Abtak Media Google News

દ્વારકા-ડાકોરમાં ભાવિકોની ભીડ જામશે: રાજકોટમાં વિશાળ શોભાયાત્રા નિકળશે આવતીકાલે રાત્રે 12 કલાકે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં થશે કૃષ્ણ જન્મના વધામણા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાલે જન્માષ્ટમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. કોરોના કાળમાં બે વર્ષ બાદ સાતમ-આઠમના પર્વમાં લોકમેળા, મટકી ફોડ, કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા લોકોનો ઉત્સાહ સાતમાં આસમાને આંબી ગયો છે. દ્વારકા અને ડાકોરમાં ભાવિકોનો જમાવડો જોવા મળશે. દ્વારકામાં તો જન્માષ્ટમી મહોત્સવનો આરંભ થઇ ગયો છે. ભાવિકોનો અવિરત પ્રવાહ દ્વારકા ભણી આવી રહ્યો છે.

છેલ્લા બે વર્ષથી કાળમુખા કોરોનાના પ્રકોપના કારણે જન્માષ્ટમી તહેવારની ઉજવણી કરવા માટે છૂટછાટ આપવામાં આવતી ન હતી. દરમિયાન હવે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યું છે અને ડંશ પણ ઓછો થઇ ગયો છે. જેને નજરમાં રાખી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષ જન્માષ્ટમીની ઉજવણીની છૂટછાટ આપવામાં આવી છે. મટકી ફોડ અને નંદોત્સવની ઉજવણી કરી શકાશે. ગામે-ગામ કૃષ્ણ જન્મના વધામણા કરવા માટે લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દ્વારકા અને ડાકોરમાં આવતા ભાવિકોને કોઇ અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ સહિતના શહેરમાં ચોકે-ચોક શણગારવામાં આવ્યા છે. કાલે શુક્રવારે રાત્રે 12ના ટકોરે દ્વારકા-ડાકોર સહિત રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. ભાવિકો કૃષ્ણ ભક્તિમાં લીન થઇ જશે. વાતાવરણ ભક્તિમય બની જશે. ગામે-ગામ મટકી ફોડ સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. હવેલીઓમાં શનિવારે સવારે નંદોત્સવની ઉજવણી કરવામાં આવશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં આવતીકાલે જન્માષ્ટમીની ભવ્યાતીભવ્ય શોભાયાત્રા નિકળશે. તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. નંદલાલાને હોંશભેર વધામણા કરવા ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જન્માષ્ટમીએ મધ્યરાત્રીએ બાલ ગોપાલના પુજનનું મહત્વ

આવતીકાલે ભારતના બધા જ પ્રમુખ કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. વર્ષમાં ચાર મહારાત્રી આવે છે, કાલરાત્રી એટલે કાળી ચૌદશની રાત મહારાત્રી એટલે મહાશિવરાત્રી મોહરાત્રી એટલે જન્માષ્ટમીની રાત્રી દારૂણરાત્રી એટલે હોળીની રાત્રી આ ચાર મહારાત્રી દરમ્યાન કરેલ પુજા પાઠ અનુષ્ઠાન તુરંત ફળદાઇ બને છે. આમ પુરાણ પ્રમાણે પણ જન્માષ્ટમીની રાત્રીનું મહત્વ વધારે રહેલું છે. જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ ભગવાનનું પુજન કરવું.

એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ચોખાની ઢગલી કરી દિવો કરવો તેના ઉપર બાલ ગોપાલ અથવા શ્રીકૃષ્ણ ભગવાનની છબી પધરાવી. આગળ એક પાત્રમાં ભગવાનને રાખી અને જળ પંચામૃત, સાકરવાળા દુધથી અભિષેક કરવો ત્યારબાદ ભગવાનને બાજોઠ ઉપર રાખી વસ્ત્ર મુકુટ પહેરાવી અને ચંદન-ચોખા કરી ફૂલ અર્પણ કરી અબીલ-ગુલાલ ચડાવા ધુપ નૈવેદ્યમાં મીઠાઇ માખણ ધરાવુ અથવા દહિં ધરાવી શકાય, આરતી કરવી પગે લાગવુ, આમ ઘરના સભ્યો ભેગા મળી શ્રીકૃષ્ણ ભગવાનનું પુજન કરવાથી ઘરમાં શાંતિ મળે છે અને સંપ રહે છે.

તે ઉપરાંત જન્માષ્ટમીની રાત્રે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જપ કરવાથી માનસિક શાંતિ મળે છે. 1 અથવા 11 માળા કરવી.શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ તિથિ આઠમ અને રાત્રીના આઠમા પહોરમાં તથા વિષ્ણુ ભગવાનના આઠમા અવતાર તરીકે થયેલો. જે લોકોને જીવનમાં કામ કર્યા છતા પણ યશ ન મળતો હોય જન્માષ્ટમીની રાત્રે શ્રીકૃષ્ણ ભગવાનની છબી સામે દીવો અથવા અગરબતી કરી અને ૐ કલેમ કિષ્ણાય નમહ મંત્રની 11 માળા કરવી લાભ મળશે યશ મળશે. જન્માષ્ટમીના દિવસે એકટાણુ અથવા ઉપવાસ જરૂર રહેવો તેમ શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.