Abtak Media Google News

બાપુનું જીવન  પારદર્શક અને પથદર્શક હતું, જાત મહેનત અને સત્ય કે અહિંસાના તેના વિચારોને આજની પેઢી અમલમાં મૂકે તો ઘણી મુશ્કેલીનો અંત આવી શકે છે, માનવ મૂલ્યોની દ્રષ્ટિએ મહાત્મા ગાંધીને અનુસરવું જરૂરી….

ભારતના રાષ્ટ્રપિતા મહોનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે. તેમનો જન્મ પર ર ઓકટોબરે થયો હોવાથી આ દિવસે દેશ ગાંધી જયંતિ તરીકે ઉજવે છે, બીજું આ દિવસને ‘વિશ્ર્વ અહિંસા દિવસ’ તરીકે પણ વિશ્ર્વ ઉજવે છે. ભારત સિવાય વિશ્ર્વના અનેક દેશો આજે તેમનાં જનસેવાના કાર્યો, અહિંસક ચળવણ માટે યાદ કરે છે. મહાત્મા ગાંધીજીને વૈશ્ર્વિક સ્તરે આદર- સન્માન વ્યકત કરવા ઉજવણી આજે થઇ રહી છે. પ્રવર્તમાન કોરોના મહામારીમાં શાળા-કોલેજ બંધ હોવાથી ગાંધી જયંતિની ઉજવણી આ વર્ષે ઓનલાઇન થઇ રહી છે. મહાત્માએ વિશ્ર્વને અહિંસા અને શાંતિનો સંદેશ આપ્યો છે.

આજે ભારત ૧૫૧મી ગાંધી જયંતિની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ‘મારૂ જીવન  જ મારો સંદેશ’ જેવી પ્રેરક વાતો જીવનમાં વિવિધ ગુણો થકી મહાન બન્યા, આપણા સૌરાષ્ટ્રના પોરબંદર માં જન્મ થયોને રાજકોટમાં પ્રાથમીક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ મેળવીને બેરીસ્ટર થયા આજની ર૧મી સદીમાં ગાંધીનો અર્થ સાથે દેશના યુવા ધને તેમના અછૂત પ્રત્યેના કાર્યો, માનવતાનો સંદેશ, દાંડી માર્ચ, શિક્ષણમાં બુનિયાદી શિક્ષણ સાથે તેમની સાધારણ જીવનશૈલી સાથે ઉચ્ચ વિચારોને અનુસરવું જ પડશે.

સંયુકત રાષ્ટ્રે ૧૫ જુન ૨૦૦૭ના દિવસે જાહેરાત કરી કે દર વર્ષે ર ઓકટોબરે ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ની ઉજવણી કરવામાં આવે તેમના ૧૧ મહાવ્રતો દેશનાં દરેક નાગરકે સમજવાની જરૂર છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અપરિગ્રહ, સ્વાવલંબન, અસ્પૃશ્યતા, અભય, સ્વદેશી,સ્વાર્થ ત્યાગ સાથે સર્વધર્મ સમભાવનો સંદેશ સમગ્ર વિશ્ર્વને આપ્યો છે. “વૈષ્ણવ જન તો એને રે કહિએ જે પીડ પરાઇ જાણે તેમનું પ્રિય ભજન હતું સવાર-સાંજ પ્રાર્થના સભા અને પોતાનું દરેક કામ જાતે કરવાનો તેમનો આગ્રહ હતો.

૧૧ મહાવ્રતોની સમજ જોઇએ તો હમેંશા વાણી-વર્તન સાચુ રાખવું, કોઇને શારીરિક, માનસિક કે ભાવનાત્મક ઇજા ન કરવી, સામે જીવનમાં કોઇપણ પ્રકારની ચોરી ન કરવું અને જરૂરિયાત હોય તેટલું જ વસ્તુનું મહત્વ સાથે સંગ્રહનો વિરોધ કર્યો હતો. બ્રહ્મચર્યની વાત સમજાવતા મહાત્માએ મર્યાદાઓ, સિઘ્ધાંતો પાળીને માનસિક બ્રહ્મચર્ય પાળવાની વાત કરી છે. સ્વાવલંબનના દરેક માણસે પોતાના બધા કામે જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું જોઇએ તેમ જણાવીને સમાજમાં જ્ઞાતિ-જાતીના, માણસ-માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહી. માણસે હમેશા નીડર રહેવા અને બનવા પર ભાર મુકયો છે. સૌથી અગત્યની સ્વદેશીની વાતમાં દેશમાં બનતી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવાની વાત કરી છે. કોઇપણ કાર્ય પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવા, સ્વાર્થ છોડીને જીવન જીવવું, સાથે જગતના બધા જ ધર્મોને સમાન ગણીને બધા જ ધર્મ ને સન્માન આપવાની વાત કરી છે.

