Abtak Media Google News

3000 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો પકડાયાની ચકચારી ઘટના બાદ અદાણી ગ્રુપ સામે આક્ષેપોનો મારો થતા અદાણી ગ્રુપે લીધો નિર્ણય

ગુજરાતના મુખ્ય બંદરેથી હવે ત્રણ નજીકના દેશો સાથેની માલ-સામાનની લેતી દેતી બંધ થતાં અનેક વ્યાપારને અસર થવાની ભીતિ

અબતક, રાજકોટ : ગુજરાતના જ નહીં દેશના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયો હોવાની ઘટનાથી દેશભરમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનાને લઈને મુંદ્રા પોર્ટનું સંચાલન કરતા અદાણી ગ્રુપ ઉપર પણ આક્ષેપોનો મારો થયો હતો. જેને પગલે અદાણી ગ્રુપે હવે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાનના કાર્ગો હેન્ડલ ન કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતના મુદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા દેશના સૌથી મોટા 15000 કરોડથી પણ વધુ કિંમતના 3000 કિલો હેરોઈન પકડાવાના કેસે દેશભરમાં ચકચાર મચાવી છે. સૂત્રો મુજબ આ કેસમાં ડીઆરઆઈએ અમદાવાદની એક કંપની ઉફરાંત માંડવી, ગાંધીધામ અને હૈદ્રાબાદ સ્થિત કેટલાક કંપનીઓમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે. બીજી બાજુ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી  પણ આ કેસની તપાસમાં અનૌપચારિક રીતે જોડાઈ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હેરોઈનનો જથ્થો હાલમાં તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનથી ઈરાનના બંદર અબ્બાસ પર પહોંચ્યો હતો અને ત્યાંથી આ જથ્થો ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર શીપ મારફતે ટેલ્કમ પાવડર સાથે ભેળવીને પહોંચાડવામાં આવ્યો સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જૂન 2021માં પણ લગભગ 24 ટન જેટલો આ પ્રકારનો જથ્થો મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યો હતો અને ત્યાંથી રાજસ્થાનની એક ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા આ જથ્થો દિલ્હી લઈ જવાયો હતો. જો કે, તે અંગે હજી તપાસ ચાલી રહી છે. ડીઆરઆઈના સૂત્રો મુજબ આ કેસમાં હાલ કસ્ટમ વિભાગ પણ જોડાયું છે અને હાલ અનેક સ્થળોએ તપાસ ચાલી રહી છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ડીઆરઆઈએ મુન્દ્રા પોર્ટ પરથી ઈરાનના બંદર અબ્બાસથી આવેલા એક શીપમાંથી બે કન્ટેનર ઝડપી પાડ્યા હતા જેમાં ટેલ્કમ પાવડરની સાથે 3000 કિલો હેરોઈન મળી આવ્યું હ તું. જેની ઈન્ટરનેશન માર્કેટમાં 15000 કરોડથી પણ વધુની કિંમત છે. સૂત્રો મુજબ DRIને ચાર મહિના પહેલાથી બાતમી મળી હતી કે ડ્રગ્સનો મોટો જથ્થો ઈરાનની શીપમાં આવવાની સંભાવના છે. હાલ સમગ્ર મામલે તપાસનો દોર ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાને લઈને કોંગ્રેસે અદાણી ગ્રુપ અને સરકાર ઉપર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. જો કે, અદાણી ગ્રુપ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ કન્ટેનર્સ મુન્દ્રા પોર્ટના મુન્દ્રા ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ ખાતે આવ્યા હતા. કાયદામાં ભારત સરકારના સત્તામંડળો જેમ કે કસ્ટમ અને DRIને ગેરકાયદેસર સામાનને ખોલવા, ચકાસવા અને તેને જપ્ત કરવાની સત્તા આપે છે. જેથી અમારી પાસે કન્ટેનર્સની ચકાસણીની સત્તા નથી. તેઓની સ્પષ્ટતા બાદ પણ આંગળી ઉઠવાનું ચાલુ રહેતા અંતે અદાણી ગ્રુપે આજે બપોરના સમયે જાહેર કર્યું છે કે હવે તેઓ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાનના કાર્ગોને હેન્ડલ નહિ કરે. જો કે હવે આ દેશોમાંથી માલ સમાનની હેરફેર કેમ થશે તે અંગે પણ મૂંઝવણ ઉભી થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.