નર્મદા ડેમના ગેઇટ જુલાઇ સુધીમાં બંધ કરાશે.

sauni yojna | rajkot
sauni yojna | rajkot

વિસ્થાપિતોને જુલાઇ સુધીમાં ખસી જવાનો સુપ્રીમનો આદેશ: વિશ્ર્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓક્ટોબર-૧૮ સુધીમાં તૈયાર થશે: સબમાયનોર કેનાલના સ્થાને ખેતરો સુધી પાઇપલાઇનો નંખાશે: પિયત વિસ્તારમાં ભૂગર્ભ લાઇનો નંખાશે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના હવે, તેના અંતિમ ચરણમાં પ્રવેશી ચૂકી છે. મુખ્ય બંધની ઊંચાઈ ૧૨૧.૯૨ મીટર સુધી પહોંચાડાયા બાદ તેની ઉપર દરવાજા બેસાડવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં નર્મદાના વિસ્થાપિતોને જુલાઈ સુધી ખસી જવાનો આદેશ આપ્યો છે. હવે, જો અન્ય વિઘ્ન નહીં નડે તો આગામી ગણતરીના મહિનાઓમાં સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરી શકાશે. જેના કારણે યોજના મુજબનું પૂરેપૂરું પાણી રોકી શકાશે. ટ્રિબ્યુનલના ચુકાદા મુજબ, ગુજરાતમાં ૧૮ લાખ હેકટર જમીનમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાનું છે. જે ગતિએ કામ આગળ વધી રહ્યું છે તે જોતાં આગામી મહિનાઓમાં રાજ્યની ૧૬ લાખ હેકટર જમીન સુધી તો સિંચાઈનું પાણી પહોંચાડી શકાશે.

વિધાનસભા ગૃહમાં નર્મદા વિકાસ વિભાગના બજેટ પરની ચર્ચાનો જવાબ મુખ્યમંત્રી વતી આપતા નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, મુખ્ય બંધનું કામ પૂરુ થયા બાદ ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે ૩૨૧૮ કિલોમીટરની લંબાઈની સબ માયનોર કેનાલો બનાવવાની છે. જેના સંદર્ભે રાજ્ય સરકારે ખેતરો સુધી પાઈપલાઈનો નાખવાનો નિર્ણય લીધો છે. જેમાં ૯૭.૫ ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે અને બાકીના ૨.૫ ટકા ખેડૂતોએ ભોગવવાનો થશે. આ માટે કુલ ૧૬૨૦ કરોડનો ખર્ચ થવાનો છે. જેના ૫૦ ટકા લેખે ૮૧૦ કરોડ ભારત સરકાર આપવાની છે એટલે હવે, આ કામમાં પણ ઝડપ લવાશે.

તેમણે કહ્યું હતું કે, મુખ્યબંધનું કામ પૂરું થયા બાદ યોજનાના વિસ્થાપિતોના પુન:વસનનો પ્રશ્ન સામે આવ્યો હતો. તેઓ ડૂબમાં જતી જમીન છોડવા તેઓ તૈયાર ન હતા પરંતુ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં એવો આદેશ આપ્યો છે કે, વિસ્થાપિતોને એક વીધા જમીન પેટે રૂ.૬૦ લાખ ચૂકવી આપવા અને દરમ્યાનમાં આ વિસ્થિપિતોને પણ જુલાઈ સુધીમાં ખસી જવાનો આદેશ અપાયો છે. રાજ્ય સરકારે ડેમ ઉપર ૪૫ ટ્રક માલ ભરાય તેવા ૪૫૦ ટન વજનવાળા એક એવા ૨૩ રેડિઅલ દરવાજા બંધની ૧૨૧.૯૨ મીટરની ઊંચાઈએ ફીટ કરી દીધા છે. જેમાં ૧૩ હજાર મેટ્રિક ટન જેટલું લોખંડ વપરાયું છે. ડેમમાં પાણીના સંગ્રહના કારણે જે વીજળી ઉત્પન્ન થાય છે. તે પણ મહત્વની બાબત છે ત્યાંના જળ વિદ્યુત મથકોમાં ડિસેમ્બર-૨૦૧૬ સુધીમાં આશરે ૧૬,૨૧૦ કરોડ રૂપિયાની કિંમતની વીજળી ઉત્પન્ન કરી શકાઈ છે.