Abtak Media Google News

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લાના કલેક્ટર તરીકે જ્યારે નાયબ મ્યુનિ. કમિશનર બી.જી. પ્રજાપતિની આણંદના ડી.ડી.ઓ. તરીકે બદલી થઇ છે. આ બંને સનદી અધિકારીઓને આજે પદાધિકારીઓ દ્વારા ફેરવેલ આપવામાં આવી હતી. આ વેળાએ ઉદિત અગ્રવાલ ભાવુક બની ગયા હતા અને જીવનમાં જો ફરી તક મળે તો રાજકોટમાં કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

આ તકે મેયરએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન રાજકોટનો સાર્વત્રિક વિકાસ થાય તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિકાસ કરવામાં ખુબ ફાળો રહ્યો છે. શહેરની સુખારીમાં ખુબ સહયોગ અર્બન ફોરેસ્ટ તથા બ્રિજના કામ પણ ચાલુ કર્યા છે. કોવિડના કાર્યકાળમાં ખુબ જ મોડી રાત સુધી સતત જાગૃત રહ્યા છે. ટેસ્ટીંગ, વેક્સીન, ધન્વંતરી, આરોગ્ય રથની ખુબ જ સારી કામગીરી કરેલ છે.  કોર્પોરેટરની રજૂઆતને પારિવારિક રીતે ઉકેલી છે. ખુશી છે કે, કલેકટર તરીકે બદલી થઇ પરંતુ રાજકોટના એક સારા અધિકારીની બદલી થઇ છે. પ્રજાપતિએ સફળ અધિકારી તરીકે પ્રશ્નો સાંભળી યોગ્ય નિરાકરણ કર્યું છે.

મ્યુનિસપિલ કમિશનરએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાને જુના તથા નવા કોર્પોરેટરો ખુબ મહેનતુ મળ્યા છે. આજથી પોણા બે વર્ષથી ગોધરાથી આવેલ બે કલેકટરશીપ પછી બહુ ઈચ્છા હતી કે અર્બન ડેવલોપમેન્ટમાં કામ કરવું. આ માટે અમદાવાદ કે સુરતના ડે.કમિશનર બન્યો તો પણ ખુબ આનંદ થાત, તેના બદલે સીધા મુખ્યમંત્રીના શહેર રાજકોટ ખાતે  મ્યુનિસિપલ કમિશનર બનાવ્યા તેનો ખુબ આનંદ થાત. ટૂંકાગાળામાં ખુબ વધુ કામ કરવાનું થયું. અનેક યાદો મળી છે. ફોટા જોતા જણાયું કે પોણા બે વર્ષમાં ઘણી યાદો ઉભી થઇ છે.

અર્બન ડેવલોપમેન્ટનું કામ કલેકટરના કામ કરતા ઘણું જ અલગ પ્રકારનું છે. રૂરલના કામમાંથી સીધું અર્બનમાં કામ કરવાનું થયું અને તેમાં કામ કરી શક્યો છુ તેનો આનંદ છે. સૌપ્રથમ રામ, સીતા, લક્ષ્મણ આવાસ યોજના લોકાર્પણ કરી, દૂધસાગર બ્રિજનું કામ થયું, સ્માર્ટ સિટીમાં ઘણું કામ કર્યું, સ્માર્ટ બસોના કામો મહદ અંશે પૂરા કર્યા, પાણીના પ્રશ્નો ઉકેલવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કર્યા, 26 જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ખુબ જ સારી ઉજવણી કરી, ફ્લાવર શો કરી, એક યાદગાર કાર્યક્રમ યોજ્યો. માધાપર ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લોકાર્પણ, વોર્ડ નં.4માં કોમ્યુનીટી હોલ, વોર્ડ નં.10માં કોમ્યુનીટી હોલ, અટલ સરોવર, વધુ આનંદ તો એ છે કે આમ્રપાલી રેલ્વે અન્ડરબ્રીજનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ બંને મારા જ સમયગાળામાં થયા. 4 નવા ઓવરબ્રિજ તથા રામવનનું કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. કામોની યાદી અંતહીન છે. ખુબ સારી પબ્લિક અડ્રેસ સિસ્ટમ પણ વિકસાવી. 1 વર્ષ 9 માસ અને 20 દિવસના સમયગાળામાંથી અંદાજે એક વર્ષ કોવીડમાં કામ કરવાનું થયું.

પદાધિકારીઓ, કોર્પોરેટરો તથા અધિકારી અને કર્મચારીના સહયોગથી કોરોનાનને નાથવા ખુબ સારી કામગીરી થઇ શકી છે. રાજકોટના વિકાસકામોમાં મુખ્યમંત્રી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજનું પણ સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. ટ્રાન્સફર થતા, રાજકોટ છોડી જતા દુ:ખ થાય પરંતુ, ફરી તક મળશે તો જરૂર રાજકોટ માટે કામ કરવાની ઈચ્છા છે.

આ પ્રસંગે ડે.કમિશનર પ્રજાપતિએ જણાવેલ કે, શહેરી વિકાસમાંથી ગ્રામ વિકાસમાં જઈ રહ્યો છુ. રાજકોટ ખાતે પધાધિકારીઓ તથા કમિશનરના સતત માર્ગદર્શન હેઠળ સારું કામ કરવાની તક મળી. 7-8 હજાર કર્મચારીઓ ધરાવતા સ્વત્રંત તંત્રમાં કામ કરવાની તક મળી. સતત એક્ટીવ રહેવાનું થયું. પરતું તેનો અનુભવ મારી હવેની કારકિર્દીમાં ખુબ ઉપયોગી રહેશે. રાજકોટના કાર્યકાળ દરમિયાન મહાનગરપાલિકાનો, તમામ પદાધિકારીઓનો તથા તમામ કોર્પોરેટરઓનો ખુબ સારો સહયોગ મળ્યો.

મેયર ડો.પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા કોર્પોરેટરઓ દ્વારા કમિશનર ઉદિત અગ્રવાલની તથા ડે.કમિશનર બી.જી.પ્રજાપતિને પુષ્પગુચ્છ આપી વિદાય શુભેચ્છા આપવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.