- પ્રેમ પ્રકરણમાં પાડોશમાં રહેતા કાનજી વાજાએ ઘરમાં ઘુસી પતાવી દીધાનું પ્રાથમિક તારણ
- ચાર માસ પૂર્વે જ અમદાવાદથી બદલી પામી રાજકોટ આવેલા 53 વર્ષીય ચૌલબેન મૂળ દસકોઈ તાલુકાના વતની
- ગત રાત્રે અગિયાર વાગ્યાં આસપાસ મૃતકના ઘરમાંથી અવાજ આવતા પાડોશીઓ દોડી ગયા
- સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી
રાજકોટનાં યુનિવર્સિટી રોડ પર ઋષિકેશ સોસાયટીમાં ભાડે રહેતા મુળ અમદાવાદના વતની અને કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતાં 53 વર્ષિય ચૌલાબેન પટેલ પર ઘરમાં ઘુસી તેના પાડોશી વિકૃત શખ્સે હુ*મલો કરતાં આ હુ*મલામાં ઘવાયેલ નર્સનું મો*ત થતાં બનાવ હ*ત્યામાં પલટાયો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે હ*ત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. નર્સે સ્વ બચાવમાં કરેલા હુમલામાં વિકૃત શખ્સ પણ ઘાયલ થયો હતો. યુનિવર્સિટી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા શખ્સને સકંજામાં લઈ પુછપરછ હાથ ધરી છે.
સમગ્ર મામલાની પ્રાપ્ત વિગત અનુસાર મૂળ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના કુહા ગામના વતની 53 વર્ષીય ચૌલાબેન પટેલ ચાર માસ પૂર્વે જ અમદાવાદ કેન્સર હોસ્પિટલમાંથી બદલી પામી રાજકોટ સરકારી કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ પર હાજર થયાં હતા. તેમજ તેઓ યુનિવર્સિટી રોડ નજીક આવેલ ઋષિકેશ સોસાયટી શેરી નંબર-2 માં ભાડાના મકાનમાં રહેતા હતા. ગત રાત્રે આશરે 11 વાગ્યા આસપાસ ઋષિકેશ સોસાયટી શેરી નંબર-2માં રહેતા ચૌલાબેન પટેલના ઘર નીચે રહેતા નીલમબેન અને તેમના પતિને ચૌલાબેનના ઘરમાંથી અવાજ આવતા તેઓ ઉપરના માળે દોડી ગયા હતા. જ્યાં ચૌલાબેન પટેલ લોહી લુહાણ હાલતમાં નીચે પડેલા મળ્યા હતા. જેથી પાડોશીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેથી 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ ચૌલાબેનને કોઈપણ જાતની સારવાર મળે તે પૂર્વે જ તેમણે દમ તોડી દેતા બનાવ હ*ત્યામાં પલટાયો હતો.
દરમિયાન પાડોશમાં રહેતો 34 વર્ષિય કાનજી વાજા ઘરમાંથી તમામની નજર ચુકવી નાસી છૂટવા બહાર નીકળતો હતો, ત્યારે પાડોશીઓએ તેને પકડી ત્યાં જ બેસાડી દઈ યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાનજી વાજાને અટકાયતમાં લઈ મૃ*તદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પોલીસે આરોપી કાનજી વાજાની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તે પોતે કોડીનારનો વતની હોવાનું અને ઋષિકેશ સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી રહેતો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વધુમાં આરોપી પરિણીત છે અને મૃતક અપરિણીત હોવાનું તેમજ એક ભાઈ અને એક બહેનમાં પોતે નાની હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રેમ પ્રકરણમાં કાનજી વાજાએ ચૌલાબેનને પતાવી દીધી હતી.
પાડોશીઓ ઘરમાં પહોંચતા ચૌલાબેન લોહી લુહાણ હાલતમાં પાણીની ગુહાર લગાવતા’તા
ચૌલાબેનના ઘરમાંથી અવાજ આવતા નીચે રહેતા નિલમબેન અને તેના પતિ ચૌલાબેનના ઘરે દોડી ગયા હતા. જ્યાં જઈને જોતા ચૌલાબેન લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા અને તેઓ પાણી…પાણી…ની ગુહાર લગાવી રહ્યા હતા. જેથી પાડોશીઓએ તાત્કાલિક 108 એમ્બયુલન્સને જાણ કરી હતી પણ સારવાર મળે તે પૂર્વે જ ચૌલાબેને દમ તોડી દીધો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.