Abtak Media Google News

યુવાન પર પાંચ શખ્સો કુહાડી વડે તૂટી પડ્યા: ત્રણ કેબીન, ટ્રક અને હુમલાખોરોના ઘરના દરવાજા પર આગ ચાંપી દેતા તંગદિલી

નખત્રાણાના કોટડા જડોદર ગામે ગઈ કાલે બે જૂથ વચ્ચે અથડામણ થતા ગામમાં તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો. જેમાં પટેલ પરિવારના લગ્ન પ્રસંગમાં પુર ઝડપે બાઇક પર નીકળતા શખ્સોને ધીમે ચલાવાનું કહેતા યુવાન પર પાંચ મુસ્લિમ શખ્સોએ કુહાડી વડે ખૂની હુમલો કર્યો હતો. જેના વળતા પ્રહારમાં હુમલાખોરના ઘર પાસે તોડફોડ અને તેમના ઘરના દરવાજા પર આંગ ચાંપી દેતા હિન્દૂ-મુસ્લિમ જૂથ આમને-સમને આવી ગયા હતા. પરંતુ કોઈ મોટો બનાવ બને તે પહેલાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કોટડા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન વાહનોનો ટ્રાફિક વધુ હતો ત્યારે એક મુસ્લિમ યુવાન બાઇક સ્પીડમાં ચલાવતો હોવાથી ગામના ભરત કાંતિલાલ નાયાણી નામના યુવાને તેને બાઇક ધીમી ચલાવવાનું કહેતા મામલો બીચક્યો હતો. જેમાં સાલે જાફર, આરીફ સાલે, અશરફ સાલે, ભપણ જુસ્સા અને આસિફ સાલેએ ભરતભાઇ પર કુહાડીથી હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડતા તેમનેે પ્રથમ સારવાર નખત્રાણા ખાતેની દેવાશીષ હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યો હતો. હુમલાના બનાવથી કોટડા ગામના લોકો ભારે ઉશ્કેરાયા હતા. આખું ગામ મુખ્ય માર્ગ પર એકઠું થઇ ગયું હતું.

હુમલા બાદ ઉશ્કેરાયેલા લોકોએ વધુ તંગદિલી સર્જી હતી અને રોષીત લોકોએ ત્રણ કેબીન, એક ટ્રક તેમજ આરોપી શખ્સના મકાનના દરવાજાને આગ લગાડી પથ્થર મારો ચાલુ કરી દીધો હતો. ભારે તંગદીલી ભર્યા વાતાવરણથી પોલીસે તકેદારી પુરતો ભુજ-લખપત હાઇવે બન્ને સાઇડથી બંધ કરી દેતા વાહનોની કોટડાથી મથલ સુધીની લાઇન લાગી ગઇ હતી. પરિસ્થિતિને થાળે પાડવા ઉચ્ચ પોલીસ અધિકારી કર્મચારીનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. હુમલાને પગલે બે જુથ વચ્ચે સર્જાયેલી તંગદિલી અને ભારે અગ્નિ જેવી સ્થિતિ ઉભી થતાં વધુ કોઇ અનિચ્છનીય બનાવ ઉભો ન થાય તે માટે મોટી રાત્રે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંહ સ્થળ પર ધસી ગયા હતા.

ત્યારે બંને જૂથ વચ્ચે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ બેઠક બોલાઈ હતી. જેમાં બંને પક્ષે વાટાઘાટ બાદ માહોલ ઠંડો પડ્યો હતો અને બંને જૂથ વચ્ચે પોલીસે સમાધાનના પ્રયાસો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.