“મારો પતિ મને અને મારા બાળકને ઢોરમાર મારી રહ્યો છે”, ઝડપથી અમને બચાવો અને પછી અભયમ ટીમે…

જય વિરાણી, કેશોદ: માળીયા (હાટીના) તાલુકાના એક ગામમાંથી કોઈ મહિલાએ 181 મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી જણાવ્યું હતું કે, ‘મારા પતિ અમારી સાથે ઝઘડો કરી ને ઢોરમાર માર્યો છે.’ ફોન પર આ મહિલાની વાત સાંભળી કેશોદ 181 ટીમના કાઉન્સેલર ડાયબેન માવદીયા તેમની ટીમ સાથે તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી મહિલાની સમસ્યા અંગે જાણકારી મેળવી અને મહિલાના પતિનુ કાઉન્સિલીંગ કરીને કાયદાકીય માહિતી આપી સમજાવ્યા હતા.

પરંતુ મહિલાના પતિ સમજવા માટે તૈયાર ન હતો. આ સાથે તે મહિલાના પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો. તેથી 181ના કાઉન્સેલર દ્વારા માળીયા પોલીસની મદદ માંગતા માળીયા પોલીસના બિટ જમાદાર સાહેબ આવી સમજાવતા મહિલાનો પતિ ઉગ્ર બન્યો હતો. ઉગ્ર બન્યાની સાથે પ્રાણઘાતક હથિયાર લઈને મહિલાના પરિવાર પર, 181 ટીમ પર અને, પોલીસ જમાદાર સાહેબ ઉપર હુમલો કર્યો હતો.

મહિલાના પતિના ઉગ્ર હુમલાથી 181 ટીમે પોતાના જીવના જોખમે મહિલા અને તેના બાળકોને મોતના મુખમાંથી સહીસલામત બચાવ કર્યો હતો. આ સાથે માળીયા પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.