Abtak Media Google News

સ્ટોન આર્ટીજન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ ધ્રાંગધ્રાના ટ્રેનીંગ કોચ રાજકોટની મુલાકાતે

બેકારીના મેણાને મારો ગોલી 14 થી રર વર્ષના મહેનતુ અને સર્જનાત્મક  શકિત ધરાવતા યુવાનોને શિલ્પ કાર બનાવતાં કોર્ષ ધ્રાંગધ્રામાં ચાલે છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશ્નર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી-ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)-ધ્રાંગધ્રા દ્વારા પથ્થરકળા/શિલ્પ ઉદ્યોગ ક્ષેત્રે શિલ્પકાર તરીકે કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવતા યુવાનો પાસેથી 6 મહિનાના બિગીનર પ્રમાણપત્ર કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ અંગે રસ ધરાવતા યુવાનોને જાણકારી આપવા માટે ઇન્સ્ટીટયુટના પ્લેસમેન્ટ એન્ડ પાર્ટનરશીપ ડેવલપમેન્ટ ઓફિસર અશરફ નાથવાનીએ રાજકોટની મુલાકાત લીધી હતી.

જેમાં જણાવાયું હતું કે, 14 થી 28 વર્ષની વય ધરાવતા અને ઓછામાં ઓછુ ધોરણ 8 પાસ હોય તેવા કોઈ પણ યુવાનો આ તાલીમમાં જોડાઈ શકે છે. હાલ શરુ થયેલ બિગીનર પ્રમાણપત્ર કોર્સ બાદ તબક્કાવાર માધ્યમિક સર્ટીફીકેટ કોર્સ, એડવાન્સ સર્ટીફીકેટ કોર્સ અને ડીપ્લોમા કોર્સ શરુ કરાશે. ઇન્સ્ટીટયુટને અદ્યતન અને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે વિવિધ જરૂરી માળખાકીય સુવિધાઓ જેમકે, તાલીમાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ, ફેકલ્ટી ક્વાર્ટર, કેન્ટીન, ક્લાસરૂમ, પ્રેક્ટીકલ ટ્રેનીંગ રૂમ, શૌચાલય, જેવી અદ્યતન માળખાકીય સગવડો ઊભી કરવામાં આવેલ છે તેમજ હયાત ઈમારતોનું જરૂરી નવીનીકરણ કરવામાં આવેલ છે.

સાપ્તી-ધ્રાંગધ્રા ખાતે મુખ્યત્વે સેન્ડસ્ટોન ઉપરાંત ગ્રેનાઈટ તથા અન્ય સ્થાનિક પથ્થરોને કંડારવાની કારીગરી અંગે તાલીમ આપીને આ ભવ્ય વારસાને આગળ ધપાવવાનું કાર્ય થઇ રહ્યું છે. પથ્થરકળા અને ડીઝાઇન ક્ષેત્રના નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા સાપ્તી ખાતે સ્વાવલંબી અને સર્જનાત્મક પથ્થર કળા/શિલ્પ કળા સર્જક બનવા માટેની શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે. સાપ્તી ખાતે તાલીમાર્થીઓને થીયરી ઉપરાંત ડ્રોઈંગ, સ્કેચિંગ, ડીઝાઈનીંગ, કલે મોડલિંગ તથા પથ્થરને કંડારવાની કળાનું પ્રાથમિકથી લઈને ઉચ્ચસ્તરીય જ્ઞાન મળશે. અહી તાલીમાર્થીઓ હાથથી તેમજ લેથ અને અન્ય મશીનો દ્વારા શિલ્પ કળાની કૃતિઓ તૈયાર કરવામાં મહારત પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત, તાલીમાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે જીવન ઉપયોગી કૌશલ્યો-કમ્યુનીકેશન સ્કીલ, અંગ્રેજી, કોમ્પ્યુટર, વગેરે શીખવવામાં આવે છે. કોમ્પ્યુટરમાં ડીઝાઇન બનાવવા માટે ઉપયોગી કોરલ ડ્રો અને ઈજ્ઞિં ઈઅઉ નું પણ પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવશે.

કોર્સ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી, ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનીંગ  અને  સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ  દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે, જે ઉમેદવારોને શિલ્પ ઉદ્યોગમાં નોકરી મેળવવા માટે ઉપયોગી થશે. સંસ્થા તાલીમાર્થીઓને પથ્થરકળા ઉદ્યોગમાં ઇન્ટર્નશીપનો અવસર પૂરો પાડશે તેમજ આ  ક્ષેત્રે નોકરી અપાવવા માટે પ્રશિક્ષિત ઉમેદવારોને મદદ કરશે. આ ઉપરાંત, ઉમેદવારને સ્વાવલંબી ઉદ્યોગસાહસિક બનવા માટે પણ પ્રોત્સાહિત કરશે.

સાપ્તી ખાતેની તાલીમમાં જોડાવવા માટેની કોઈપણ નોંધણી ફી નથી અને આ સંપૂર્ણ નિ:શુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમ છે. ઉપરાંત, તાલીમાર્થીઓને સાપ્તી કેન્દ્ર ખાતે રહેવા-જમવાની વ્યવસ્થા, તાલીમ માટે જરૂરી સંપૂર્ણ સુરક્ષા કીટ, સ્ટેશનરી-શૈક્ષણિક કીટ, ઔદ્યોગિક મુલાકાતો તથા અન્ય શૈક્ષણિક પ્રવાસ માટે બસની વ્યવસ્થા, વગેરે સહીતની વિવિધ માળખાકીય સુવિધાઓ પણ નિ:શુલ્ક પૂરી આપવામાં આવે છે.

આ માર્ગદર્શન સેમિનાર રાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સાપ્તિ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ડેવલોપમેન્ટ ઓફીસર અશરફભાઈ તેમજ કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ ના યુવા પ્રમુખ દેવરાજ રાઠોડ અને એકલિંગજી સેના ના યુવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું તેમજ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.