નર્મદા ડેમની સપાટી 124.82 મીટરે પહોંચી: પાણીની ધોધમાર આવક

સરદાર સરોવર ડેમની સપાટીમાં દર કલાકે 0.87 સે.મી.નો વધારો

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. મધ્યપ્રદેશમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં પ્રતિકલાક 0.87 સેન્ટી મીટરનો વધારો થઇ રહ્યો છે. 138.68 મીટરે છલકાતા નર્મદા ડેમની સપાટી હાલ 124.82 મીટરે પહોંચી જવા પામી છે. ડેમમાં પાણીની ધોધમાર આવક થઇ રહી છે. મેઘરાજાની મહેરના કારણે હવે ગુજરાતવાસીઓ પરથી જળ સંકટ હલ થઇ ગયું છે.

મધ્યપ્રદેશમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ધોધમાર આવક થઇ રહી છે. આજે સવારે ડેમની સપાટી 124.82 ફૂટે પહોંચી જવા પામી છે. જે રિતે પાણીની આવક થઇ રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે સાંજ સુધીમાં નર્મદા ડેમની સપાટી 125 મીટરને પાર થઇ જશે. હાલ ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ડેમમાં પ્રતિ કલાક 0.87 સેન્ટી મીટર પાણીની આવક થઇ રહી છે. પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે.

નર્મદા ડેમની સપાટી અગાઉ 121.68 મીટરની હતી. દરમિયાન કેન્દ્રમાં ભાજપની સરકાર બનતા અને વડાપ્રધાન પદે નરેન્દ્રભાઇ મોદી સત્તારૂઢ થતાની સાથે જ સરદાર સરોવર ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી આપવામાં આવી હતી. ડેમ પર દરવાજા મૂકાયા બાદ ઉંચાઇ વધીને 138.68 મીટરે પહોંચી છે. છેલ્લા કેટલાક દિવસોથી એમપીમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આજે સવારે ડેમની સપાટી 124.82 મીટરે પહોંચી જવા પામી છે. ડેમમાં કુલ 58.24 ટકા પાણી સંગ્રહિત થઇ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતને એક વર્ષ સુધી પીવાના પાણીની અને સિંચાઇના પાણીની તકલીફ ન પડે તેટલું પાણી ડેમમાં સંગ્રહિત થઇ ગયું છે. જે રિતે ડેમમાં પાણીની આવક થઇ રહી છે. જે જોતા એવું લાગી રહ્યું છે આજે મોડી સાંજ સુધીમાં સપાટી 125 મીટરને પાર થઇ જશે.