જૂનાગઢના મહિલા હેડ કોન્સ્ટેબલના માતા-પિતાની સેદરડા ગામે હત્યા

મોડીરાતે અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે વૃધ્ધ દંપત્તીને ઓસીકાથી દબાવી ગુંગળાવી મોતને ઘાટ ઉતાર્યા

વંથલી તાલુકાના સેદરડા ગામે વાડીમાં રહેતા વૃધ્ધ દંપત્તીને ગત મોડીરાતે અજાણ્યા શખ્સોએ ઓસીકાથી દબાવી ગુંગળાવીને મોતને ઘાટ ઉતાર્યાનું પોલીસમાં નોંધાયું છે. જૂનાગઢ મહિલા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલના વૃધ્ધ માતા-પિતાની હત્યા લૂંટના ઇરાદે થયાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સેદરડા ગામે વાડીમાં રહેતા રાજાભાઇ દેવજનભાઇ જીલરીયા નામના 65 વર્ષના વૃધ્ધ અને તેમના પત્ની જાલુબેન જીલરીયાના મૃતદેહ પડયા હોવાની દુધ લેવા ગયેલી કાજલબેન પોતાના પતિ અને આજુબાજુના રહીશોને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

રાજાભાઇ જીલરીયાના બે પુત્રો પૈકી એક પુત્ર સુરત અને બીજો પુત્રી સેદરડા નજીક આવેલા ટિનમસ ગામે રહે છે. બે પુત્રી પૈકી એકના લગ્ન થઇ ગયા છે અને નાની પુત્રી કુવરબેન જીલરીયા જૂનાગઢ મહિલા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.વૃધ્ધ માતા-પિતાની હત્યાની જાણ થતા પુત્રી કુવરબેન અને પુત્ર ટિનમસ ગામે રહેતા અશ્ર્વિનભાઇ સેદરડા દોડી આવ્યા હતા.

રાજાભાઇ જીલરીયા અને તેમના પત્ની જાલુબેન ગત મોડીરાતે પોતાની વાડીએ આવેલા મકાને એકલા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઓસીકુ દાબી ગુંગળાવી હત્યા કરી રોકડ અને સોનાના ઘરેણાની લૂંટ ચલાવ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.રાજાભાઇ જીલરીયા અને જાલુબેન જીલરીયાની હત્યા કરી લૂંટ ચલાવી ભાગી છુટેલા શખ્સોની ભાળ મેળવવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.