નંદ ઘેર આનંદ ભયો….. નંદ લાલાને વધાવવા સૌરાષ્ટ્ર બન્યું ‘કૃષ્ણમય’

જન્માષ્ટમી પર્વ પૂર્વે કોરોના સંક્રમણ ઘટતા અને પર્યટન સ્થળો, ધાર્મિક સ્થાનો ખુલ્લા રહેતા ઉત્સવપ્રેમીઓ મન ભરીને પાંચ દિવસનો મહોત્સવ ઉજવશે: રાજકોટમાં શોભાયાત્રાને લીલીઝંડી

અબતક, રાજકોટ

નંદ ઘેર આનંદ ભયો…જય કનૈયા લાલ કી… જન્માષ્ટમીના તહેવારોનો પ્રારંભ થઈ ચુકયો છે. લોકો આનંદ-ઉમંગથી કૃષ્ણ કનૈયાનો મહોત્સવ ઉજવવા થનગની રહ્યા છે. આવતીકાલે શીતળા સાતમ તો સોમવારે રંગેચંગે લોકો જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે. જન્માષ્ટમી નિમિતે રાજકોટ શહેરમાં શોભાયાત્રાને મંજૂરી મળી છે. જન્માષ્ટમીની શોભાયાત્રા વાજતે-ગાજતે પરંતુ કોરોનાની ગાઇડલાઇન તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાશે.

છેલ્લા બે વર્ષથી તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય જેથી લોકો એક પણ તહેવાર ઉજવી શકતા ન હતા પરંતુ હવે તહેવારોની મોસમ પણ ચાલુ છે અને કોરોના સંક્રમણ ઘટયું છે, કેસો નહિવત થયા છે જેથી લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. ઉત્સવો ઉજવવા સરકારે પણ થોડી છુટછાટ આપતા લોકોમાં આનંદ બેવડાયો છે. જન્માષ્ટમી પર્વ પૂર્વે સંક્રમણ ઘટતા આ વખતે ઉત્સવપ્રેમીઓ મનભરીને તહેવારોમાં આનંદ લેશે. જોકે આ વર્ષે મેળાઓની મોજ તો લોકો નહીં જ માણી શકે પરંતુ હરવા-ફરવાના પર્યટન સ્થળો, ધાર્મિક સ્થાનો ખુલ્લા રહેતા લોકો પરિવારજનો, મિત્રો, સગા-સ્નેહીઓ સાથે રંગેચંગે પાંચ દિવસનો મહોત્સવ ઉજવશે. સૌરાષ્ટ્રભરના નાના-મોટા શહેરોમાં મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા સંપૂર્ણ તૈયારીઓ થઈ ચુકી છે. શહેરને ધજા, પતાકાથી સુશોભિત કરાયા છે તો મંદિરોમાં પણ દેવી-દેવતાઓને વિવિધ શણગાર થઈ રહ્યા છે. સોમવારે જન્માષ્ટમી સાથે મહાદેવનો પ્રિય વાર સોમવાર હોવાથી લોકોમાં ધર્મોલ્લાસ બેવડાશે. સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ સ્થળો દ્વારકા, સોમનાથ, તુલસીશ્યામ, ઘેલા સોમનાથ સહિતના સ્થળોએ ભાવિકો ફરવા માટે ઉપડશે.