મલ્ટીનેશનલ કંપનીઓ રસીની રેસમાં: ભારત ૧૬૦ કરોડ ડોઝ સાથે અવલ્લ નંબરે!!

રસીની “રસ્સાખેંચ” જામી: કોરોના સામે વેક્સિનેશન રક્ષણ આપશે??

ભારતે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પાસેથી ૫૦૦ મિલિયન, નોવાવેક્સ પાસેથી ૧ બિલિયન જ્યારે ગામાલિયા પાસેથી ૧૦૦ મિલિયન ડોઝ મંગાવ્યા!!

કોરોના મહામારીને નાથવા વિશ્ર્વ આખુ મથામણ કરી રહ્યું છે. કોરોના સામે વેકિસનેશન જ ‘રામબાણ’ ઈલાજ હોય, તેમ આંતરરાષ્ટ્રીય કંપનીઓ રસીની રેસમાં ઉતરી છે. એમાં પણ રસીની કિંમતો, વિશ્ર્વસનીયતા, લોજીસ્ટિક,ડિસ્ટ્રીબ્યુશન, કોલ્ડચેઈન વગેરેને લઈ મોટા પડકારો ઉભા થયા છે. જેને લઈ રસીની ‘રસ્સાખેંચ’ જામી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ‘ગીધડાઓ ડ્રાઉ ડ્રાઉ’ કરી રહ્યા છે. પોતાની રસીને મંજુરી મળી જાય અને તેનો જટ વ્યાપાર થવા માંડે તેમ કંપનીઓ હોડમાં ઉતરી છે. આ બધા પડકારો વચ્ચે વિશ્ર્વના દેશો ઉત્પાદક કંપનીઓ પાસેથી મોટાપાયે રસીના ડોઝ મંગાવી રહ્યા છે. જેમાં ભારત ૧૬૦ કરોડ ડોઝ સાથે અવ્વલ નંબરે છે. ભારતે રસીનાં ઓકસફર્ડ યુનિવર્સિટી પાસેથી ૫૦૦ મીલીયન, નોવાવેકસ પાસેથી ૧ બીલીયન જયારે ગામાલેયા પાસેથી ૧૦૦ મીલીયન ડોઝ મંગાવ્યા છે.

કોરોનામાંથી ઉગરી પોતાના દેશના અર્થતંત્રને ફરી પૂરપાટ ગતિ આપવા દરેક દેશ મથી રહ્યો છે. નાગરિકોને રસી મળે અને કોરોનામાંથી મૂકત થાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ રસી દ્વારા સારવારના નામે ‘ગીધડા’ઓ લાભ ખાટી રહ્યા છે. વિશ્ર્વભરમાં અલગ અલગ ઘણી પ્રકારની રસીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. પરંતુ તેની ૧૦૦ ટકા વિશ્ર્વસનીયતાના અભાવે ઘણા પ્રશ્ર્નો ઉભા કર્યા છે. કયાં સમયે કેટલીવાર અને કયારે રસીના ડોઝઆપવા એ અંગે પણ અસમજંસ છે. લોકોના સ્વાસ્થ્યના આ જોખમ વચ્ચે ભારત સરકાર દ્વારા ૧૬૦ કરોડ ડોઝના ઓર્ડર અપાઈ ચૂકયા છે. વિશ્ર્વભરમાં ઉત્પાદિત થઈ રહેલી રસી પર ડયુકે યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક વર્ગીકરણને આધારે આ માહિતી મળી છે. ભારત દ્વારા કરાયેલ આ ઓર્ડરની સંખ્યા વિશ્ર્વમાં સૌથી વધુ છે. ભારત બાદ યુરોપીયન યુનિયનનો ક્રમ આવે છે કે જેના દ્વારા ૧.૫૮ બીલીયન ડોઝ મંગાવાયા છે.

તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષ વર્ધને પણ જણાવ્યું હતુ કે, વર્ષ ૨૦૨૧નાં જુલાઈથી ઓગષ્ટ માસ સુધીમાં ભારતને ૫૦૦ મિલિયન ડોઝ મળી જશે જે ઓકસફર્ડ યુનિવર્સિટી સાથે મળી બનાવાયેલી એસ્ટ્રાજેનેકટ રસીનાં હશે ડયુકે યુનિવર્સિટી દ્વારા કરાયેલા સર્વેની માહિતી મુજબ અમેરિકાની નોવાવેકસ કંપની પાસેથી ૧ બીલીયન ડોઝ જયારે રશિયાની ગામાલેયા રીસર્ચ ઈન્સ્ટિટયુટની સ્પુટનીક વી રસીના ૧૦૦ મીલીયન ડોઝ ભારત દ્વારા ઓર્ડર કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, સ્પુટનીક વી માટે હૈદરાબાદની ડો. રેડ્ઢીઝ લેબોરેટરી અને રશિયાની ગામાલેયા રીસર્ચ ઈન્સ્ટટીયુટ દ્વારા સંયુકત પણે કવાયત હાથ ધરાઈ છે. જયારે પૂણેની સીરમ ઈન્સ્ટીટયુટ અને ઓકસફોર્ડ યુનિવર્સિટી રસી સંયુકત પણે વિકસાવી રહ્યા છે.

