Abtak Media Google News

 

યુરોપીયન પ્રદેશનું મ્યુટ સ્વાન જામનગરમાં જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ:

રાજ્યભરના અને રાજ્ય બહારના વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઢીંચડા ઉમટી પડ્યા

અબતક, જામનગર

વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાતા જામનગરના બેડી બંદર નજીક ઢીંચડાના તળાવમાં વસંતોત્સવ સમયે જ યુરોપ ખંડના હંસની પ્રજાતિઓમાનું મ્યૂટ સ્વાન આ વર્ષે મહેમાન બન્યું છે. પક્ષી પ્રેમીઓ તેની વિવિધ મુદ્રાઓને કચકડામાં કેદ કરવા માટે આકર્ષાયા છે. હંસની આ પ્રજાતિ હિન્દુ શાસ્ત્રમાં દેવી સરસ્વતીનું વાહન છે. ફોટોગ્રાફરે કેદ કરેલા દરેક ફોટોગ્રાફ ખુબજ આકર્ષક અને સુંદર છે. માત્ર જામનગરના જ નહીં પરંતુ જામનગર બહાર અને અન્ય રાજ્યના વાઈલ્ડલાઈફ ફોટો ગ્રાફર આ મ્યુટ સ્વાન ની ઝલક કેમેરામાં કેદ કરવા જામનગરના મહેમાન  બન્યા હતા. આમ મ્યૂટ  સ્વાનની દરેક અદા  ભવ્ય છે. સૌથી મોટો હંસ મ્યુટ સ્વાન શાકાહારી હોય છે.

7 થી 9 ફૂટ પાંખોનો ઘેરાવો ધરાવતું આ પક્ષી તેની વળાંકવાળી નાજુક નમણી ડોકથી કમનીય દેખાય છે, અને અન્ય પક્ષીઓ કરતાં રોયલ દેખાય છે.તેનુ વજન આશરે 14 કિલોગ્રામ જેટલું હોય છે. આ પક્ષી ભારતમાં સો વર્ષ પછી દેખાયું છે. આ પૂર્વે આ પક્ષી 1872 માં જોવા મળ્યું હતું જેની માત્ર નોંધ છે પણ કોઈ ફોટોગ્રાફી કે વિડીયો નથી અને ત્યારે આ પક્ષી જે વિસ્તારમાં જોવા મળ્યું હતું તે હાલ પાકિસ્તાન માં આવેલો વિસ્તાર છે એટલે ચોક્કસ થી કહી શકાય કે ભારત માં આ પક્ષી પ્રથમ વખત જોવા મળ્યું છે, જાણે ખરી વસંતનું આગમન થયું હોય એમ આ મ્યુટમાં જામનગરનું મહેમાન બન્યું છે.આ હંસ ખૂબ ઓછો અવાજ કરે છે તેથી મ્યૂટ સ્વાન કહેવાય છે. ઢીંચડા અને જામનગર ની શોભા બનેલું આ મ્યુટ સ્વાન નાના બાળકો ચિત્રકામ માં તેને કેનવાસ ઉપર દોરતા હોય છે ત્યારે સાક્ષાત આ સ્વાન ને જોવા નો અદભુત લ્હાવો લેવા જેવો ખરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.