Abtak Media Google News

અહીં કંઠય અને વાદ્યસંગીત, કથ્થક અને ભરત નાટયમની પદવી પરીક્ષા સુધીના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે

રાષ્ટ્રીયશાળાની સ્થાપના સને-1921માં થઈ હતી. રાષ્ટ્રીયશાળા એક ઐતિહાસિક સંસ્થા છે અને રાષ્ટ્રીય હિરાસતમાં કેન્દ્ર સરકારે સ્થાન આપ્યું છે. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. રાજકોટ સત્યાગ્રહની લડત વખતે પૂજયબાપુએ 1939માં ઐતિહાસિક ઉપવાસ કરેલ જે સ્થળે રાષ્ટ્રીયશાળામાં ગાંધીજીએ રહીને ઉપવાસ કર્યા હતા. જેને કારણે દેશ-વિદેશમાં રાષ્ટ્રીયશાળાનું નામ ઉજાગર કરેલ છે. આજે રાષ્ટ્રીયશાળા ટ્રસ્ટ સંગીત, પ્રાથમિક શિક્ષણ, ખાદી ગ્રામોઉધોગ વગેરેની પ્રવૃતિઓ ચલાવી રહી છે. આ સમગ્ર પ્રવૃતિઓ સંસ્થા સ્વનિર્ભર પોતાની મિલકતમાંથી આર્થિક ઉપાર્જન કરી ચલાવે છે.

જેમાંથી કલાક્ષેત્રે 1938ના અરસામાં સંગીત મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. જે સૌરાષ્ટ્રની શાસ્ત્રીય સંગીતની તાલીમ આપતું પ્રથમ વિદ્યાલય હતું. સંગીત વિદ્યાલયનો પ્રારંભ પૂજય ગાંધીજીના અનુયાયી કાકાસાહેબ કાલેલકરના હાથે થયો હતો ત્યાર પછી સંગીત તજજ્ઞો પંડિત ઓમકારનાથ ઠાકુર, વિષ્ણુ દિગંબર પલૂસ્કર જેવા મહાન કલાકારો પણ રાષ્ટ્રીયશાળા સંગીતવિદ્યાલયની મુલાકાતે આવેલ હતા. આજે પણ સંગીત તજજ્ઞોના પાવન પગલાથી સંગીત મહાવિદ્યાલય ધમધમી રહ્યું છે. કંઠય અને વાદ્યસંગીત તથા કથ્થક તેમજ ભરતનાટયમની પદવી પરીક્ષા સુધીના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. 1938માં નાના પાયા ઉપર શરૂ થયેલ સંગીત મહાવિદ્યાલયમાં અત્યારે 450 જેટલા – 5 વર્ષથી માંડીને 65 વર્ષ સુધીના ભાઈઓ-બહેનો સંગીતની તાલીમ મેળવી રહ્યા છે. રાષ્ટ્રીયશાળા સ્થિત સંગીત મહાવિદ્યાલય અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય-મિરજ (મહારાષ્ટ્ર) સાથે સંલગ્ન છે. સંગીત વિદ્યાલયમાં આવતા ભાઈ-બહેનોને સંસ્કાર પોષક વાંચન તરફ પણ અભીમુખ કરવામાં આવે છે.

સંગીત કલાક્ષેત્રે રાષ્ટ્રીયશાળા સંગીત મહાવિદ્યાલય 92 વર્ષની મંગળ મંજિલ પુરી કરીને શતાબ્દિ તરફ જઈ રહ્યું છે. સંગીતના શિક્ષણ અને પ્રચાર ધારા શાસ્ત્રીય સંગીત કલાની લોક હૃદયમાં અભિરુચિ જાગે એ સંસ્થાની શુદ્ધ ભાવના છે. તેમજ ઉંડી છાપ પડે એ અમારો પ્રયાસ છે. નવોદિત સંગીત કલાકારો તેમજ આર્ટિસ્ટો તૈયાર થાય અને શાસ્ત્રીય સંગીતની પરંપરા જળવાય રહે એ સંસ્થાની નેમ છે. આજે પણ અદ્યતન બિલ્ડીંગમાં આધુનિક વાદ્યો સાથે વર્ગો ચાલી રહ્યા છે. જેમાં 6 વર્ષથી માંડીને 65 કે તેથી વધારે ઉંમરના ભાઈઓ-બહેનો જોડાઈ શકે છે. જોડાયા બાદ તમોને અવશ્ય એટલો અહેસાસ તો થશે જ કે પૂજય ગાંધીબાપુએ પ્રસ્થાપિત કરેલ ભૂમિ પર સંગીતની તાલીમ લેવી તે સદભાગ્યને જ લ્હાવો મળે છે. સંગીત વિદ્યાલયનો સમય સોમવારથી શનિવાર, સવારે 8 થી 10 કલાક સુધી તેમજ સાંજના 4 થી 7 કલાક દરમ્યાન કાર્યરત છે. જેમાં કોઈપણ ભેદભાવ વગર પ્રવેશ આપવામાં આવે છે. સંગીતની ફી પણ સાવ નોમિનલ રાખેલ છે.

સંસ્થાની માંગ એક જ નેમ છે કે જે તાલીમાર્થીમાં કલા છુપાયેલ છે તેને બહાર લાવવા માટે આ સંસ્થા કટિબઘ્ધ છે. તાલીમ મેળવવા માટે જોડાવ તો અમને ખૂબ જ ખુશી થશે અને તેવી પ્રતિતિ થશે કે અમો કાંઈક આપવા બેઠા છીએ અને જોડાવા ન ઈચ્છતા હોય તો એકવાર ઉપરોકત દર્શાવેલ સમય દરમ્યાન આવીને લાઈવ નિહાળીને સુચનો આવકાર્ય રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.