દારૂની બાતમી મુદ્દે ચોટીલાના પાંચવડા ગામે યુવાકની હત્યા

ચોટીલા પાસે આવેલા પાંચવડા ગામે દારૂની બાતમી આપ્યાની શંકાએ એક યુવાનની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાંચ માસ પહેલા જ પાંચવડામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેનો ખાર રાખી પિતરાઈ ભાઈએ જ પોતાના પિતરાઈ ભાઈની છરીના ઘા મારી ઢીમ ઢાળી દેતા પોલીસે બે આરોપીની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાંચવડાના પ્રોહિબિશનના ગુનેગાર જેસાભાઇ અરજણભાઇ મેટાળિયાનો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ખેરાણા વાડી વિસ્તારમાંથી પોલીસે માર્ચમાં પકડી લીધો હતો. આ દરોડા અંગેની બાતમી તેના પિતરાઇ ભાઇ છનાભાઇ ગોબરભાઇ મેટાળિયાએ આપી હોવાની જેસાભાઇને શંકા હતી. જેના પગલે જેસા મેટાળીયા દારૂના કેસમાંથી છૂટ્યા બાદ છનાભાઇ સાથે બોલાચાલી થતા બંને વચ્ચે તકરાર ચાલતી હતી. આ દરમિયાન બપોરના સમયે ગામ નજીક આવેલા હનુમાનજીની જગ્યા ખાતે બોલચાલી થઇ હતી.

ત્યાર બાદ થોડા સમય બાદ ભાવેશ તેના કાકાને બાઇક પર નિકળ્યા હતા. જેઓને થોડે દૂર ઉતારેલા તેની આગળ જ આરોપી જેસાભાઇ અને તેનો ભાઇ જયંતીએ છનાભાઇ પર છરી વડે હુમલો કરતા બચાવ બચાવની બૂમ પાડતા ભાવેશની સામે જ આરોપીએ બીજો છરીના ઘા મારી ત્યાં વિનુભાઇ આવતા બન્ને આરોપીઓ તેને મારવા દોડે અને બૂમાબૂમ થતા ભાગી ગયા હતા.

હુમલામાં ઘવાયેલા છનાભાઈને લોહિયાળ હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

બનાવની જાણ થતાં પીઆઇ એન.એસ.ચૌહાણ ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. મૃતકના ભત્રીજા અને બનાવને નજરે જોનાર ભાવેશ વીનુભાઇની ફરિયાદને આધારે બે શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.