આજે ગાંધી જયંતિ એટલે મહાત્માના જીવન કાર્યો અને જીવન સંદેશને યાદ કરીને એમાંથી પ્રેરણા લેવાનો દિવસ છે. ગાંધીજીએ કહેલું કે  ‘મારૂ જીવન એ જ મારો સંદેશ છે’ તેઓ એક વિશ્વ માનવ હતા. વિશ્વ પ્રસિઘ્ધ નાટયકાર બર્નાડ શો એ ગાંધીજી વિશે કહ્યું કે “આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્ર્વાસ કરશે કે કયારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા, નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા જેવી ઘણી વિવિધતાઓ લઇને કોઇ નોખા માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે વિશ્વ વિચારક ટોફલરે પણ કહ્યું કે ર૧મી સદી ટેકનોલોજીની દ્રષ્ટિએ સેટેલાઇટનો ઉપયોગ કરતી હશે અને માનવ મુલ્યોની દ્રષ્ટિએ મહાત્મા ગાંધીને અનુસરતી હશે.

મહાત્મા ગાંધીજી એક સાચા વૈષ્ણવ હતા. તેમને ગમતા ભજનમાં જનનાં લક્ષણોની વાત તેમણે જીવનમાં ઉતારી. તેમના નિડર અને કાબેલ નેતૃત્વ માં ભારતમાં વિદેશી હકુમત પાસેથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ આજના દરેક યુવાનોએ વાંચવી જોઇએ, મહાત્માએ ભારતમાં કરેલ દાંડી યાત્રા પૂર્વે પણ ઇંગ્લેન્ડમાં કાયદાના અભ્યાસ દરમિયાન રોજ ૮ થી ૧૦ કિ.મી. ચાલીને કોલેજ જતાં આજ કારણે  તેમના જીવનમાં પદયાત્રાનું મહત્વ વઘ્યું હશુે ગાંધીજીને ૧૯૪૮માં નોબેલ પુરસ્કાર આપવા માટે પસંદ કરાયા હતા. પણ આ પહેલા જ તેમની હત્યા થઇ ગઇ હતી. તેમણે તેમની આત્મકથા ગુજરાતીમાં લખી હતીને તેમને “મહાત્માની ઉપાધિ ગુરૂદેવ રવિન્દ્રનાથ ટેગોરે આપી હતી.

અહિંસક અવિનય કાનુન ભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, અને તેનો ઉપયોગ તેમણે બ્રિટીશ રાજયની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્રતા અપાવી, આ જોઇને ઘણાં પ્રદેશો એ પણ આઝાદી ચળવળ ઉપાડી હતી. દક્ષિણ આફ્રિકામાં નાગરીકોના અધિકારો માટેની ચળવળ, ભારતીય સ્વતંત્રતા સંગ્રામ, કલકતા, અધિવેશન બાદ તીવ્ર ચળવળનો પાયો બાદમાં ભારતના ભાગલામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી.

આજે વિશ્ર્વમાં સત્ય અને અહિંસાના પ્રેરણા સ્ત્રોત મહાત્મા ગાંધીજી અને ‘જય કિશાન’નો નારા આપનાર શાસ્ત્રીજી જેવી બંને વિભૂતિઓની એક જ દિવસે જન્મ જયંતિ છે. ગાંધીજીએ સત્ય અને અહિંસાના બળ ઉ૫ર જ અંગ્રેજોની ગુલામીથી ભારતને સ્વતંત્રતા અપાવી હતી, તેથી જ તેને રાષ્ટ્રપિતાનો દરજજો મળ્યો છે. ગાંધીજીના વિચારોમાં માનવ-જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શતા વિચારો રજુ કર્યા, દેશમાં લોક-કલ્યાણ અને ગરીબી કે બેકારી દૂર કરવા અંગેની તેમની વિભાવનાને આજે અમલવારીની જરૂરીયાત છે. ધર્મ અને બિન સાંપ્રદાયિકતાના તેમના વિચારો સાથે વિશ્ર્વશાંતિ અને વૈશ્ર્વિક ભાઇચારા અંગે બાપુના શ્રેષ્ઠ વિચારો હતા. જાત મહેનત અને સત્ય કે અહિંસાના બાપુના વિચારોને આજની પેઢી અમલમાં મુકે તો ઘણી મુશ્કેલીનો અંત આવી શકે, આજના યુવા વર્ગે મહાત્માને સમજવા જરુરી છે, કારણ કે બાપુનું જીવન પારદર્શક અને પથદર્શક હતું. યુવાનો જો તેમની આત્મકથા “સત્યના પ્રયોગો એકવાર વાંચે તો પણ જીવન જીવવાની પઘ્ધતિમાં ફેરફાર આવી જાય. દુનિયામાં નેલ્સન મંડેલા હોય કે બારક ઓબામા સમય અને સ્થળના ભેદ સિવાય અનેક મહાનુભાવોએ ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઇને પોતાનું જીવન ઉન્નત બનાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.