આ ઉપરાંત સ્વદેશી રસીની વાત કરીએ, તો ભારત બાયોટેક દ્વારા સ્વદેશી રસી વિકસાવાઈ રહી છે જે ત્રીજા સ્ટેજનાં પરીક્ષણમાં હોવાનું લેબોરેટરી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ તમામ પ્રકારની રસી આવી ગયા બાદ પણ પડકારો ખત્મ થવાની કોઈ આશા નથી કારણ કે, આ રસીની અસરકારકતા ને લઈને જ ચોકકસતા નથી તો રસીકરણથી સંપૂર્ણ પણે કોરોના મૂકત કેમ થઈ શકીશું?? એક તરફ રસી ઉત્પાદક કંપનીઓ દાવાઓ કરી રહી છે કે તેમની રસીઓ કારગત નીવડશે તો બીજી તરફ આ વિશ્ર્વાસ ડગમગી રહ્યો હોય તેમ રસીકરણ બાદ પણ ગાઈડલાઈનનું ચોકકસ પણે ચુસ્ત પાલન કરવાનું જણાવાઈ રહ્યું છે. વિશ્ર્લેષકોનાં મત મુજબ રસી અપાઈ ગયા બાદ પણ દર્દીઓએ માસ્ક પહેરવું, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું, વારંવાર હાથ ધોવા વગેરે નિયમોનું પાલન કરવું જ પડશે માત્ર રસી પર જ ભરોસો રાખવો એ સંપૂર્ણતા મુર્ખાઈ છે.

નસીબ કે દૂરંદેશીપણું!!

કોરોના વાયરસે વિશ્ર્વઆખામાં ખલબલી મચાવી દીધી છે. આ વાયરસને નાથવા રસીકરણ માટે હવે, હોડ જામી છે. રસીને લઈ ઉત્પાદકો વચ્ચે સંઘર્ષ જામ્યો છે. કયો ડોઝ, કયારે, કેવી રીતે, કેટલીવાર આપવો તે અંગે અસમંજસ છે તો દર્દીને કોઈ આડઅસર તો નહિ થાયને?? તે શંકાને લઈ પણ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું નથી.

આ સંજોગોમાં હવે, નસીબ પર છોડી દેવું કે, દૂરંદેશીપણું કેળવી કોરોનાની રસી માટે સતકર્તા દાખવવી. એસ્ટાજેનેકા અને ઓકસફોર્ડ યુનિવર્સિટીની રસી ઉપર ઉત્પાદકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે. રસી અપાયા બાદ તેની અસરકારકતા વધુ કઈ રીતે આવે? આ પેટર્ન ગોઠવવા માટે ઓકસફર્ડ યુનિવર્સિટીના સંશોધકો ઉંધેકાંધ થયા છે. વિશ્ર્લેષકો એ આ અંગે જણાવ્યું કે આ રસીની અડધા ડોઝની જ પેટર્ન ૯૦% અસરકારકતા દાખવશે જયારે સમયાંતરે બે ફુલ ડોઝ દ્વારા ૬૨% સફળતા મળશે.

ભરોસાના “ઈંજેકશન” માટે ઝુંબેશ જામશે!!

ભારત સહિત વિશ્ર્વભરમાં અલગ અલગ પ્રકારની ઘણી રસીઓ ઉપલબ્ધ થઈ ચૂકી છે. ભારતમાં જ અંદાજે ૩૦ જેટલી રસીઓ પરીક્ષણ હેઠળ છે. રસીનો ‘વિકાસ’તો ધમધમી રહ્યો છે. પરંતુ આ રસી પર ૧૦૦ ટકા વિશ્ર્વસનીયતાનો અભાવ છે. રસીના ડોઝ અપાયા બાદ દર્દીઓને કોઈ આડઅસર થશે કે કેમ?? થશે તો તેના ગંભીર પરિણામો પણ ઉપજી શકે છે. આ પડકારને લઈ હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી ત્યારે હવે, રસી પરનાં ભરોસાના ‘ઈંજેકશન’ માટે સરકાર ઝુંબેશ ચલાવશે. રસીકરણ સુરક્ષીત જ છે તેનાથી નાગરિકોને કોઈ આડઅસર કે નુકશાન પહોચશે નહિ લોકોનું સ્વાસ્થ્ય જ સરકાર માટે પ્રાથમિકતા છે અને આ પરીબળને ધ્યાને રાખીને જ રસીકરણ કરવામાં આવશે. આમ કહી રસીનો ભરોસો લોકોમાં બેસાડવા સરકારે પ્લાન ઘડયો છે. અને લોકોને જાગૃત કરવા ઝુંબેશ ચલાવશે.

રસીની રેસમાં VIPઓ!!

ભેંસ ભાગોળે, છાશ છાગોળે

કોરોના મહામારી તો ઉભી ગઈ છે. પરંતુ આ વચ્ચે પણ રાજકીય નેતાઓ રાજકારણ કરી રહ્યા છે. ભેંસ ભાગોળે છાશ છાગોળે જેવો ઘાટ ઘડાયો છે. રસીની રેસમાં વીઆઈપી લોકો ઉતર્યા છે. રસી આવ્યા પહેલા તો તેના ડોઝને લઈ ‘રાજકારણ’ રમાઈ રહ્યું છે. રસીકરણ સૌ પ્રથમ કોને કરાશે?? તે અંગે સરકારી ડેટા ઘણીવાર સામે આવ્યા છે. જે મુજબ સૌ પ્રથમ કોરોના વોરિયર્સ અને વેન્ટીલેટર પર રહેલા દર્દીઓને પ્રાથમિકતા અપાશે. પરંતુ આ સાંકળમાં પાછલા દરવાજેથી વીઆઈપીઓ ઉતરે તો કોઈ નવાઈ નહિ !! જેમાં ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓનો સમાવેશ છે.