મધરાતથી નર્મદાના નીર બંધ: ન્યૂ રાજકોટમાં ત્રણ વોર્ડમાં વિતરણ ખોરવાયું

8 કલાક નર્મદાના નીર ન મળવાના કારણે વોર્ડ નં.1, 9 અને 10માં નિર્ધારિત સમય કરતા પાંચ કલાક વિતરણ મોડું

વીજ વિક્ષેપના કારણે જીડબલ્યુઆઇએલ દ્વારા રૈયાધાર પર આઠ કલાક સુધી નર્મદાના નીર બંધ રાખવામાં આવતા આજે ન્યૂ રાજકોટમાં ત્રણ વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાયું જવા પામી હતી. વોર્ડ નં.1, 9, અને 10માં નિર્ધારિત સમય કરતા પાંચ કલાક મોડું પાણી વિતરણ કરવામાં આવતા ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. સવારે 9:00 વાગ્યાથી ઉક્ત ત્રણ વોર્ડના અનેક વિસ્તારોમાં વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને બપોરે પાણી આપવાનું આવ્યુ હતું.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટના રૈયાધાર પર નર્મદાનું પાણી આપવામાં આવે છે. જીડબલ્યુઆઇએલ દ્વારા વીજ વિક્ષેપના કારણે ગઇકાલ રાત્રે 2.30 કલાકથી પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જે આઠ કલાક બાદ આજે સવારે 10.30 કલાકે ફરી શરૂ કરવામાં આવ્યું હતું. આઠ કલાક નર્મદાના નીર બંધ રહેવાના કારણે 20 એમએલડી પાણીની ઘટ્ટ પડી છે.

સ્ટોરેજ હોવાના કારણે સવારે નવ વાગ્યા સુધી વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી. ત્યારબાદ રૈયાધાર હેડ વર્ક્સ આધારિત વોર્ડ નં.1, 9, અને 10ના એવા વિસ્તારો કે જ્યાં નવ વાગ્યા પછી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં સ્ટોરેજ અને લેવલના અભાવે વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. પાણીના ટાંકામાં ફરી લેવલ થતાં બપોરે બે વાગ્યાથી વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. એકપણ વિસ્તારને પાણીથી વંચિત રાખવામાં આવશે નહિં. જીડબલ્યુઆઇએલ દ્વારા રોજ કરતા વધુ ફ્લોથી પાણી આપવામાં આવી રહ્યું છે. સાંજ સુધીમાં ઘટ્ટ પૂર્ણ થઇ જાય તેવી સંભાવના જણાઇ રહી હોય આવતીકાલે વિતરણ વ્યવસ્થા પર કોઇ અસર પડશે નહિં.