Abtak Media Google News

રાજકોટ, ભાવનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, વેરાવળ, તોરણિયા, પરબધામ, મજેવડી સહિત વિવિધ સ્થળે પુજન-અર્ચન, ધ્વજારોહણ, મહાપ્રસાદ, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો

ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં ધર્મ અને ઉત્સવનું અનેરૂ મહત્વ છે. જુદા-જુદા ઉત્સવને ઉજવવા ધર્મપ્રેમી લોકોમાં ભારે ઉત્સાહ પ્રર્વતે છે ત્યારે આજે હિન્દુ ધર્મમાં મહત્વનો કહી શકાય તેવાં અષાઢી બીજ મહાપર્વની અમદાવાદ, રાજકોટ, કચ્છ, ભાવનગર, પરબધામ, મજેવડી સહિતના જગન્નાથ મંદિર અને રામદેવપીરના સ્થાનિકો સાથે જોડાયેલ ધર્મસ્થાનોમાં જગન્નાથજીના આ ધર્મોત્સવને ઉજવવા ભાવિકોમાં ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે.

અમદાવાદમાં આજે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની દિવ્ય નગરચર્યા લાખો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં શરૂ થઇ છે. સવારે ત્રણેય રથનું પ્રસ્થાન કરાયું હતું. અમદાવાદ સહિતના આસપાસના લાખો ભાવિકો ભગવાન જગન્નાથજીની નિકળેલી નગરચર્યા-રથયાત્રામાં જોડાયાં છે અને ‘જય રણછોડ, માખણ ચોર’ના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યાં છે. સવારે 4:00 વાગ્યે મંગળા આરતી ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. વ્હેલી સવારથી જ મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને રથયાત્રાના રૂટ ઉપર પણ સેના, પોલીસ સહિતનો કાફલો તૈનાત કરાયો છે.

સવારે 4:45 વાગ્યે ખીચડાનો ભોગ ધરાવાયો હતો અને સવારે 4:00 વાગ્યે ભગવાનના આંખના પાટા ખોલાયાં હતા. સવારે 7:00 પહિંદવિધિ કરી રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરવા પ્રસ્થાન કરાઇ હતી. આખો દિવસ આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા તથા ભાઇ બલરામ આ 145મી રથયાત્રામાં નગરચર્યા કરશે. ઠેર-ઠેર આ રથયાત્રાનું ભવ્ય સ્વાગત થઇ રહ્યું છે. ભજન-ભોજન મહાપ્રસાદના કાર્યોમાં લાખો શ્રદ્વાળુઓ ભાવ ભક્તિથી તરબોળ બન્યાં છે.

કચ્છમાં પણ અષાઢી બીજ મહાપર્વની ઉજવણીમાં ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે.

સૌરાષ્ટ્ર ભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને વધાવવા ભાવિકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, ભેંસાણના પરબ-તોરણિયા, જૂનાગઢ, મજેવડી, પોરબંદર, માળીયા હાટીના, ફલ્લા, બાબરા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથો-સાથ રામદેવપીર મહારાજની રથયાત્રામાં ધ્વજા રોહણ, મહાયજ્ઞ, પૂજન, અર્ચન, મહાપ્રસાદ, સંતવાણીના કાર્યક્રમોમાં ભાવિકો ભાવ-ભક્તિથી રસ તરબોળ બન્યાં છે.

