Abtak Media Google News

રાજકારણમાં સક્રિય નહી થવાનો નિર્ણય જાહેર કરશે કે ક્યા પક્ષમાં જોડાવવુ તેનો ફોડ પાડશે? તમામની મીટ

સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ મહિનાઓ પહેલા રાજકારણમાં જોડાવવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.

નરેશભાઇએ રાજકારણમાં સક્રિય થવું જોઇએ અને ક્યાં પક્ષ જોડાવવું જોઇએ તે અંગેનો સર્વ હાલ ખોડલધામ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા ગામેગામ કરવામાં આવી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણેય મુખ્ય રાજકીય પક્ષ દ્વારા નરેશભાઇ માટે લાલ જાજમ બિછાવવામાં આવી છે.

રાજકારણમાં સક્રિય થવા અંગે તેઓ પણ તારીખ પે તારીખ પાડી રહ્યા છે. દરમિયાન આજે સાંજે રાજકોટના મીડિયા કર્મીઓ સાથે નરેશભાઇ પટેલ દ્વારા ગેટ ટુ ગેધરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ કોઇ મોટી અને મહત્વની જાહેરાત કરે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. તેઓ રાજકારણમાં નહીં જોડાવવાની જાહેરાત કરશે કે ક્યાં પક્ષમાં જોડાઇ રહ્યા છે તેની ઘોષણા કરશે તેના પર તમામની મીટ મંડાયેલી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓમાં આવન-જાવનની મૌસમ ચાલી રહી છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા નરેશભાઇ પટેલ મહિનાઓ અગાઉ રાજકારણમાં સક્રિય થવાની જાહેરાત કરી ચૂક્યા છે. હાલ ખોડલધામ દ્વારા સર્વ પણ ચાલી રહ્યો છે. સર્વ રિપોર્ટ ગમે ત્યારે જાહેર કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દરમિયાન આજે સાંજે નરેશભાઇ પટેલ દ્વારા રાજકોટના મીડિયા કર્મચારીઓ સાથે એક ગેટ ટુ ગેધરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ દ્વારા રાજકારણમાં પ્રવેશ અંગે કોઇ મોટી જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. સત્તાધારી પક્ષ ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા નરેશભાઇને પોતાના પક્ષમાં જોડાવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ તો ખૂલ્લીને કહી રહ્યા છે કે નરેશભાઇ અમારા પક્ષમાં જ જોડાશે. ખોડલધામ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા જે સર્વ ચાલી રહ્યો છે તેનો રિપોર્ટ પણ 15મી મે પછી ગમે ત્યારે જાહેર કરી દેવામાં આવશે તેવું વારંવાર કહેવામાં આવી રહ્યું છે.

આવામાં આજે સાંજે મીડિયા કર્મીઓ સાથેના ગેટ ટુ ગેધરમાં નરેશભાઇ પટેલ કોઇ મોટી અને મહત્વની જાહેરાત કરે તેવી સંભાવના રહેલી છે. તેઓ રાજકારણમાં સક્રિય ન થવાની જાહેરાત પણ કરી શકે છે અથવા રાજનીતીમાં સક્રિય થશે તો ક્યાં પક્ષમાં જોડાશે તેની સત્તાવાર ઘોષણા કરી શકે છે.

આનંદીબેન પટેલ સાથે એનપીની મુલાકાત થયાની ચર્ચા

સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા નરેશભાઇ પટેલે જ્યારથી રાજકારણમાં સક્રિય થવાની જાહેરાત કરી છે ત્યારથી ગુજરાતના રાજકારણમાં ભારે રોમાંચકતા જાગી છે. તમામ રાજકીય પક્ષો દ્વારા એનપી માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી છે. તાજેતરમાં નરેશભાઇ બિઝનેસના કામ અર્થ જર્મની ગયા હતા. જ્યાંથી પરત ફર્યા બાદ તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.

આનંદીબેનને મળ્યા બાદ તેઓએ ક્યાં પક્ષમાં જોડાવવું તે ફાઇનલ કરી લીધું હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. જો કે આજે મીડિયા કર્મીઓ સાથેનું ગેટ ટુ ગેધર માત્ર સ્નેહમિલન બની રહેશે કે પછી કોઇ મોટી જાહેરાત કરશે? તેના પર તમામની નજર ટકેલી છે! જો એન.પી. ભાજપમાં જોડાવવાના હશે તો આગામી શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આટકોટમાં હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે ત્યારે તેઓના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે અને કોંગ્રેસમાં જોડાશે તો આગામી જૂનમાં સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધીના યોજાનારા સંમેલનમાં પંજો પકડશે. તેઓ આપમાં જોડાઇ તેવી સંભાવના નહિવત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.