Abtak Media Google News

આજની વાત કરીએ કે વર્ષો પહેલાની મહિલામાં હંમેશા બધું જ સંભાળી લેવાની તાકાત હોય છે. એટલે જ તો આપણે સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનીએ છીએ અને દેવી તરીકે પૂજીએ છીએ. આવી જ એક ઘટના રાજ્યમાં સામે આવી છે જેમાં કથામાં ચોરોનો હિંમતભેર સામનો કરી ચેન ચોરનાર મહિલાને ઝડપી 15 લોકોની ટોળકી સહિત 17 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપવામાં નિમિત્ત બન્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જિલ્લાના જામજોધપુર ગામની અહીં તા.૨૯ જાન્યુઆરી થી ૪ ફેબ્રુઆરી સુધી ગુરુ વંદના મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે, જ્યાં કથા સાંભળવા મોટી સંખ્યામાં દૂર દૂરથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તા.૦૧-૦૨-૨૦૨૩ ના રોજ જ્યારે સમગ્ર માહોલ કથામય હતો અને સભાખંડથી થોડી જ દુરી પર પ્રસાદી લેવા માટેના કાઉન્ટરો લાગ્યા હતા, ત્યાં અચાનક મુખ્ય દરવાજા પરથી ચેન ચોરાયાની બુમ પડી.

બુમ સાંભળતાં જ દરવાજા પાસે સ્વયંસેવક તરીકે પોતાની સેવા આપતાં પ્રતિમાબેન જાનીની નજર ચેન ચોરનાર બેન પર જતા જ તેને પકડી પાડતા તેણે ભાગી છુટવા માટે ઝપાઝપી કરી હતી.પરંતુ પ્રતિમાબેને હિંમતભેર સામનો કરી એ મહિલાને ઝડપી લીધી.ત્યારબાદ એ મહિલાને અલગ રૂમમાં લઇ ગયા જયાં વધુ પૂછપરછ કરતાં તેણે જણાવ્યુ હતુ કે તેની સાથે અન્ય બહેનો પણ હતી અને તેઓની યોજના આયોજનબદ્ધ હતી.

૧૫ લોકોની ટોળકી રાજસ્થાનથી ગુજરાત આવી હતી ચોરીના ઈરાદાથી

પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા વધુ વિગત જાણવા મળી અને તેમણે આખો ઘટનાક્રમ બતાવ્યો હતો. તેઓ ૧૫ લોકોની ટોળકી છે જે રાજસ્થાનથી ગુજરાતમાં ચોરીના ઈરાદાથી આવી હતી. જામજોધપુર પોલીસે જામનગર એલસીબી ને જાણ કરી હતી અને તેઓને કુલ ૧૭ લાખ ૫૫ હજાર ૫૦૦ રૂપિયાના મુદ્દા માલ સાથે પૂરી ટોળકીને ઝડપી પાડી હતી.જામજોધપુર પોલીસ અને એલસીબી જામનગરે પોતાની ટીમ સાથે તરત જ એક્શન લઈને આવા અન્ય કિસ્સા થતા અટકાવ્યા હતા.

ગુનાહિત કૃત્યો આચરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો હતો.જે સમગ્ર ઘટનાના મૂળમાં ક્યાંકને ક્યાંક પ્રતિમાબેન જાની નિમિત્ત બન્યા હતાં. પ્રતિમાબેન જાની પોતે ૫૦ વર્ષના હોવા છતાં પણ પોતાની સમયસૂચકતા અને હિંમતને કારણે પ્રજાહિતનું અને સમાજસેવાનું કાર્ય પાર પાડ્યું હતું.

પ્રતિમાબેન જાનીના જણાવ્યા મુજબ,”કોઈપણ સેવાકાર્ય કરીએ તો ભગવાન આપણને સાથ આપે જ છે. આપણે ડર્યા વગર મુશ્કેલીનો સામનો કરવો જોઈએ.હિંમત અને સદકાર્યો કરવા માટે ઉંમરને કોઈ લેવાદેવા નથી.” ખરેખર, પ્રતિમાબેન જાની પાસેથી સમાજે ઘણું શીખવા જેવું છે, જેથી સમાજને નુકશાન પહોંચાડનાર તત્વો પણ આવા કૃત્યો કરતાં અનેક વાર વિચારે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.