- વોર્ડ નં.3માં ટીપી સ્કિમ નં.38/1 (માધાપર)માં 18 મીટરનો ટીપી રોડ ખુલ્લો કરાવવા કોર્પોરેશનની ટીમ ત્રાટકી
શહેરના વોર્ડ નં.3માં ટીપીનો 18 મીટરનો ખુલ્લો કરાવવા માટે આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 12 મકાનો સહિત 20 બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ચુસ્ત વિજીલન્સ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાના આદેશ બાદ આજે સેન્ટ્રલ ઝોન કચેરીના એડિશ્નલ સિટી એન્જીનીંયર એ.એ. રાવલના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ શાખાનો કાફલો ચુસ્ત વિજીલન્સ બંદોબસ્ત ઉપરાંત બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા અને સોલીડ વેસ્ટ ઉપરાંત રોશની શાખાના સ્ટાફ સાથે શહેરના વોર્ડ નં.3માં ડિમોલીશનની કામગીરી માટે ત્રાટક્યો હતો. જેમાં માધાપર વિસ્તારમાં તાલુકા શાળા રોડ પર ટીપી સ્કિમ નં.38/1 માધાપરમાં 18 મીટરના ટીપી રોડ પર ગેરકાયદે ખડકાયેલા 6 રહેણાંક મકાન, બે કોમર્શિયલ હેતુના બાંધકામ અને એક કમ્પાઉન્ડ વોલનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીપી શાખાનો કાફલો આજ વિસ્તારમાં ધ સ્પેસ એપાર્ટમેન્ટની પાછળ આવેલા 18 મીટરના ટીપી રોડને ખુલ્લો કરાવવા માટે ત્રાટક્યો હતો. અહિં 6 અન અધિકૃત્ત રહેણાંક મકાન, ચાર ઔદ્યોગીક શેડ અને કમ્પાઉન્ડ વોલ સહિત કુલ 11 બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. માધાપર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં ટીપીના રોડ પર ખડકાયેલા 12 મકાન સહિત 20 બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.
કોર્પોરેશનને ટીપી સ્કિમ દરમિયાન પ્રાપ્ત થયેલા અલગ-અલગ હેતુના પ્લોટ પર દબાણો ખડકાઇ જાય છે ત્યાં સુધી ટીપી શાખાનો સ્ટાફ અંધારામાં આળોટતો રહે છે. દબાણો ખડકાયા બાદ ડિમોલીશન કરવા માટે ત્રાટકે છે. અગ્નિકાંડની ઘટના બાદ પણ શહેરમાં ગેરકાયદે ખડકાતા બાંધકામોનું દૂષણ અટકવાનું નામ લેતું નથી. નોટિસો ફટકાર્યા બાદ કોર્પોરેશન દ્વારા દિવસો સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોય દબાણકર્તાઓને લીલા લહેર થઇ જાય છે.