નારી શક્તિ ઝિંદાબાદ : ગાય આધારિત ખેતીથી કોયલીના મહિલા થયા આત્મનિર્ભર

એક સ્ત્રી ધારે તો અનેક શિખર સર કરી શકવાની ક્ષમતા ધરાવે છે, તે ઉક્તિને સાર્થક કરતાં વંથલી તાલુકાના કોયલી ગામની એક મહિલાએ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરી આત્મનિર્ભર બની, વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી, મહિલાઓમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

10 વિઘામાં પ્રાકૃતિક ખાતરની મદદથી ઓર્ગેનિક ખેતી થકી લાખો રૂપીયા રળે છે

આજકાલની મોર્ડન મહિલાઓ ગમે તે રીતે પોતાના પગભર બની, આવક મેળવી, પોતાના ઘરમાં મદદરૂપ થતી હોય છે. તેમજ ભણતર, નોકરી, વ્યવસાય, ખેતી કે અન્ય કોઈ ક્ષેત્રમાં પોતાની પ્રસિદ્ધિ હાંસલ કરી રહી છે. ત્યારે વંથલી તાલુકાના કોયલી ગામના ભાવનાબેન ત્રાંબડીયા ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. અને કુટુંબને મદદરૂપ થઈ રહ્યા છે.

એક ગ્રામ્ય મહિલાની સફળ સિદ્ધિની વાત કરીએ તો, જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામના ભાવનાબેનને પોતાનું 10 વીઘાનું ખેતર આવેલું છે. તેમાંથી ભાવનાબેન 1 વીઘામાં શાકભાજી વાવી છે, અને જે શાકભાજી થાય તે શાકભાજી જુનાગઢ વેચાણ માટે મોકલે છે. અને ભાવનાબેન અન્ય ખેડૂતોના શાકભાજી કરતાં બમણા ભાવ મેળવે છે. કારણ કે, તે ગાય આધારિત ખેતી કરી શાકભાજીી નું ઉત્પાદન કરે છે.

આ ઉપરાંત ભાવનાબેન જીવોમૃત બનાવી તેનું પણ વેચાણ કરે છે. જે બહાર ગામના ખેડૂતો પણ લઈ જાય છે અને તેમાંથી પણ સારી એવી આવક મેળવે છે. આ અંગેની જાણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિતરણ વિભાગના અધિકારી ડો. આર. જી. ગોહિલને થતાં તેઓ પણ ભાવનાબેનના ખેતરની મુલાકાતે પહોંચ્યા હતા અને ભાવના બેનની કામગીરીને બિરદાવી હતી.

આ અંગે ભાવનાબેન ત્રાંબડીયાએ જણાવ્યું હતું કે, તેઓ 2016થી ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. ભાવનાબેનને 37 જેટલી ગાયો પણ છે. તેઓ 10 વરણી અર્કનું ઉત્પાદન કરી, સાબુ અને શેમ્પૂ જેવી વસ્તુઓ બનાવી તેનું પણ વેચાણ કરે છે. આ ઉપરાંત 100 લીટર જેટલું દૂધ પણ જુનાગઢ મોકલે છે અને તેમાંથી પણ સારી આવક મેળવે છે. અને તેઓની હાથ બનાવટની વસ્તુઓ જુનાગઢ ઓર્ગેનિક મોલમાં પણ વેચાણ માટે આવે છે.