- ગુજરાત માળખાકીય સુવિધાઓ ઉપરાંત ઈ-ગવર્નન્સ ક્ષેત્રે પણ અન્યો માટે દીવાદાંડી સમાન: કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ
- સુશાસન એ વિકસિત સમાજનો મહત્વનો પાયો: નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ
- આ કાર્યક્રમમાં ‘મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ ઈ-જર્નલ’ તેમજ ‘સ્ટેટ કોલાબોરેટીવ ઈનીશીયેટીવ પોર્ટલ” લોન્ચ કરાયું
- 28 રાજ્યોના 100થી વધુ પ્રતિનિધિઓ-ઉચ્ચ અધિકારીઓ આ કોન્ફરન્સમાં સહભાગી
ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સ”નો ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ તેમજ ગુજરાત સરકારના નાણા મંત્રી કનુ દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો. આ શુભારંભ સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે ‘મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ ઈ-જર્નલ’ તેમજ ‘સ્ટેટ કોલાબોરેટીવ ઈનીશીયેટીવ પોર્ટલ” લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે આ પરિષદની સુવ્યવસ્થિત યજમાની કરવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતને સુશાસનનું વિશ્વાસપાત્ર મોડલ રાજ્ય ગણાવતા કહ્યું હતું કે, સુશાસન અને સુશાસનીક વ્યવસ્થા અંગે ગોષ્ઠી કે પરિષદનું આયોજન કરવા માટે ગુજરાતથી શ્રેષ્ઠ દેશમાં અન્ય કોઈ વિકલ્પ ન હોઈ શકે. 90ના દાયકામાં કોઈપણ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવું હોય તો, ગુજરાતમાં IIM-અમદાવાદ ઉપરાંત કોઈ વિકલ્પ ન હતો. આજે એ જ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેક પરિષદોનું સુદ્રઢ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી શક્ય બન્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ ગુડ ગવર્નન્સની આ રાષ્ટ્રીય પરિષદનું અલગ-અલગ રાજ્યમાં આયોજન કરવાની પ્રેરણા આપી હતી. જેની ફલશ્રુતિરૂપે દેશના અનેક રાજ્યોમાં આ પરિષદનું આયોજન થઇ ચૂક્યું છે. પરંતુ ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે, જ્યાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ પરિષદોનું સતત આયોજન થઇ રહ્યું છે. ગુજરાત માત્ર માળખાકીય સુવિધાઓ જ નહિ, પરંતુ ઈ-ગવર્નન્સ ક્ષેત્રે પણ અન્યો માટે દીવાદાંડી સમાન છે. ઓનલાઈન સેવાઓ, પોર્ટલ, ડેશબોર્ડ જેવી અનેક સુવિધાઓ વિકસાવવામાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર છે.
વડાપ્રધાનના ‘મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ’ના મૂળમંત્રને ચરિતાર્થ કરવા માટે ભારત સરકાર નાગરિકોને કેન્દ્રમાં રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરી રહી છે. સાથે જ, ભારત સરકારની ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરેન્સ નીતિ અને સમયબદ્ધ આયોજન થકી નાગરિકોને મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સની અનુભૂતિ થઇ રહી છે, તેમ કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું. આ સંદર્ભે મંત્રીએ કેટલાક ઉદાહરણો પણ પ્રસ્તૂત કર્યા હતા.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે ભારત સરકારની સીપી ગ્રામ, ઓનલાઈન RTI પોર્ટલ, રોજગાર મેળા, ફેસ રીકોગ્નીઝ્ન ટેકનોલોજી, મિશન કર્મયોગ અને ચિંતન શિબિર જેવી વિશેષ પહેલ અંગે સવિસ્તૃત ભૂમિકા આપી હતી. સાથે જ, તેમણે નાગરિકોના હિતમાં ગુડ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા ચિંતન-મનન કરવા વિવિધ રાજ્યોથી પધારેલા ડેલીગેટ્સને આહ્વાન કર્યું હતું.
ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સુશાસન એ વિકસિત સમાજનો મુખ્ય પાયો છે. ગુજરાત સરકાર નાગરિકો માટે ગવર્નન્સ રિફોર્મ, પારદર્શિતા, કાર્યક્ષમતા અને સશક્તિકરણ કરવા માટે કટિબદ્ધ છે. જેના પરિણામે ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં અગ્રણી સ્થાને છે. વિકસિત ભારતના મિશનમાં ગુજરાત મોડલ એક પ્રોએક્ટિવ, રિસ્પોન્સિવ અને એકાઉન્ટેબલ ગવર્નન્સ તરીકે પ્રસ્થાપિત થયું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા માને છે કે, ગુડ ગવર્નન્સ એ માત્ર એક પોલિસી નથી, પરંતુ નાગરિકો માટે ઉપયોગી, જવાબદાર અને વહીવટી પારદર્શિતા સાથેની એક પરંપરા છે. નાગરિકોને સરકારી સેવાઓ કાર્યક્ષમ, પારદર્શિતા અને સરળતાથી મળી રહે તે જ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ગુડ ગવર્નન્સ માટે અનેક રિફોર્મ્સ લાવ્યા હતા. આજે એ જ વિઝનને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર વિવિધ સરકારી સેવાઓની પ્રક્રિયાનું રિયલ ટાઇમ મોનીટરીંગ કરીને નાગરિકોને ઝડપી, સરળતા અને પારર્દિર્શિતા સાથે પહોંચાડી રહી છે.
