ભારે ધુમ્મસના કારણે મુંબઇ રાજકોટ ફ્લાઇટ બે કલાક મોડી

રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટ સવારે ૭ વાગ્યે લેન્ડ ન થઈ શકી બાદમાં ૯:૨૦ વાગ્યે ફ્લાઈટ લેન્ડ થઈ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વહેલી સવારે ઝાકળવર્ષા વિઝિબિલિટી માત્ર ૫૦ મીટર: વાહનચાલકોને પરેશાની

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સવારે અનેક સ્થળોએ વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. રાજકોટમાં પણ એ જ સ્થિતિને પગલે મુંબઇથીઆવેલી ફ્લાઇટ લેન્ડ થઈ શકી ન હતી અને તે અમદાવાદ મોકલાઈ હતી. અમદાવાદથી બે કલાક બાદ લગભગ ૯:૨૦ આસપાસ આ ફ્લાઇટ રાજકોટ આવી હતી. વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષાથી વાહનચાલકોને પરેશાની થઈ હતી અને સવારે ૬:૩૦ વાગ્યે વિઝિબિલિટી માત્ર ૫૦ ટકા રહેવા પામી હતી. રાજકોટમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. જૂનાગઢમાં હળવું ધુમ્મસ રહ્યું હતું. જેને લઇ મુંબઇથી રાજકોટ આવતી સ્પાઇસ જેટ ફ્લાઇટ આજે સવારે બરાબર સવારે ૭:૦૦ વાગ્યા તેના રાબેતા મુજબના સમય પ્રમાણે રાજકોટ આવી પહોંચી હતી, પણ રાજકોટના આકાશમાં ગાઢ ધુમ્મસ હોવાથી લેન્ડ થઈ શકી નહોતી. લગભગ ૧૫ થી ૨૦ મિનીટ સુધી આ ફ્લાઈટે હવામાં ઘુમરા માર્યા હતા પરંતુ ધુમમ્સ ઓછી ન થતા આ ફ્લાઇટ અમદાવાદ મોકલવી પડી હતી. હવામાં ભેજનું પ્રમાણ ઓછું થયા બાદ તે ફરી બે કલાક બાદ એટલે કે ૯:૧૫ આસપાસ રાજકોટ આવી હતી અને સવારે ૯:૨૦  વાગ્યા આસપાસ રાજકોટના રનવે પર લેન્ડ થઈ હતી. વિમાનમાં બેસેલા ૧૪૦ મુસાફરો પરેશાન થયા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ બાદ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે તેના કારણે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહશે.હજુ બે દિવસ સુધી વહેલી સવારે ધુમ્મસ છવાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયા પછી ધુમ્મસ હટી જશે અને પારો બે-ત્રણ ડિગ્રી જેટલો નીચે જશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે રવિવારથી ઠંડીનો પારો ગગડશે

ભારત પાકિસ્તાન સરહદે સક્રીય થનાર વેસ્ટર્ન ડીસ્ટર્બનસની અસર તળે આગામી બે દિવસ બાદ ફરી ગાત્રો થિજાવતી ઠંડી પડશે. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૫.૧ નોંધાયું હતું અને હવામાં ભેજનું પ્રમાણ ૯૬ ટકા રહેવા પામ્યું હતું. વેસ્ટર્ન ડીસ્ટર્બનસને કારણે સૌરાષ્ટ્રમાં ધુમમ્સ ભર્યું વાતાવરણ રહેશે.અને આગામી બે દિવસ બાદ લઘુતમ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી સુધી ગગડશે જો કે ૨૬મી જાન્યુઆરી બાદ પારો ફરી ઉંચો જશે અને ઠંડીનું પ્રમાણ ઘટશે. આમ હવે ધીમે ધીમે ઠંડી ક્રમશ: રીતે

ઘટતી રહેશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.

Loading...