Abtak Media Google News

એશિયાની શાન સોરઠના સાવજના જતન-સંવર્ધન-જનજીવનમાં સ્વીકૃતિ અંગેની જાગરૂકતા કેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આહવાન

રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર9 ટકાની વૃદ્ધિ-રાજ્યમાં સિંહ વધીને 674 થયા

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ વિશ્વ સિંહ દિવસની રાજયના વન વિભાગ દ્વારા થયેલી ઉજવણીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતાં એશિયા ખંડની શાન-સોરઠના સાવજના જતન સંવર્ધન, સંરક્ષણ અને જનજીવનમાં સ્વીકૃતિની જાગરૂકતા વ્યાપક બનાવવા પ્રેરક આહવાન કર્યુ હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતનું સદનસીબ અને ગૌરવ છે કે એશિયાટીક લાયનની વિરાસત ગુજરાત ધરાવે છે. સોરઠ-ગીર પ્રદેશના આ સાવજની સાથે સ્થાનિક લોકો સહિત સૌના ભાવાત્મક જોડાણ, સિંહ જતન માટે યોગદાન અને સાર્થક પ્રયાસોને પરિણામે રાજ્યમાં સિંહોની સંખ્યામાં પાછલા વર્ષોમાં ર9 ટકા જેટલો વધારો થયો છે 2015માં પર9 સિંહ હતા તે વધીને હવે 674 થયા છે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આ વૃદ્ધિ સ્પષ્ટ સૂચવે છે કે સૌરાષ્ટ્રમાં માનવ વસ્તી સાથે સિંહોનો ઉછેર, જનજીવનમાં સ્વીકૃતિની વ્યવસ્થા એ માનસિકતા બની ગઇ છે. તેમણે આ માનસિકતાને વ્યાપક ઊજાગર કરવા અને સિંહના જતન, સંવર્ધન, સંરક્ષણમાં બાળકો, યુવાનો સહિત સૌ પ્રેરિત થાય તે માટે આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી યથાર્થ બને તેવી અપેક્ષા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ સિંહની આપણી સંસ્કૃતિમાં જે મહત્તા છે તે વર્ણવતા ઉમેર્યુ કે, આપણે ત્યાં નરસિંહ અવતાર છે અને સિંહને શક્તિ ભક્તિના પ્રતિક તરીકે પૂજનીય સ્વીકૃતિ મળેલી છે. એટલું જ નહિ, ભારતના રાજચિન્હ-એમ્બલમમાં પણ સિંહના મૂખની પ્રતિકૃતિ દર્શાવાયેલી છે.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને સરળતાએ સિંહ જોવા મળે અને ગીર જંગલ સિવાયના વિસ્તારોમાં પણ સિંહ દર્શનની પ્રવાસન પ્રવૃત્તિ વિકસે તે માટે અમરેલીના આંબરડી અને જૂનાગઢના ઇન્દ્રેશ્વર પાસે લાયન સફારી વિકસાવવામાં આવી રહ્યા છે. સિહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં રામપરા, જૂનાગઢના સક્કર બાગ, સાતવીરડા એમ ત્રણ સ્થળોએ જિનપૂલ શરૂ કરવામાં આવ્યા છે. એશિયાઇ સિંહોના સંરક્ષણને પ્રાધાન્ય આપીને પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ પણ કેન્દ્ર સરકાર દ્વારા લાયન પ્રોજેકટની જાહેરાત કરેલી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ લાયન પ્રોજેકટ અન્વયે આગામી વર્ષોમાં રેસ્કયુ સેન્ટર્સ હોસ્પિટલ, લેબોરેટરી, બ્રિડીંગ સેન્ટર, સિંહોની સારવાર સુશ્રુષા માટે સારવાર કેન્દ્રોમાં માળખાકીય સુવિધાઓ, રેડિયો કોલર અને મોર્ડન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગી કરી સિંહ સંરક્ષણ અને સંવર્ધનની કડી મજબૂત બનાવવામાં આવશે. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ એમ પણ ઉમેર્યુ કે, સાસણગીર ખાતે આગામી સમયમાં સ્ટેટ ઓફ ધ આર્ટ હોસ્પિટલ અને ડિસીઝ ડાયસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવાની નેમ છે.

મુખ્યમંત્રીએ વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે વન વિભાગે ઓનલાઇન આયોજિત કરેલી ડ્રોઇંગ અને ફોટોગ્રાફી સ્પર્ધાના વિજેતાઓ જાહેર કર્યા હતા અને સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સિંહની સ્વીકૃતિ અને શાન જાળવવા સૌને પ્રતિબદ્ધ થવા અનુરોધ કરતાં ઉમેર્યુ કે, એશિયાટીક સિંહનું ગૌરવ વિશ્વસ્તરે વ્યાપક ઊજાગર થાય તે માટે વિશ્વ સિંહ દિવસે સંકલ્પબદ્ધ બનીએ.

વન પર્યાવરણ મંત્રી  ગણપતસિંહ વસાવાએ એશિયા અને ગુજરાતના ગૌરવ રૂપ સિંહોને કારણે પ્રવાસન પ્રવૃત્તિ પણ વ્યાપક વિકસી છે અને સ્થાનિક રોજગાર અવસરો ખૂલ્યા છે તેની લાગણી પ્રાસંગિક સંબોધનમાં વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું કે, ર019માં વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં પાંચ હજાર શાળાઓ તથા 11 લાખથી વધુ લોકોને જોડીને ગુજરાતે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી સિંહની સમૃદ્ધિનો ડંકો દુનિયામાં વગાડયો હતો. વન મંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વન્યજીવો પ્રત્યે, તેમના આરોગ્ય જતન પ્રત્યે આગવી સંવેદના દર્શાવી છે. સિંહોમાં ભૂતકાળમાં જોવા મળેલી બિમારી સામે રક્ષણ આપવા મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અમેરિકાથી રસી મંગાવી સિંહોને આપવામાં આવી હતી તેમ તેમણે ઉમેર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.