બોટાદ જિલ્લામાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સખત કેદ

ત્રણ વર્ષ પૂર્વેના ચકચારી બનાવમાં બોટાદ સ્પે.પોકસો

કોર્ટનો ચૂકાદો: ભોગગ્રસ્તને પાંચ લાખનું વળતર આપવા હુકમ

અબતક, બોટાદ

બોટાદ જિલ્લામાં ત્રણ વર્ષ અગાઉ છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને બોટાદની સ્પે, પોક્સો કોર્ટે તકસીરવાન ઠેરવીનેે 20 વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.તેમજ ભોગ બનનારને વળતર પેટે પાંચ લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, બોટાદ શહેરમાં ત્રણ વર્ષ અગાઉ ગત તા.29/11/2018ના રોજ બપોરના સમયે એક છ વર્ષની માસુમ બાળકીને અજાણ્યો શખ્સે પતંગની લાલચ આપી,ખુલ્લા પ્લોટીંગના કંમ્પાઉન્ડમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. સભ્ય સમાજમાં ઘૃણાસ્પદ બનેલાં આ બનાવને લઈ ચોતરફથી આરોપીને ઝડપી કડક શિક્ષા કરવા માંગ ઉઠી હતી. જયારે, બનાવ સંદર્ભે ભોગ બનનાર બાળકીના પિતાની ફ્રીયાદ આધારે બોટાદ પોલીસે અજાણ્યા ઈસમ વિરૃદ્વ ઇ.પી.કો.ક-376(એ)(બી) તથા પોક્સો અધિનયમની કલમ-4, 6, 8, 12 મુજબનો ગુન્હો નોંધ્યો હતો. જો કે, આ ચકચારી બનાવમાં આરોપીની કોઇ ઓળખ જાહેર થઈ ન હોવાથી બોટાદ જિલ્લા પોલીસ માટે આરોપીની ઓળખ કરી તેન ઝડપી લેવો એ મોટો પડકાર હતો. બોટાદ જિલ્લા પોલીસે ઘટનાના સાત દિવસ બાદ આ ગુન્હામાં કુલદિપસિંહ ઉર્ફે અરૃણ રાજુભા પરમાર (રહે.બોટાદ)ની ઓળખ કરી ઝડપી લીધો હતો. અને વૈજ્ઞાાનિક તેમજ સાંયોગિક પુરાવાઓનું એકત્રીકરણ, વિવિધ પંચનામા, જરૃરી સાહેદોના નિવેદનો મેળવી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી

આ અંગેનો કેસ આજે બોટાદની એડી.સેશન્સ અને સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં સ્પે.જજ્ વી.બી.રાજપુત સમક્ષ ચાલ્યો હતો.જેમાં કોર્ટે બન્ને પક્ષની વકીલોની દલીલો સાંભળીને આરોપીને 20 વર્ષની સખત કેદ અને રૃ. પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. જયારે, ભોગ બનનારને રૃપિયા પાંચ લાખનું આર્થિક વળતર આપવા પણ હુકમ કર્યો હતો.

બાળકી પર દુષ્કર્મ ગુજારનાર ઈસમ અજાણ્યો હોવાથી બોટાદ પોલીસે બાળા અને બાળ સાહેદોની મદદથી શકમંદ આરોપીનો સ્કેચ તૈયાર કરવા સ્કેચ એક્સપર્ટની મદદ લીધી હતી. તો,જિલ્લાના કુલ-150 પોલીસ અધિકારી અને કર્મચારીઓની કુલ 7 ટીમો બનાવી હતી. ઉપરાંત, સ્કેચનો જુદા-જુદા વાહનો તથા સામાજીક આગેવાનો તથા સંસ્થાઓને આપી બહોળી પ્રસિદ્ધિ કરાવી હતી.એટલું જ નહીં, પોલીસની ટીમ દ્વારા આરોપીના સ્કેચની શંકાસ્પદ ઇસમોના મતદાર યાદીના ફેટાઓ સાથે સરખામણી કરી તપાસ પણ કરી હતી.