Abtak Media Google News

સમગ્ર દેશ આજે કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યો છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે શ્રેણીબદ્ધ પગલાંઓ લેવામાં આવી રહયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ કામગીરીઓ વચ્ચે એક અનોખી પહેલ શરુ કરવામાં આવેલ છે, જેમાં શહેરમાં શાકભાજીના ધંધાર્થીઓ અને ગ્રાહકો પરસ્પર કોરોનાના વાહક ન બને તેની તકેદારીના ભાગરૂપે પૈસાની લેવડ-દેવડ કરવા માટે બે ડબ્બા (ગલ્લા) રાખવાની સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, નિષ્ણાતોના કહેવા અનુસાર કોરોના સંક્રમિત વ્યક્તિ જે ચીજ વસ્તુને સ્પર્શ કરે તે ચીજ વસ્તુ સાથે સંપર્કમાં આવવાથી અન્ય લોકોને પણ આ વાયરસ બીમાર પાડી શકે તેવી શક્યતા નકારી શકાય નહી. આ બાબતને નજર સમક્ષ રાખી શાકભાજીના ધંધાર્થીઓ અને ગ્રાહકોના સ્વાસ્થ્યના હિતમાં વોર્ડ નં.૭માં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં શાકભાજીના ધંધાર્થીઓ દ્વારા પૈસાની લેવડદેવડ માટે એક નહી પરંતુ બબ્બે ડબ્બા સાથે રાખે છે. જે પૈકી એક ડબ્બો પૈસા લેવા માટે અને બીજો ડબ્બો પૈસા પાછા આપવા માટે અલગ રખાયો છે.

આ નવી વ્યવસ્થા વિશે વાત કરતા મ્યુનિ. કમિશનરે એમ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૭માં જાગનાથ વિસ્તારમાં હાલના તબક્કે, શાકભાજી વેંચતા સાતથી આઠ જેટલા ધંધાર્થીઓને પોતાની રેંકડીમાં પૈસાની લેવડદેવડ માટે બે જુદાજુદા ડબ્બાનો ઉપયોગ શરૂ કરવા સમજાવવામાં આવ્યા હતાં અને તેઓએ આ નવી સિસ્ટમ અમલમાં પણ મુકી દીધી છે. ગ્રાહકોએ શાકભાજી ખરીદી કર્યા બાદ જાતે જ તેના નાણાં એક ડબ્બામાં નાંખી દેવાના હોય છે. ગ્રાહકો પાસેથી આવતા આ પૈસાને શાકભાજીના ધંધાર્થી ૨૪ કલાક સુધી હાથ પણ નથી અડાડતા. નિષ્ણાંતોના મત અનુસાર ૨૪ કલાકમાં વાયરસ ખતમ થઇ જતો હોય છે એટલે ધંધાર્થી ૨૪ કલાક બાદ તેનો ઉપયોગ કરે તે ઇચ્છનીય છે. ગ્રાહકોએ વધઘટના નાણાં પાછા લેવા માટે ત્યાં બીજા ડબ્બામાં રહેલા પૈસામાંથી પોતાનો હિસાબ સરભર કરવાનો રહે છે.

મ્યુનિ. કમિશનરના માર્ગદર્શન અનુસાર વોર્ડ નં.૭ના વોર્ડ ઓફિસર આરતીબેન નિમ્બાર્ક અને તેમની ટીમ દ્વારા જાગનાથ વિસ્તારમાં ફરતા શાકભાજીના ધંધાર્થીઓને રૂબરૂ મળીને આ નવી વ્યવસ્થા કરવા અને તેના ફાયદા વિશે સમજાવવામાં આવ્યા હતાં. કોરોના સામે લડવા માટે લોકોએ રાખવાની થતી તકેદારીમાં એક આ કાળજી પણ લેવી જોઈએ એ બાબતથી તેમને માહિતગાર કરવામાં આવ્યા બાદ તેઓએ આ સિસ્ટમ જાગનાથ વિસ્તારમાં અમલી બનાવી છે. આ વ્યવસ્થાને વધુને વધુ ધંધાર્થીઓ અને લોકો અનુસરે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ પ્રયાસો હાથ ધર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.