જૂનાગઢમાં મેડિકલ ઓફીસરની ખોટી ઓળખ આપી નરાધમે મહિલા પર આચર્યુ દુષ્કર્મ

રૂ.10 લાખ પડાવી મહિલાના ભાઇ અને પિતાને મારી નાખવાની ધમકી આપી

અબતક, દર્શન જોશી, જુનાગઢ

કેશોદના એક લફંગા એ જુનાગઢની એક છાત્રાલયની ગૃહ માતાને લગ્ન કરવાની લાલચ આપી, પોતે મેડિકલ ઓફિસર છે, તેવી ખોટી વાતો કરી, પોતાની મોહઝાડમાં ફસાવી, રૂપિયા 10 લાખ પડાવી, પીડિતાના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી, વારંવાર દુષ્કર્મ આચારી  હોવાની જુનાગઢ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ ગુનામાં કાળા કામાં કરનારા શખ્સને ગણતરીની કલાકોમાં જ ઝડપી લઇ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આજથી છ વર્ષ અગાઉ  તા. 19/04/2016 ના કેશોદના અમુતનગર રોડ,અલ્ટ્રા મીડીયમ ઇંગ્લીશ સ્કુલની બાજુમાં રહેતા હર્ષદ રણછોડભાઇ પોતાની દિકરીનુ જુનાગઢના એક સમાજની ક્ધયા છાત્રાલયમા એડમીશન કરાવવા સારૂ આવેલ ત્યારે છાત્રાલયમા ગૃહમાતા તરીકે નોકરી કરતા મહીલા (ઉ.વ.38) સાથે પરીચયમા આવી પોતાને પોતાની પત્ની સાથે છુટાછેડા થઇ ગયેલ છે અને પોતે મીઠાપુર ખાતે સરકારી હોસ્પીટલમા મેડીકલ ઓફીસર તરીકે નોકરી કરે છે. તેવી ખોટી ઓળખાણ આપી અને પોતે ભોગબનારને પસંદ કરે છે.

અને તેની સાથે લગ્ન કરવા માગે છે તેમ કહી યુવતી સાથે પ્રેમ સબંધ કેળવી, લગ્ન કરવાની લાલચ આપી, વિશ્વાસમા લઇ અલગ-અલગ હોટલમા લઇ જઇ, અવાર નવાર દુષ્કર્મ આચરી, અને પોતે નોકરીમા સસ્પેન્ડ થયેલ છે અને પોતાને આર્થીક તંગી છે. તેમ કહી ભોગબનાર યુવતીને વિશ્વાસમા લઇ, તેની પાસેથી અલગ-અલગ સમયે આશરે રૂ. 10 લાખ રોકડા લઇ પરત નહી આપી, તેમજ ભોગબનારના ચારીત્ર ઉપર શંકાઓ કરી, માર મારી માનસીક ત્રાસ આપી તેમજ તેમની સાથે જબરજસ્તી સબંધ રાખવા ભોગ બનનાર યુવતીના ભાઇ તથા પિતાને મારી નાખવાની ધમકી આપી,  અવાર નવાર દુષ્કર્મ આચરી, ભોગબનાર સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી, ધાક ધમકીઓ આપી હોવાની પીડિતા એ જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.