Abtak Media Google News

નાઇટ રાઇડર્સની ટીમ 6 વિકેટ હાથમાં હોવા છતાં અંતિમ 5 ઓવરમાં 31 રન ન કરી શકી!! 

ક્રિકેટનું ફોર્મેટ ભલેને કોઈપણ હોય પણ તમે ક્યારેય વસ્તુઓને ટેકન ફોર ગ્રાન્ટેડ નથી લઈ શકતા. આઈપીએલ 2021ની પાંચમી મેચમાં કોલકાતાની ટીમે રનચેઝ કેમ ન કરાયો એનો ક્લાસિક કેસ બધા સામે રજૂ કર્યો છે. નાઈટ રાઈડર્સને 5 ઓવરમાં 31 રનની જરૂર હતી, 6 વિકેટ હાથમાં હતી અને કોલકતાએ 10 રને મેચ ગુમાવી દીધો. ગુજરાતી બોલર્સ કૃણાલ પંડ્યા અને જસપ્રીત બુમરાહે રનગતિ પર એવી બ્રેક લગાવી કે, આન્દ્રે રસેલ અને દિનેશ કાર્તિક જેવા ફિનિશર્સનો શ્વાસ રૂંધાઇ ગયો.

153 રન ચેઝ કરતાં નાઈટ રાઈડર્સે 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 122 રન કર્યા હતા. દિનેશ કાર્તિક અને શાકિબ અલ હસન ક્રિઝ પર ઊભા હતા, એટલે સરળ શબ્દોમાં ઈકવેશન સમજાવતાં એવું કહી શકાય કે, 30 બોલમાં 31 રનની જરૂર અને બે વર્લ્ડ ક્લાસ ફિનિશર્સ પિચ પર અને આન્દ્રે રસેલ હજી નોટઆઉટ ગ્રાઉન્ડની બહાર બેટિંગ માટે બાકી હતો. તેમ છતાં પણ કોલકાતાની ટીમ રન ચેઝ કરી શકી નહીં.

કૃણાલે 16મી ઓવરમાં માત્ર 1 રન આપીને શાકિબની વિકેટ ઝડપી. એ પછી 18મી ઓવરમાં બરોડાના ડાબોડી સ્પિનરે 3 રન જ આપ્યા. બીજી તરફ, ગુજરાતના ફાસ્ટ બોલર અને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ બુમરાહે 17મી ઓવરમાં 8 રન આપ્યા અને એ બાદ નાઈટ રાઈડર્સને 2 ઓવરમાં 19 રનની જરૂર હતી. ત્યારે 19મી ઓવરમાં માત્ર 4 રન આપીને રનચેઝમાંથી તેમના માટે મેચ જીતવી અલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કરી નાખી. 20મી ઓવરમાં કિવીના અનુભવી ટ્રેન્ટ બોલ્ટે સરળતાથી 15 રન ડિફેન્ડ કરી બતાવ્યા. તેને 15 રનની બ્રિધિંગ સ્પેસ મળી તેમાં મુખ્ય ફાળો ગુજરાતી બોલર્સનો રહ્યો.

મેચ ગુમાવ્યા પછી નાઈટ રાઈડર્સના માલિક અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માફી માગી હતી. શાહરૂખે લખ્યું કે, નિરાશાજનક પ્રદર્શન બદલ તમામ ફેન્સની માફી માગું છું. જ્યારે કેપ્ટન ઓઇન મોર્ગને કહ્યું કે છેલ્લી 10 ઓવરમાં અમે બોલ્ડ બેટિંગ નહોતી કરી અને તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે ’કોલકાતા હૈ તૈયારવાળું’ સ્લોગન ધરાવતી ટીમ મુંબઈ સામે જીતવા ક્યારેય તૈયાર હોતી નથી. આજની મેચ સહિત તેમણે હવે મુંબઈ સામે છેલ્લી 13માંથી 12 મેચ ગુમાવી છે.

મુંબઈએ મેચ જીતી એ પછી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રોહિતની કપ્તાનીનાં ભરપૂર વખાણ થયાં હતાં. ફેન્સે કહ્યું કે ટી-20 કપ્તાનીમાં રોહિત ભગવાન છે. તો કોઈએ કહ્યું કે કપ્તાની કરવી એક આર્ટ છે, તો રોહિત તેનો પિકાસો છે.

‘આઇપીએલમાં બધું શક્ય છે’ ઉક્તિ ચરિતાર્થ થઈ !!!

જે રીતે વિશ્વના બે સૌથી સારા ફિનિશરો દિનેશ કાર્તિક અને શાકિબ ક્રિઝ પર ઉભા હતા તેમજ બેસ્ટ ફિનિશરો પૈકી એક આન્દ્રે રસલ પણ હજુ નોટ આઉટ હતો. તેવા સમયે કોલકતાની ટીમને 30 બોલમાં 31 રનનો ટારગેટ ચેઝ કરવાનો હતો. પરંતુ, આ તમામ બેટ્સમેનો વામણા સાબિત થયા હતા. મુંબઈના બોલરોએ 5 ઓવરમાં ફક્ત 20 રન આપીને કોલકાતા પાસેથી મેચ ઝુંટવી લીધો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં પણ પોતાની ટીમની ભારે આલોચના શરૂ થઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.