જગન્નાથ એટલે કે જગતનો નાથ. જગતના લોકોનું પાલન, પોષણ અને રક્ષણ કરનાર. આ જગન્નાથજીની નગરચર્યા માટે ભાવિકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

દ્વારકાધીશ જગત મંદિરમાં આજે પરંપરાગત શ્રીજીની રથયાત્રા નિકળશે તો રાજકોટમાં પણ જગન્નાથજીની નગરચર્યામાં બે વર્ષના બ્રેક પછી અષાઢી બીજ મહોત્સવ સૌરાષ્ટ્રમાં ગામે-ગામ ખૂબ ધામેધૂમે ઉજવાશે. તમામ જિલ્લામાં 30થી વધુ સ્થળે જગન્નાથજી રથયાત્રા ઉપરાંત અનેક સ્થળે રામદેવપીર મહારાજ, સંત વેલનાથ, દેવતણખી દાદા,  મચ્છુ માતાજી, નાગબાઇ માતા, શાસ્ત્રી ધર્મજીવનદાસજી વિગેરે સંતો-મહંતો ભગવંતોના જન્મોત્સવ સહિતના પ્રસંગે પણ શોભાયાત્રાઓ નિકળશે. ઉપરાંત આ શુભ દિને હવેલી સહિતના ધર્મસ્થાનોથી માંડીને ઘરે-ઘરે ધર્મોત્સવના આયોજનો થયાં છે. રાજકોટમાં પણ સવારે 4 અને બપોરે 2 એમ છ સ્થળોએથી રથયાત્રા નિકળશે.

સવારે કૈલાશધામ નાનામવા ચોકથી, કિશાનપરા ચોકથી કોળી અને ચારણીયા સમાજ દ્વારા, સાંજે 4 વાગ્યે સ્વામી નારાયણ ગુરૂકુળથી અને ઇસ્કોન દ્વારા કોટેચા ચોકથી રથયાત્રાના આયોજનો થયાં છે.

રાજકોટ :

સમગ્ર ગુજરાતમાં અષાઢી બીજની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જય જગન્નાથજીના નાદ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને વધાવવા ભાવિકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સૌરાષ્ટ્રભરમાં રાજકોટ સહિત વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથજીની દિવ્ય રથયાત્રા નિકળી છે. ભગવાન જગન્નાથ, બલરામ, શુભદ્રાજી નગરયાત્રાએ નિકળી સૌ કોઈને દર્શન આપશે. ધાર્મિક જગ્યાઓમાં સંતોના હસ્તે ધ્વજારોહણ, પૂજન અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહયા છે.

ભાવનગર :

ભાવનગરમાં અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન શંકર સુવન શીરાના મહાપ્રસાદનું વિતરણ થશે. શંકર સુવન હનુમાન મંદિર (બારસી મહાદેવની વાડી સામેં) ના મહંત કરાશંકર દાદાના માર્ગદર્શન હેઠળ તમામ સેવક સમુદાયના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શીરાનાં મહાપ્રસાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રામા ધરાવવામા મહેરના જોનાથ ચૌક ખાતે રથયાત્રામાં જનાર ભાવિકજનોને આ પ્રસાદનું વિતરણ થશે.

પરબધામ :

ભેસાણ નજીક આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ તિર્થ ક્ષેત્ર પરબધામ ખાતે તા.1 જુલાઈના અષાઢી બીજ મહોત્સવની ઉજવણી થઇ રહી છે. લોકમેળાનો સ્વયંભૂ પ્રારંભ થઈ ચુક્યો છે. આ વર્ષે દર વખતથી વધુ માનવ મહેરામણ ઉમટી પડ્યો છે.

પરબધામ ખાતે કરશનદાસ બાપુ તા.1ના સવારે 7.30 ક્લાકે ધ્વજારોહણ કરેલ. ત્યારબાદ ઉપસ્થિત ભાવિક ભક્તજનોને હનુમાનજી મંદિર દ્વારા આર્શીવચન પાઠવશે. ત્યારબાદ પૂજન સહિતનાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે. ભોજન પ્રસાદ તૈયાર કરવા માટે હજારો સંખ્યામાં સેવા આપી રહ્યાં છે.

જૂનાગઢ :

જૂનાગઢમાં જગમાલ સમાજનાં રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા 18મી મહાપ્રભુની શોભાયાત્રાનું આયોજન કરાયું છે. રથયાત્રા બપોરે 3 ક્લાકે જગન્નાથજી મંદિર ખાતેથી પ્રસ્થાન થશે. આ પ્રસંગે સાધુ, સંતો, આગેવાનો, શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી રથયાત્રામાં વિવિધ ફ્લોટો, રાસ મંડળીઓ, ધૂન મંડળીઓ, યુવક મંડળો જોડાશે.

