નર્મદા નદીનું ઉદગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થાય છે અને સાતપુડા વિંધ્યાચલ પર્વતમાળાની પહાડી વચ્ચે ખળખળ વહેતી નિર્મળ પવિત્ર વિશાળ જળરાશિથી પ્રવાહિત થતી માં નર્મદા મનમોહક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી ભારતની મુખ્ય પાંચ નદીઓમાંની એક છે તેને મેકલ કન્યા, શિવપુત્રી, પુણ્ય સલિલા, રેવા જેવા અનેક નામોથી લોકો ઓળખે છે. કંકણ કંકણમાં શંકરનો વાસની અનુભૂતિ અને આધ્યાત્મ, તપ, શ્રદ્ધાની દેવી લોકોના દિલમાં રગ રગમાં જળપ્રવાહની જેમ વસે છે. લોકો તેની ભાવથી પરિક્રમા કરે છે. માર્કંડ ઋષિ દ્વારા પ્રથમ આ પરિક્રમા કરવામાં આવી ત્યારથી ભાવિકોમાં શ્રધ્ધા,આસ્થા બેવડાઈ ગઈ છે અને નર્મદા શબ્દની ઉત્પતિ નર્મ અર્થાત આનંદ અને દા અર્થાત દેનેવાલી જળદેવીના દર્શન સ્નાનથી ભાવિકો ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં 14 કિ.મી.ની નર્મદાની એક મહિનો ચાલનારી પરિક્રમા કરીને આખી નર્મદા પરિક્રમા જેટલું પુણ્ય અને ગંગા નદીના કુંભ મેળાના સ્નાન જેટલું જ પવિત્ર માને છે અને મોક્ષ આપનારી સુખ-શાંતિ આપનારી લોકમાતા રેવા કહેવાય છે.
અપવાદરૂપ માત્રને માત્ર નર્મદા પૂર્વ થી પશ્ચિમ દિશામાં ઉલટા પ્રવાહે વહે છે એટલે તેને ઉત્તરવાહિની પંચકોષી પરિક્રમા કહેવામાં આવે છે. સ્કંદપુરાણમાં પણ તેનો ઉલ્લેખ અને જાણકારી મળે છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, કીડી-મકોડી ઘાટ, રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ, ગુવાર, શહેરાવ, તિલકવાડા ઘાટ, રેંગણ-વાસણ ગામ થઈને નર્મદા નદી બોટ મારફતે પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા અંદાજે ૧૪ કિ.મી.ની ભક્તો પૂરી કરે છે. ‘‘આપકી આસ્થા હમારી વ્યવસ્થાના’’ ધ્યેય સાથે માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા નદીના ચાર ઘાટ પર હંગામી ધોરણે પણ સુંદર અને આકર્ષક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેને પરિક્રમાવાસીઓ ખૂબ જ સરાહના કરીને ખુશ-ખુશાલી વ્યક્ત કરતા નજરે પડે છે.
નર્મદા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાને બિરદાવે છે. યાત્રાધામ બોર્ડ અને વહીવટી તંત્ર પણ પરિક્રમાવાસીઓની સેવામાં ખડે પગે દિવસ-રાત સેવા માટે તૈયાર છે. પરિક્રમાના બીજા દિવસે રવિવારની રજા હોવાથી હજારોની સંખ્યામાં નદીના પ્રવાહની જેમ માનવ મહેરામણ પગપાળા ચાલતો રહ્યો છે. આનંદ-ઉત્સાહ સાથે પરિક્રમા કરે છે. પરિક્રમાવાસીઓ ભક્તો હાથમાં લાકડી, માથે ટોપી, સફેદ ખુલ્લા વસ્ત્રોમાં, કપાળે તિલક, મોબાઇલથી સેલ્ફી-સંગીત સાથે ખભે ખુમચો, કેસરી વસ્ત્રોમાં સાધુ-સંતો, બાળકો, યુવાનો, મહિલા પોતપોતાના ગૃપ સાથે યાત્રાએ પહોંચ્યા છે. સરકારી નોકરી કરતા લોકો પણ રજા હોવાથી પરિવાર સાથે પરિક્રમામાં મોટી સંખ્યામાં પધાર્યા હતાં. નર્મદા મૈયાના હર પગલે-ડગલે ગુણલા ગાતા આસ્થા-શ્રદ્ધા આધ્યાત્મિકતાના ભાવ સાથે શરીરમાં ઊર્જા ભરીને નદી પુલ પાર કરતા નર્મદે હર નારા સાથે ઉત્તરવાહિની પરિક્રમા કરી છે અને પોતાના મોબાઇલમાં સેલ્ફી ફોટા લઇને પરિક્રમાની યાદગીરી કેદ કરી છે.
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં પરિક્રમાના સમગ્ર રૂટ ઉપર લાઈટ, પાણી, બેસવાની વ્યવસ્થા, ડોમ, ચાર ઘાટ પર બેરિકેટીંગ, સીસીટીવી કેમેરા, છાયડો, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, પોલીસ બંદોબસ્ત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેન્દ્રો, સ્ટોલ, ટોયલેટ સુવિધા સ્નાન માટે બાથરૂમ, ફુવારા વગેરે વ્યવસ્થા પણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂા.૩.૮૨ કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી છે આકર્ષક કમાનવાળા ગેટ, સાઇન બોર્ડની સુવિધા ટૂંકમાં પદયાત્રીને ક્યાંક મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવાઇ છે. નર્મદા પોલીસ વિભાગ દ્વારા પરિક્રમાવાસીની સુરક્ષા, સલામતી માટેનો બંદોબસ્ત ચાર ઘાટ પર ગોઠવવામાં આવ્યો છે.
જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ પરિક્રમાવાસીઓને આરોગ્ય સુવિધા તત્કાલ ઉપલબ્ધ કરાવવા સ્ટોલ તેમજ એમ્બ્યુલન્સ વાન સ્ટેન્ડબાય રખાઇ છે ફાયર બ્રિગેડ, કચરા પેટી અને નદીના પાણીના પ્રવાહને ધ્યાને લઈને એસ.ડી.આર.એફની ટુકડીઓ દ્વારા નદીમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પરિક્રમાવાસીને પીવાનું પાણી, નાસ્તો, ભોજન, વિશ્રામ, ફ્રૂટ, લીંબુ-સરબત, શેરડીનો રસ, નાસ્તાના સ્ટોલ ઠેર-ઠેર રૂટ પર ગોઠવવામાં આવ્યા છે અને આસપાસના મંદિર અને આશ્રમ અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પણ સુવિધાઓ ઉપલબ્ધ છે. આમ, પરિક્રમાવાસીઓને રસ્તામાં ક્યાંય તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. પરિક્રમાશાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. પણ પરિક્રમા કરવી માર્ગમાં પગે ચાલવું તે કષ્ટ તો ભાવિકોએ જાતે જ ઉઠાવવું પડે છે. તો જ પુણ્ય અને નર્મદા મૈયાના આશીર્વાદ મળે છે.