Abtak Media Google News
ભાજપની હાર ભાળતા મોદી સભાઓ ઉપર સભા કરતા હતા તેવી વાતોનું ખંડન થયું

ભાજપની હાર ભાળતા મોદી સભાઓ ઉપર સભા કરતા હતા તેવી વાતોનું ખંડન થયું છે. નરેન્દ્રએ ભુપેન્દ્રની જોલી છલકાવી દીધી છે. એટલે હવે મોદી વિક્રમ સર્જાવા ગુજરાત ધમરોળતા હતા તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.એકલા વડાપ્રધાને 30 રેલીઓ દ્વારા ગુજરાતની 134 વિધાનસભા બેઠકોને આવરી લીધી હતી. તે જ સમયે, ગૃહ પ્રધાન અમિત શાહ, જેમને ભાજપના ચાણક્ય કહેવામાં આવે છે, તેમણે 23 રેલીઓ દ્વારા 108 વિધાનસભા ક્ષેત્રોને આવરી લીધા.

પીએમ મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ આશરે 30 જેટલી જનસભા સંબોધી. જે પૈકી પહેલા તબક્કાની કુલ 15 સભા અને પીએમ મોદીએ આશરે 60 જેટલી બેઠકને આવરી લીધી. પીએમ મોદીએ પહેલા તબક્કાના મતદાન માટે સૌથી વધુ સભા સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં 10 જેટલી જનસભા કરી છે. જ્યારે પાંચ જેટલી સભા દક્ષિણ ગુજરાત ઝોનમાં કરી હતી. પીએમ મોદીની સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જનસભા થઈ છે. કેમ કે, સૌરાષ્ટ્રમાં ભાજપનો જૂથવાદ, આમ આદમી પાર્ટીની સક્રિયતાએ ભાજપની ઊંઘ ઉડાવી છે. તો દક્ષિણ ગુજરાતમાં આદિવાસી અને પાટીદાર મતદરોમાં ભારોભાર નારાજગી ભાજપને કોરી ખાઈ રહી હતી. ભાજપનો ગઢ ગણાતા સુરતમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા અને પાટીદાર મતદારોમાં નારાજગીને ભાજપ પારખી ગયુ.

જે કામ કેન્દ્રીય અને સ્થાનિક નેતાઓથી ન થયું તે કામ કરવા માટે ખૂદ પીએમ મોદીને વિશાળ રોડ શો અને જનસભા કરવા માટે મેદાનમાં ઉતરવું પડ્યુ. પીએમ મોદીએ પાટીદારોના ગઢ ગણાતા મોટા વરાછામાં જનસભા સંબોધી અને સુરત જિલ્લાની તમામ બેઠકને અંકે કરવા ચૂંટણી પ્રચાર કર્યો હતો.પીએમ મોદીએ બીજા તબક્કાની કુલ 93 બેઠક માટે કુલ 15 જનસભા કરી. જે પૈકી મધ્ય ગુજરાતમાં 9 અને ઉત્તર ગુજરાતમાં 6 જનસભા સંબોધી. પીએમ મોદીએ સૌથી વધારે ફોક્સ મધ્ય ગુજરાતમાં રાખ્યુ. 2017ની ચૂંટણીમાં મધ્ય ગુજરાતની કુલ 61 બેઠક પૈકી 37 બેઠક ભાજપને જ્યારે કોંગ્રેસને 22 બેઠક મળી હતી. તો કોંગ્રેસના ગઢ ગણાતા ઉત્તર ગુજરાતમાં ભાજપને કુલ 32 બેઠકમાંથી 14 બેઠક મળી અને કોંગ્રેસને 18 બેઠક મળી હતી. મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લાની સૌથી વધુ 21 બેઠક છે.

આ તમામ બેઠક પર ભાજપનું પ્રભુત્વ છે. પરંતુ શહેરી મતદારોનો મિજાજ અને મતદારોની નાડ પારખનાર ભાજપને સૌથી વધારે ચૂંટણી પ્રચાર અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં કરવો પડ્યો. પીએમ મોદીએ અમદાવાદમાં બે રોડ શો કર્યા. જે આશરે 75 કિલોમીટર જેટલા લાંબા રહ્યા. ભાજપને ડર હતો કે, શહેરી મતદારોનો મૂડ બદલાયો છે. અને કમીટેડ વોડ બેંક જો અન્ય પક્ષ તરફ વળે તો મુશ્કેલી સર્જાઈ શકે છે. તો બીજી તરફ ગુજરાત ભાજપની પ્રયોગ શાળા અને ગઢ હોય તો પીએમ મોદીને ચૂંટણી પ્રચારની કમાન કેમ હાથમાં લેવી પડી તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. જેમાં એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે ભાજપ હાર ભાળી ગયું છે એટલે ખુદ વડાપ્રધાન મોદી સભાઓ ઉપર સભાઓ કરી રહ્યા છે. જો કે હાલ પરિણામનો જે ટ્રેન્ડ આવી રહ્યો છે તે દર્શાવે છે કે આ વાત ખોટી છે. નરેન્દ્ર મોદી વિક્રમ સર્જવા માટે ગુજરાતમાં સભાઓ ઉપર સભાઓ કરતા હતા. તેઓએ ભુપેન્દ્ર પટેલની જોલી ભરવા માટે આ મહેનત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.