બાબરા :

ભાભા શહેરમા વર્ષ 2018 થી સંત વેલનાથજી બાપુના પાટોત્સવ રૂપી ચુવાળીયા સમાજ સહિત દરેક જ્ઞાતિના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત પોલીસ વડા દ્વારા ભાખરા જલારામ મંદિર ખાતે વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં રવિનાથજી ગંગાનાથજી જગ્યા ખાતે આજે બટુક ભોજન સાથે સત્ય નારાયણ પુજા સહિત ધૂન કીર્તનનું ખોડિયાર યુવક મંડળ તથા જુલણ મોરલી ગ્રુપ દ્વારા આયોજન થયું છે.

બેન્ડ પાર્ટી સાથે વાજતે ગાજતે રથયાત્રા નિકળશે. રથયાત્રા જગન્નાથ મંદિરથી નગર ભ્રમણ કરી જગન્નાથ મંદિર સંપન્ન થશે.

મજેવડી :

મજેવડી ખાતે સમસ્ત લુહાર જ્ઞાતિ દ્વારા દેવતણખી બાપા તથા લિરબાઈની જગ્યામાં અષાઢી બીજ મહાપર્વની ઉજવણી થઈ રહી છે. ધાર્મિક કાર્યક્રમો સાથે યોજાયેલ લોકમેળામાં લોકો ભાવ ભક્તિથી તરબોળ બન્યા છે.

બાલાગામ(ઘેડ) :

કેશોદના બાલાગામ ખાતે આવેલ સંત શિરોમણી દાસારામબાપાના મંદિરે અષાઢી બીજ પર્વની ઉમંગ ઉત્સાહથી ઉજવણી કરાઇ રહી છે. આ ધાર્મિક મહોત્સવમાં મંડળો, સેવાભાવી લોકો દ્વારા પ્રસાદ વિતરણ, ઠંડા પીણાના પરબ, શરબત સહિતનું વિતરણ કરાઈ રહ્યું છે

માળીયાહાટીના :

માળીયા હાટીનામાં ઘેડીયા કોળી સમાજ દ્વારા આજે અષાઢી બીજની ઉજવણી કરાઇ હતી. સવારે 8 વાગ્યે જશાપરામાંથી રથયાત્રા નીકળી મુખ્ય માર્ગો ઉપર થઈને બપોરે 12 વાગ્યે સામાકાંઠે રામાપીરના મંદિરે જશે. જ્યાં મુકેશભાઈ વાજા, જીતુભાઈ ડાકી તરફથી તમામ ધર્મપ્રેમી ભાઈઓ, બહેનોને ફરાળ કરાવવામાં આવશે.

પોરબંદર :

પોરબંદર ખાતે ખારવા સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. ગુજરાત ખારવા સમાજનાં પ્રમુખ (વાર્ણાટ) પવનભાઈ શિયાળે જણાવ્યું હતું કે, 1 જુલાઈ શુક્રવારે ખારવા ઇષ્ટદેવતા રામદેવ મહારાજની શોભાયાત્રા સવારે 9 કલાકે પંચાયત મંદિરેથી પ્રયાણ કરી શહિદ ચોક, શીતલા ચીક, માણેક ચોક, કસ્તુરબા ગાંધી રોડ ખાતેથી નીકળશે.

ફલા :

જામનગર તાલુકાના નવા રણુજામાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવશે. ખુશાલ બાપાની ખોડીયાર મંદિર બ્રહ્મલિન જગ્યામાં અષાઢી બીજના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. રાત્રે સંતવાણીમાં દેવલબેન ભરવાડ, મુનાભાઈ નિમાવત, વિપુલ પ્રજાપતિ વગેરે કલાકારો ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.