Abtak Media Google News

સતત સંગીતના સેવનથી ૮૦ વર્ષિય સ્ટેજ કલાકારની સ્મૃતિ પરત આવી

સ્ટેજ કલાકાર તુલસીભાઈ સોનીએ અજમેર સહિત અનેક સ્થળોએ ૬૦ વર્ષ સુધી મહમદ રફીના ગીતો ગાઈ લોકોને  મનોરંજન પુરૂ પાડતા

વાત છે અજમેરના મહોમદ રફી તરીકે જાણીતા તુલસીદાસ સોનીની… ૮૦ વર્ષના તુલસીદાસ ૬૦ વર્ષ સુધી અજમેર સહીત અનેક સ્થળોએ સ્ટેજ પર રફીના ગીત ગાઈ લોકોને મનોરંજન પૂરું પાડતા. હાલ રાજકોટ રહેતા તુલસીદાસને કોરોનાની ગંભીર અસર થઈ, ફેફસા ૫૦ ટકા ડેમેજ થઈ ગયેલા. આ દરમ્યાન એક દિવસ તેઓ બેભાન થઈ ગયેલા. તેઓ જયારે ભાનમાં આવ્યા ત્યારે તેઓની સ્મૃતિ જતી રહી હતી. પરિવારજનોને પણ ઓળખી શકતા નહીં. આ સંજોગોમાં તેમની સ્મૃતિ પરત લાવવા તેમની પુત્રી ભાનુબેન જોગિયાએ તેમના ગીત પ્રત્યેના લગાવનો ઉપયોગ કર્યો. તેઓને યુ-ટ્યુબમાંથી રફીનું ગીત સંભળાવી પૂછતાં કે આ ગીત યાદ છે, અને તેઓ એ ગીત ઓળખી બતાવે, માત્ર એટલુંજ નહીં ગીત ગાઈ પણ સંભળાવે. બસ પછી તો તેમના પરિવારજનોને સમજાઈ ગયું કે તેમને સંગીતના માધ્યમથી સાજા કરી શકાય તેમ છે.

મ્યુઝિક થેરપીના ચમત્કાર આપણે જોયા સાંભળ્યા છે, તો આ થેરાપી પપ્પાને પણ કારગત નીવડશે તે અભિગમ સાથે તેમાં પુત્રી ભાવનાબેને રોજ રફીના ગીત સંભળાવે અને ગીત તેમની પાસે ગવડાવે. ધીરે ધીરે તેમના પપ્પા તુલસીદાસ પરિવારજનોને ઓળખતા થયા. હાલ તેમની તમામ સ્મૃતિ પાછી આવી ગયાનું ભાવનાબેન જણાવે છે.

તુલસીદાસની સ્મૃતિ મ્યુઝિકના કારણે પાછી આવી તેવું તેમના પરિવારજનો માને છે. જેનું એક અન્ય ઉદાહરણ આપતા ભાવનાબેન કહે છે કે, મારો પુત્ર ધ્રુવ જયારે ત્રણ વર્ષનો હતો ત્યારે મગજમાં તાવ ચડી જવાના કારણે તેમના પુત્રની બોલવાની શક્તિ જતી રહેલી. ત્યારે તેમના દાદા તુલસીદાસે મ્યુઝિક થેરાપી આપી હતી.

ત્રણ વર્ષ સુધીની મહેનત બાદ ધ્રુવ બોલતા અને ગાતા શીખી ગયેલો તેમ ભાવનાબેન જણાવે છે. પરિવારના મોટાભાગના સભ્યો મ્યુઝિક સાથેનો નાતો ધરાવે છે. ભાવનાબેન સૂફી સંગીત પર પી.એચ.ડી. કરી રહ્યા છે. તેમના મોટા બહેન ક્રિષ્ના રાણીંગા પોરબંદર ખાતે શુરભી કલાવૃંદ સંગીતની સંસ્થા ચલાવે છે. રાજકોટના સમરસ કોવીડ કેર ખાતે પણ મ્યુઝિક થેરાપી દર્દીઓને આપવામાં આવે છે. દર્દીઓને પસંદગીનાં ગીત-સંગીત થકી તેમની સારવારમાં ઝડપી સુધારો આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.