વોર્ડ નં.4માં મ્યુનિ.કમિશનરની ફેરણી: ગંદકી ફેલાવતી બાંધકામ સાઇટને દંડ ફટકારવા આદેશ

 

ટેક્સ વસુલાત, કોવિડ વેક્સીનેશન જાહેર સ્વચ્છતા, ડ્રેનેજ, વોંકળા સફાઇની સમીક્ષા કરતા અમિત અરોરા

અબતક, રાજકોટ

શહેરીજનોને ગુણવત્તા સેવાઓ આપી શકાય તે માટે રોજબરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દરરોજ એક એક વોર્ડમાં જઈને કામગીરીની સમીક્ષા કરે છે. આ અનુસંધાને કમિશનરએ આજે વોર્ડ નં.4માં વોર્ડ ઓફિસે રૂબરૂ જઈ ત્યાં બેસીને સંબંધિત તમામ અધિકારીઓ પાસેથી સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

વોર્ડમાં કુલ વિસ્તાર, વસ્તી, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્યિક એરિયા, ટેક્સ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેક્સીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી વગેરે મુદ્દાઓની સમીક્ષા કરી હતી.

વોર્ડ નં. 4 ફેરણી દરમ્યાન જય જવાન જય કિશાન સોસાયટીમાં પીવાના પાણીમાં ગંદુ પાણી ભળતું હોવાની ફરિયાદનો તત્કાલ નિકાલ કરવામાં આવ્યો હતો. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આ ફરિયાદ નિકાલની કામગીરીનિ સમીક્ષા કરી હતી. સાથોસાથ આ સોસાયટી પાસે મોબાઈલ વાન દ્વારા કોવીડ વેક્સીનની જે કામગીરી થઇ રહી હતી તેની સમીક્ષા પણ કરી હતી.

આ વોર્ડમાં ડી-માર્ટ વાળા રોડ પર રાજ હાઈટ્સ સામે ચાલુ બાંધકામની એક સાઈટને કારણે જાહેર માર્ગ પર ગંદકી થતી હોઈ, મ્યુનિ. કમિશનરએ તુર્ત જ દંડની કાર્યવાહી કરવા ટીપી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સૂચના આપી હતી. આ ઉપરાંત કમિશનરએ વોર્ડમાં હાલ ચાલી રહેલી કોવીડ વેક્સીનેશન, ટેક્સ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરીની સમીક્ષા કરી હતી. આગામી મહિનાઓમાં વોર્ડમાં બાકી મિલકત વેરાની વસુલાત અંગે ચર્ચા કરી હતી.

આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડો. સાગઠીયા, આરોગ્ય અધિકારી ડો. લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, આસી. કમિશનર વાસંતીબેન પ્રજાપતિ, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, આસી. ટાઉન પ્લાનિંગ વી.વી.પટેલ અને વોર્ડ નં. 2ના વોર્ડ ઓફિસર હેમાદ્રીબા ઝાલા હાજર રહ્યા હતા.

 

લોકો મને રજુઆત કરે, સમસ્યાઓનું નિવારણ થશે જ: અમિત અરોરા

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ દરરોજ 1 વોર્ડમાં વિવિધ સોસાયટીમાં લોકોને રૂબરૂ મળીને તેઓની સમસ્યાઓ સાંભળી સ્થળ પર જ તાત્કાલિક નિવારણ થઈ શકે તે પ્રકારનો નિર્ણય કર્યો છે.કમિશ્નર અમિત અરોરાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ મેં વોર્ડ નંબર 4 ની મુલાકાત લીધી હતી .ભગવતીપરા વિસ્તારમાં લોકોની સમસ્યાઓ સાંભળી અને જે તે અધિકારીઓને તાત્કાલિક સમસ્યાઓનું નિવારણ કરવા આદેશ કર્યો છે.આવતીકાલે વોર્ડ નંબર 5 ની મુલાકાતે જઈશ.દરરોજ એક વોર્ડમાં રૂબરૂ મુલાકાત કરવાનો નિર્ણય કર્યો છે જેથી વધુ ને વધુ લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરી અધિકારીને સૂચના આપી તેઓની સમસ્યાઓનું સમાધાન કરી શકું.લોકો મને સીધી જ રજુઆત કરી શકે છે અને હું અને મારી ટિમ ચોકસ તમામ પ્રશ્નો નું નિરાકરણ લાવીશું.