- કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચાડવાની પ્રથમ તબક્કાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે: જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલ
કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચાડવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકરફીટ પાણીના વિતરણ અન્વયે અલગ અલગ યોજના કાર્યરત છે. જે અંતર્ગત તબક્કા-1 અને તબક્કા-2 હેઠળ આયોજિત કરેલી 0.506 મિલિયન એકરફીટ નર્મદાના પૂરના વધારાના પાણીના વિતરણની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
જે અંતર્ગત મોડકુબાથી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલનું એક્ષ્ટેન્શન કરીને 0.182 મિલિયન એકરફીટ નર્મદાના પૂરનું વધારાનું પાણી મેળવીને અબડાસા અને લખપત તાલુકાની સિંચાઈ યોજનાઓને જોડાણ કરીને વિતરિત કરવા માટેનું પ્રાથમિક આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું.
જે પૂર્ણ કરીને મોડકુબાથી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલના એક્ષ્ટેન્શન કરી અબડાસા અને લખપત તાલુકામાં કામગીરી માટેનું સર્વે કરી પથરેખા, લાભિત વિસ્તાર અને યોજનાના પાસાઓ તેમજ ખર્ચ માટે વિગતવાર આયોજન કરવામાં આવનાર છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
કચ્છમાં નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકરફીટ પાણીના વિતરણ અન્વયે તબક્કા-1 ની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે સારણ લિંક પાઈપલાઈનનું કામ આશરે રૂ. 720.00 કરોડના ખર્ચે હાથ ધરાઈ રહેલ છે. જેમાં બે પમ્પિંગ સ્ટેશન તથા 72 કિ.મી. પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. જેનાથી રાપર તાલુકાનાં 8 ગામોના 29000 હેક્ટર વિસ્તારને લાભ મળશે.
આ જ પ્રકારે, સધર્ન લિંક પાઈપલાઈનના તબક્કા-1 ની કામગીરીની વિગતો આપતાં રાજ્યમંત્રીએ કહ્યું કે આ યોજના અંતર્ગત અંદાજિત રૂ. 2029.00 કરોડના ખર્ચે 6 પમ્પિંગ સ્ટેશન અને 158 કિ.મી. પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. જેનાથી મુન્દ્રા, ભુજ, માંડવી અને અંજાર તાલુકાનાં 47 ગામોના 38.824 હેક્ટર વિસ્તારને અને 25 સિંચાઈ યોજનાઓને તેનો લાભ મળશે.
જ્યારે નોર્ધન લિંક પાઈપલાઈનના પ્રથમ તબક્કામાં અંદાજિત રૂ. 1419 કરોડના ખર્ચે ચાર પમ્પિંગ સ્ટેશન અને 106 કિ.મી. પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી રહેલ છે. જેનાથી ભુજ અને નખત્રાણા તાલુકાનાં 22 ગામોના 36.392 હેક્ટર વિસ્તારની 12 સિંચાઈ યોજનાઓને લાભ મળશે. તેમ મંત્રીએ જણાવ્યું હતું.
આ જ પ્રકારે, તબક્કા-2 ની કામગીરીની વિગતો આપતાં મંત્રીએ કહ્યું કે સધર્ન લિંક પાઈપલાઈનના બીજા તબક્કામાં અંદાજિત રકમ રૂ. 1368.00 કરોડના ખર્ચે 9 પમ્પિંગ સ્ટેશન અને 212 કિ.મી. પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી રહેલ છે. જેનાથી માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાનાં 28 ગામોના 36,514 હેક્ટર વિસ્તારને લાભ થશે. જેમાં 28 સિંચાઈ યોજનાઓનો સમાવેશ થાય છે.
જ્યારે નોર્ધન લિંક પાઈપલાઈનના બીજા તબક્કામાં અંદાજિત રૂ. 848.00 કરોડના ખર્ચે ૫ પમ્પિંગ સ્ટેશન અને 120 કિ.મી. પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જેનાથી નખત્રાણા અને લખપત તાલુકાનાં 25 ગામોના 31,681 હેક્ટર વિસ્તારને લાભ મળશે. જેનાથી 13 સિંચાઈ યોજનાઓને લાભ મળશે તેમ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.