નારી વંદન ઉત્સવ નારીશક્તિને  પ્રેરિત કરી  દિશા આપવાનો છે: મંત્રી બ્રિજેશ મેરજા

રાજકોટમાં  બેટી બચાવો, બેટી પઢાઓ” દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થઈ:  મહિલા કલ્યાણ, રમત-ગમત, સાંસ્કૃતિક અને સરકારી સેવા ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારી 50 જેટલી મહિલાઓનું સન્માન કરાયું

સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી નારીઓના કાર્યોને, તેમની નિષ્ઠા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવવા રાજ્ય સરકારે નારી વંદન ઉત્સવનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત આજે રાજકોટમાં “બેટી બચાવો, બેટી પઢાઓ” દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે મહિલાઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલા કલ્યાણ, રમત ગમત, સાંસ્કૃતિક અને સરકારી સેવા ક્ષેત્રે ઉત્તમ કમગીરી કરનારી 50 જેટલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષ પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશકુમાર મેરજાએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે ગઇકાલે અમદાવાદથી  “સશક્ત મહિલા, સક્ષમ ગુજરાત”ની થીમ સાથે નારી વંદન ઉત્સવનો પ્રારંભ કરાવ્યો છે. આ ઉત્સવ નારીશક્તિને પહેચાન આપવા, તેને પિછાણીને તેને પ્રેરિત કરી, તેની તાકાતને દિશા આપવાનો છે. મંત્રીએ કહ્યું કે, નારી પુરુષ સમોવડી નહિ પણ પુરુષ કરતાં અનેરી બનીને પોતાની અલગ પહેચાન ઊભી કરે. વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં નારી અબળા નહિ પણ સબળા છે. આજે નારીની આંખમાં આંસુ નહિ પણ ચમક છે.

પહેલા નારીઓને ચૂલા ફૂકવા પડતા, પણ આજે ઉજ્જવલા ગેસ આપીને સરકારે મહિલાઓને હાલાકીમાંથી ઉગારી છે. આ કાર્યક્રમ માટે રાજ્યકક્ષાના મંત્રીશ્રી રૈયાણી, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાએ પાઠવેલો શુભેચ્છા સંદેશ પણ તેમણે આપ્યો હતો. મહિલાઓની આંતરિક શક્તિઓ વિશે વાત કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે કહ્યું હતું કે, આજે દીકરી માત્ર પારકી થાપણ નહીં પરંતુ પગભર બનીને બે કૂળને તારી રહી છે. આજે રાજકોટ જિલ્લાની 35,000 બહેનો સખીમંડળ હેઠળ આત્મનિર્ભર બની પરિવારને મદદરૂપ થઈ રહી છે.

નારી શક્તિને વંદન કરતાં કલેકટર અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં મહિલા કલ્યાણ અંગે વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીનો પરિચય પણ તેમણે આપ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સવિતાબેન વસાણી, ભાજપના અગ્રણી મનીષ ચાંગેલા, ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ ભાર્ગવ આદિપરા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ, તેમજ મહિલાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતની શુભેચ્છા મલાકાતે મંત્રી

જિલ્લા પંચાયતની શુભેચ્છા મુલાકાતે રાજયકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા પધારેલ હતા. આપ્રસંગે જિ.પંચા.ના  કાર્યદક્ષ પ્રમુખ ભુપતભાઈ બોદર કારોબારી સમિતિના ચેરમેન  સહદેવસિંંહ  જાડેજા, ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી વિગેરે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.