વધુમાં મંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે, આજે ડેટા બેઝ, ડેટા મેનેજમેન્ટ, AI સંચાલિત અને નાગરિક ઉપયોગી સેવાઓ માટે ગુજરાત સરકાર તૈયાર છે. ડિજિટલ ગવર્નન્સ દ્વારા નાગરિકોને રિયલ ટાઇમ સર્વિસ ડિલિવરી મળી રહે તે માટે સરકાર સતત કામ કરી છે. આવા દરેક રિફોર્મ્સ થકી રાજ્યનાં નાગરિકો કોઈ પણ સમયે અને સ્થળેથી ઝડપી પેપરલેસ સેવાઓનો લાભ લઈ શકશે. રાજ્યમાં ઇ-ગવર્નન્સ અને ગુડ ગવર્નન્સના ભાગરૂપે ઇ-સરકાર, કર્મયોગી એપ્લિકેશન, ડિજિટલ ગુજરાત, IMFS, આઇ-ખેડૂત, વિશ્વાસ, સ્વાગત જેવા ઘણા ઓનલાઈન પોર્ટલ કાર્યરત છે.
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિર્ફોમ્સ એન્ડ પબ્લિક ગ્રિવન્સિસ-DARPGના સચિવ વી. નિવાસે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો વર્તમાનમાં જન હિતમાં ગુડ ગવર્નન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI અને ટેકનોલોજીના ઉપયોગને વધુને વધુ પ્રાધાન્ય આપી રહી છે. ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુડ ગવર્નન્સ ક્ષેત્રે બેસ્ટ પ્રેક્ટિસિસમાં સૌથી વધુ ‘PM એર્વોડ’ મેળવ્યા છે. જેમાં વિદ્યા સમિક્ષા કેન્દ્ર, સ્વચ્છ ભારત અભિયાન, સમગ્ર શિક્ષા અભિયાન વગેરેનો સમાવેશ થાય છે. તેમણે વર્ષ 2003માં શરુ થયેલા ‘સ્વાગત’ ઓનલાઇન પ્લેટફોર્મને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
આ બે દિવસીય કોન્ફરન્સમાં અલગ અલગ 6 પ્લેનરી સેશન યોજાશે. જેમાં ગુડ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત સરકારની વિવિધ વિભાગોની ‘બેસ્ટ પ્રેક્ટિસિસ’ પણ રજૂ કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં ભારતભરના 28રાજ્યોના 100થી વધુ પ્રતિનિધિઓ સહભાગી થયા છે, જેથી અન્ય રાજ્યોમાં અમલી સુશાસન વ્યવસ્થા અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે, તેમ જણાવી સચિવએ કોન્ફરન્સના સુંદર અને સફળ આયોજન બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.
સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીએ જણાવ્યું હતું કે, ગુડ ગવર્નન્સ માટે ઇ-ગવર્નન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે. ગુજરાતની દરેક સરકારી કચેરીઓ મેન્યુઅલ પ્રોસેસમાંથી ટેકનોલોજીની મદદથી ઇ-ગવર્નન્સનો ભાગ બની છે. આધુનિક ટેકનોલોજીના ઝડપી યુગમાં નાગરિકો પણ વધુ ઝડપી સુવિધાઓની આશા રાખી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોક ચેઈન જેવી વિવિધ ટેકનોલોજીની મદદથી વધુ સરળ અને ઝડપી સુવિધાઓ આપી રહી છે. ગુજરાત સરકારના નાણાં, મહેસૂલ જેવા દરેક વિભાગો નાગરિકોને સારી સેવાઓ આપવા માટે સતત પ્રયત્નો કરીને સુશાસનનો ભાગ બન્યા છે.
ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ વિઝનથી રાજ્યમાં શરૂ કરેલા ઈ-ગ્રામ, GSWAN નેટવર્ક જેવી વિવિધ સુશાસાનિક પહેલોની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું હતું કે, નાગરિકોની સેવા-સુવિધામાં વધારો કરવા ડિજિટલ ટેક્નોલોજીનો ગુજરાતે સુયોગ્ય ઉપયોગ કર્યો છે.
DARPGના નિયામક તુશાબા શિંદેએ કાર્યક્રમના અંતે આભાર વિધિ કરી હતી. જ્યારે, DARPGના સંયુક્ત સચિવ સરિતા ચૌહાણ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ડિરેક્ટર જનરલ ડૉ. એસ. એન. ત્રિપાઠી, ભારત સરકાર, ગુજરાત સરકાર ઉપરાંત વિવિધ રાજ્યોમાંથી પધારેલા ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
- ગીફ્ટ સીટી અને AI સેન્ટર ઓફ એકસલન્સની મુલાકાત લઇ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ પ્રથાવિત થયા; ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા
ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન દેશના સૌપ્રથમ ફાઈનાન્સિયલ-ટેક સીટી-ગીફ્ટ સીટીની મુલાકાત લઇ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન ગીફ્ટ સીટીના ચેરમેન અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાએ કેન્દ્રીય મંત્રીને ગીફ્ટ સિટીના ઉદ્દેશ્ય, ઉપલબ્ધ સુવિધાઓ, રોકાણના અવસરો અને ગીફ્ટ સિટીની સિંગલ વિન્ડો સીસ્ટમ વગેરેની વિસ્તૃત માહિતી આપી હતી. આ માહિતી મેળવીને તેમજ ગીફ્ટ સીટી ખાતે નવનિર્મિત AI સેન્ટર ઓફ એકસલન્સની મુલાકાતથી પ્રભાવિત થઇ કેન્દ્રીય રાજ્ય મંત્રીએ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા.