Abtak Media Google News

Table of Contents

અફઘાનના જંગલરાજ ઉપર વિશ્વ તૂટી પડશે ?

ધર્મ જનુનીઓને જેહાદના નામે ધરતી ઉપર જન્નત સોંપવા તાલિબાનોએ ઇમામ અને મુલ્લાઓને કિશોરીઓ તથા મહિલાઓનું લિસ્ટ બનાવવા સૂચના આપી

અબતક, નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં જેમ-જેમ તાલિબાનીઓનો કબ્જો વધી રહ્યો છે તેમ-તેમ સ્થિતિ ઝડપથી બગડી રહી છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આતંકી સમૂહના લડાકુઓ માટે તાલિબાનીઓ યુવતીઓને ‘ગુલામ’ બનાવવા માટે લોકોને ‘ઘરે-ઘરે જઈ રહ્યા છે’. સૂત્રોના રિપોર્ટ મુજબ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના સ્થાનિક નેતાઓએ 15 વર્ષની કુંવારીકાથી લઈને 45 વર્ષ સુધીની વિધવાઓને તાલિબાનના હવાલે સોંપી દેવા મુલ્લાઓને ફરમાન કર્યું છે. હવે તાલિબાની નેતા અપહરણ અને મહિલાઓ સાથે બળજબરીપૂર્વક લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં ઘણી સ્કૂલ અને બિઝનેસ ખતમ થઈ ગયા છે. અફઘાનિસ્તાનમાં હવે મહિલાઓને સ્કૂલે જવા માટેની અનુમતિ માત્ર ત્યારે જ હશે કે જ્યારે તેમની ટીચર એક મહિલા હશે. તાલિબાનીઓએ અફઘાનિસ્તાનમાં આ પ્રકારના નિયમો નહીં તોડવાની ચેતવણી પણ આપી છે.અફઘાનિસ્તાનમાં મહિલાઓ હવે પોતાના ભવિષ્ય બાબતે ડરેલી છે અને યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભાગી રહી છે. અફઘાનિસ્તાનમાં પિતાઓને એવો ડર સતાવી રહ્યો છે કે તાલિબાની લડાકુ અમારી દીકરીઓનું અપહરણ કરી લેશે અને તેમને ગુલામ બનાવવા માટે મજબૂર કરશે. અફઘાનિસ્તાનમાં ઉચ્ચ પરિષદના સભ્યએ પોતાના ડર વિશે જણાવ્યું કે દેશમાં વર્તમાન નાગરિક અધિકાર ખતરામાં છે. તેમણે કહ્યું કે મારો સૌથી મોટો ડર એ છે કે આતંકવાદીઓ તે મહિલાઓને હાંસિયામાં મૂકી રહ્યા છે કે જેઓ નેતૃત્વ પદ પર કાર્યરત છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો કબજો મજબૂત બની રહ્યો છે. હવે તાલિબાનીઓએ દાવો કર્યો છે કે તેમણે અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબજો કરી લીધો છે. જો આવું થયું હોય તો અફઘાનિસ્તાનની સરકારના હાથમાં માત્ર રાજધાની કાબુલ અને કેટલાંક અન્ય નાના-મોટા ક્ષેત્ર બચશે. ત્યાંના એક સ્થાનિક નિવાસીના દાવાના આધારે ન્યૂઝ એજન્સી એએફપીએ જણાવ્યું કે ‘તાલિબાનના એક પ્રવક્તાએ કોઈ ઓફિશિયલ અકાઉન્ટથી ટ્વિટ કરી કે, કંધાર સંપૂર્ણરીતે જીતી લીધું છે. મુજાહિદ્દીન શહેરમાં શહીદ ચોક પર પહોંચી ગયા છે.’ તાલિબાને એક અઠવાડિયામાં અફઘાનિસ્તાનના 34 પ્રાંતીય રાજધાનીઓમાંથી 11 પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે.

તાલિબાનના આતંકી કાબુલથી થોડા જ દૂર સ્થિત ગજની પર અને ઈરાન સીમા પાસે હેરાત પર પહેલાથી જ કબજો કરી ચૂક્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ આતંકી હવે ક્યારેય પણ કાબુલ પર હુમલો કરી શકે છે. અફઘાનિસ્તાનની રાજધાની પર તાલિબાનના કબ્જા પછી અશરફ ગની સરકારનું પતન થઈ જશે. અમેરિકન સેનાએ આશંકા વ્યક્તિ કરી છે કે તાલિબાન આતંકી 30થી 90 દિવસની અંદર કાબુલ પર કબ્જો કરી શકે છે.

મોદીનું સ્વપ્ન રોળાયું : અફઘાનિસ્તાનમાં જે ડેમનું ઉદ્દઘાટન કર્યું તે ડેમ તાલિબાનોએ કબ્જે લીધો

afghan taliban

તાલિબાને અફઘાનિસ્તાનના 18 પ્રાંતોની રાજધાનીઓ કબજે કરી છે. હવે તે રાજધાની કાબુલથી માત્ર 50 કિમી દૂર છે. આ દરમિયાન તાલિબાનનો નવો દાવો ખૂબ જ ચોંકાવનારો છે. હકીકતમાં, તાલિબાને હવે દાવો કર્યો છે કે તેણે હેરાત પ્રાંતમાં સ્થિત સલમા ડેમ પર પણ કબજો જમાવી લીધો છે.આ એ જ ડેમ છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016 દરમિયાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સલમા ડેમ અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં સ્થિત છે. તેને ભારત-અફઘાનિસ્તાન ફ્રેન્ડશિપ ડેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તાલિબાન પ્રવક્તાએ આડેમ પર પણ કબજો જમાવ્યો હોવાની પુષ્ટિ કરી છે. નોંધનીય છે કે તાલિબાનોએ પ્રથમ વખત સલમા ડેમને નિશાન બનાવ્યો નથી. આ પુર્વે તેમણે 4 ઓગસ્ટના રોજ આ બંધ પર પણ હુમલો કર્યો હતો. તે સમયે અફઘાન સરકારે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.હેરાત પ્રાંતમાં હરી રુદ નદી પર બનેલો સલમા ડેમ મોટા પાયે વીજળી પેદા કરે છે. વળી, આ ડેમનો ઉપયોગ 75 હજાર હેક્ટર જમીનમાં પાણી આપવા માટે પણ થાય છે.

તાલિબાનની ભારતને ધમકી, અફઘાનિસ્તાનની મદદ કરશો તો સારું નહિ રહે

afghan taliban

અફઘાનિસ્તાનમાં ધીમે ધીમે પોતાની પકડ વધારી રહેલા તાલિબાને હવે ભારતને ધમકી આપી છે. એકબાજુ ભારતથી અફઘાનિસ્તાનને મળનાર મદદની પ્રશંસા કરી તો બીજીબાજુ ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠને સાથો સાથ ચેતવણી પણ આપી છે કે જો ભારતીય સેના ત્યાં જશે તો તે ‘સારા વટ નહીં રહે’. તાલિબાન પ્રવક્તાએ ‘અન્ય દેશોની’ પરિસ્થિતિમાંથી શીખવાની સલાહ આપી છે. તેમનો ઇશારો અમેરિકાની તરફ હતો જેણે લગભગ 20 વર્ષ સુધી ચાલેલા યુદ્ધ બાદ પોતાની સેનાને પાછી બોલાવી લીધી છે.

બીજીબાજુ ભારત પણ સ્પષ્ટ કહી ચૂકયું છે કે અફઘાનિસ્તાનમાં તાકાતના બાળ પર બનેલી સરકારને માન્યતા મળશે નહીં. ભારત સિવાય જર્મની, કતર, તુર્કી અને કેટલાંય અન્ય દેશોએ અફઘાનિસ્તાનમાં હિંસા અને હુમલા તરત રોકવાની અપીલ કરી છે.તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહેલ શાહીને ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે જો ભારત સેના સાથે અફઘાનિસ્તાન આવે છે અને તેમની અહીં હાજરી રહે છે તો આ તેમના (ભારત) માટે ‘સારું’ નહીં હોય. શાહીને કહ્યું કે તેમણે અફઘાનિસ્તાનમાં સેના અને બીજા દેશોની હાજરીના પરિણામો જોયા છે, તેથી તેમના માટે તો આ ખુલ્લી કિતાબની જેવું છે. તેમનું કહેવું છે કે ભારતે અફઘાનિસ્તાનને મદદ કરી છે, પહેલા પણ કહ્યું છે અને તેના વખાણ થતા રહે છે.

બંદૂકથી સ્થપાયેલા શાસનને ક્યારેય સ્વીકારાશે નહિ : તમામ દેશોનો નિર્ણય

દોહામાં પ્રાદેશિક સંમેલન પછી ભારત, કતાર અને અન્ય ઘણા દેશો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અફઘાનિસ્તાનમાં લશ્કરી કબજાને કોઈ માન્યતા મળશે નહીં. રિપોર્ટ અનુસાર 10 ઓગસ્ટના રોજ દોહામાં થયેલી બેઠકમાં ચીન અને પાકિસ્તાન એવા દેશોમાં સામેલ હતા જેમણે કહ્યું હતું કે તેઓ કોઈ હિંસક અધિગ્રહણને માન્યતા નહીં આપે. તાલિબાનના વધતા અત્યાચાર વચ્ચે રાજકીય સમાધાન માટે પણ પ્રયાસો ચાલુ છે.

10 ઓગસ્ટના રોજ દોહામાં અમેરિકા, ચીન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન, બ્રિટન, સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયનની એક બેઠક યોજાઇ હતી, ત્યારબાદ 12 ઓગસ્ટે ભારત, જર્મની, નોર્વે, તાજિકિસ્તાન, તુર્કીના પ્રતિનિધિઓ સાથે બીજી બેઠક યોજાઈ હતી. બંને બેઠકોમાં તમામ પ્રતિનિધિઓએ અફઘાન સરકાર અને તાલિબાનને વિનંતી કરી કે તેઓ આત્મવિશ્વાસ વધારવા માટે પગલાં લે અને રાજકીય ઉકેલ અને વહેલી તકે વ્યાપક યુદ્ધવિરામ સુધી પહોંચવાના પ્રયાસોને વેગ આપે.

રાષ્ટ્રપતિ ગની આજે રાજીનામુ આપે તેવી શકયતા

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગની આજે રાજીનામું આપે તેવી શક્યતા છે. કાબુલમાં સૂત્રોનું કહેવું છે કે, સરકારે આજે તેની જાહેરાત કરી શકે છે. જોકે કાલે મોડી રાત સુધી રાષ્ટ્રપતિ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ગની અંતિમ સમય સુધી રાષ્ટ્રપતિ રહેશે.અત્યારે તાલિબાન અને અફઘાન સેના વચ્ચે મેદાન વિસ્તારમાં ગવર્નર કમ્પાઉન્ડ પાસે ભીષણ લડાઈ ચાલી રહી છે.

આ મેદાન વિસ્તારને કાબુલનો ગેટવે પણ કહેવામાં આવે છે. શનિવારે સવારે તાલિબાનોએ પત્કિયા રાજ્યના શરના શહેર ઉપર પણ કબજો કરી લીધો છે. ત્યારપછી તાલિબાન કાબુલથી માત્ર એક કલાકના અંતેર જ છે.

ચીનની ચાલાકી : તાલિબાનના શાસનને ન સ્વીકારવાનું જાહેર કર્યા બાદ અંદરખાને તેને સ્વીકારવાની તૈયારી કરી લીધી!!

તાલિબાનને લઇ ચીનનું બદલાતું વલણ

એકબાજુ સમાચાર આવે છે કે બંદૂકોની મદદથી અફઘાનિસ્તાનમાં આવનારી સરકારને માન્યતા આપવામાં આવશે નહીં, તો બીજી બાજુ એવા સમાચાર પણ છે કે ચીન તાલિબાનને માન્યતા આપવા માટે તૈયાર દેખાઇ રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન પ્રત્યે ચીનના વલણથી અમેરિકા સહિત અન્ય દેશો પણ ચોંકી ગયા છે, જે તાલિબાન સામે કડક પ્રતિબંધો લાદવાની યોજના બનાવી રહ્યા છે. જોકે ચીન તાલિબાન પર શાંતિ સમજૂતી માટે જાહેરમાં દબાણ કરી રહ્યું છે.

યુએસ ન્યૂઝ રિપોર્ટ અનુસાર જો તાલિબાન આતંકવાદીઓ અફઘાનિસ્તાન પર કબજો મેળવવામાં સફળ થાય છે તો ચીન તેમને માન્યતા આપવા માટે તૈયાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન ગની સરકાર અને તાલિબાન વચ્ચે સમાધાન ઈચ્છે છે. ચીનના નવા લશ્કરી અને ગુપ્તચર આકરણી બાદ અફઘાનિસ્તાનની જમીની વાસ્તવિકતાને જોતા હવે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ તાલિબાન સાથે ઔપચારિક સંબંધો શરૂ કરવા સહમત થઇ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.