Abtak Media Google News

રાજ્યનાં પ્રથમ દર્દી નદીમના સંપર્કમાં આવેલા લોકોને પત્રિકાશ્રમમાં કરાયા હતા કવોરેન્ટાઈન, તે સમયે કોરોનાથી ભારે ભયનો માહોલ

સર્જાયો હતો, ૧૪ દિવસ સુધી ખુબ તકેદારીથી તમામની સારસંભાળ રાખી હતી: સમગ્ર ઘટના વર્ણવતા આરોગ્ય કર્મી રસિક બગડા

રાજકોટમાં સૌરાષ્ટ્ર-ગુજરાતનો કોરોનાનો પ્રથમ કેસ દાખલ થયો ત્યારે પ્રથમ દર્દી નદીમભાઈના સંપર્કમાં આવેલ ૬૦ જેટલા પરિવાર ને પથિકાશ્રમમાં ક્વોરોન્ટાઇન કરવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી. એ દિવસો દરમિયાન ત્યાં ક્વોરોન્ટાઇન થયેલા લોકોના મનમાં કોરોનાનો ભય પેસી ગયો હતો. મૂળ તો અમે આ રોગના ભયને તેમના મનમાંથી કાઢી નાંખ્યો, અમે તેમને સમજાવ્યું કે જરૂરી નથી કે કોરોનાગ્રસિત દરેક દર્દીનું મૃત્યુ થાય. રોગ અંગે પૂરતી કાળજી રાખવાથી ચોક્ક્સપણે રોગના સંક્રમણથી બચી શકાય છે. આ શબ્દો છે રાજકોટના પથિકાશ્રમમાં ૧૪ દિવસ સુધી કોરોના પેશન્ટના પરિવારને ક્વોરોન્ટાઇન કરીને તેમની સારસંભાળ રાખનાર મલ્ટિર્પપઝ હેલ્થ વર્કર રસિકભાઈ બગડાના, કોઈ પણ રોગ શારીરિક થી વધુ માનસિક અસર કરે છે. તેમાંય કોરોના.. જે સમગ્ર વિશ્વ માટે નવો છે તેનો અકસીર ઈલાજ પણ વિશ્વમાં કયાંય ઉપલબ્ધ નથી. આવો રોગ પરિવારના સદસ્યને લાગુ પડી જાય ત્યારે સ્વાભાવિકપણે તેનો પરિવાર ભાંગી પડે છે. આવા પરિવારોના મનોબળને મક્કમ કરવાનું કાર્ય રસિકભાઈ એ કર્યું હતું.

પડધરી તાલુકાના સાલપીપળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેડ ક્વાર્ટર હડમતીયા ખાતે ફરજ  બજવતાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર રસિકભાઈ બગડા સાથે પથિકાશ્રમમાં ફરજ દરમિયાન એક ઘટના બની, જંગલેશ્વરના શ્રમિક પરિવારના તસલીમબેન કોઈ કોરોનાગ્રસિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. તેથી તેંમને પથિકાશ્રમમાં ક્વોરોન્ટાઇન કર્યા હતા. તેમનું હેલ્થ ચેકઅપ કરતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો, તાત્કાલિક તેમને સિવિલમાં દાખલમાં કરવા પડે તેમ હતા. તસલીમબેનનો ૧ વર્ષનો પુત્ર માતાથી અળગો થવા માંગતો ન હતો. તેમનો પરિવાર પણ ખૂબ જ ગભરાઈ ગયો હતો. ત્યારે રસિકભાઈએ તેમના પુત્રને એક મા ની જેમ સમજાવ્યો અને તસલિમબેનના પરિવારને માનસિક મનોબળ પૂરું પાડીને તસલીમબેનને હોસ્પિટલમાં દાખલ કર્યા. સુયોગ્ય સારવાર બાદ તંદુરસ્ત થઈને સૌ પ્રથમ તસલિમબેન પરિવાર સાથે રસિકભાઈને મળી તેંમનો આભાર માન્યો હતો. પથિકાશ્રમ બાદ તેમને તા. ૨૯ એપ્રિલથી ૨૫ મે સુધી રાજકોટના ક્ધટેન્ટમેન્ટ ઝોન જંગલેશ્વર વિસ્તારમાં ફરજ સોંપવામાં આવી હતી. જ્યાં તેમણે માહિતી, સંવાદ અને શિક્ષણના માધ્યમથી કોરોનાની ગંભીરતા સમજાવી લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા અનુરોધ કર્યો હતો. સમય જતાં લોકો પણ રસિકભાઈની વાત થી સહમત થયા હતા.

રસિકભાઈની સમગ્ર ફરજ દરમિયાન તેમના પરિવારનો પણ તેમને પૂરતો સહયોગ મળ્યો છે. જેમ પોતાના પરિવારને તેઓ કોરોનાથી બચવાની માહિતી આપતાએ જ રીતે તેમણે પોતાની ફરજ દરમિયાન અનેક પરિવારોને આ આપદાથી બચાવવા જાગૃતિ ફેલાવી માનસિક શક્તિ પ્રદાન કરી છે. તેમની આ સરાહનીય કામગીરીને કારણે અનેક લોકો કોરોનાનાં સંક્રમણથી બચી શક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.