નફો અપાવ્યો છે. આ કિસ્સો ’યોગ્ય સમયે ખરીદી, ધીરજ રાખીને રાહ જોઈ અને યોગ્ય સમયે વેચાણ’ કરવાના સિદ્ધાંતનું ઉત્તમ ઉદાહરણ છે.
વર્ષ 2008ના જાન્યુઆરી મહિનામાં, જ્યારે બજારો ખરાબ રીતે તૂટી રહ્યા હતા, ત્યારે રિલાયન્સે ચૂપચાપ એશિયન પેઇન્ટ્સમાં 4.9% હિસ્સો માત્ર ₹500 કરોડમાં ખરીદ્યો હતો. હવે, રિલાયન્સે તેમાંથી 3.6% હિસ્સો જઇઈં મ્યુચ્યુઅલ ફંડને વેચીને ₹7,704 કરોડનો જંગી નફો કર્યો છે. આ ભારતીય કોર્પોરેટ ઇતિહાસના સૌથી શાનદાર લાંબાગાળાના રોકાણોમાંનો એક ગણી શકાય.
રિલાયન્સે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે સિદ્ધાંત કોમર્શિયલ્સ લિમિટેડ દ્વારા કંપની પાસે રહેલા 3.5 કરોડ શેર ગુરુવારે ₹2,201 પ્રતિ શેરના ભાવે વેચવામાં આવ્યા હતા. ગુરુવારે એશિયન પેઇન્ટ્સનો શેર ₹2,218.05 પર બંધ થયો હતો. ડિવિડન્ડ સહિત ગણીએ તો, આ રોકાણ પર રિલાયન્સને લગભગ 23 ગણું વળતર મળ્યું છે.
આ હિસ્સો વેચ્યા પછી, રિલાયન્સની પેટાકંપની સિદ્ધાંત કોમર્શિયલ્સનો એશિયન પેઇન્ટ્સમાં હિસ્સો 4.90% થી ઘટીને 1.26% થયો છે. જ્યારે જઇઈં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 1.51% થી વધીને 5.15% થયો છે.
અંબાણીએ આ વેચાણ માટે જે સમય પસંદ કર્યો છે તે ખૂબ જ સમજદારીભર્યો છે. છેલ્લા 2 વર્ષમાં એશિયન પેઇન્ટ્સના શેર 32% જેટલા ઘટ્યા છે, જે તેમને નિફ્ટીના મોટા શેરોમાં સૌથી નબળો દેખાવ કરનારા બનાવે છે. ભારતનો 9 બિલિયન ડોલરનો પેઇન્ટ ઉદ્યોગ હાલમાં સખત સ્પર્ધાનો સામનો કરી રહ્યો છે. આદિત્ય બિરલા ઓપસ જેવી નવી કંપનીઓ એશિયન પેઇન્ટ્સને નંબર વન સ્થાન પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
રિલાયન્સે પાંચ વર્ષ પહેલા પણ આ હિસ્સો વેચવાનો વિચાર કર્યો હતો, પરંતુ તે સમયે તેણે તેમ કર્યું નહીં. તેના બદલે તેણે પોતાની ડિજિટલ, ટેલિકોમ અને રિટેલ કંપનીઓ માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી 25 બિલિયન ડોલર ભેગા કર્યા હતા.
આ હિસ્સાને જાળવી રાખવાનો નિર્ણય સોનેરી સાબિત થયો, જેનાથી અંબાણીને આ અસાધારણ રોકાણમાંથી મહત્તમ નફો કમાવાની તક મળી.