Abtak Media Google News

કાલે અમદાવાદ ખાતે સ્વરાંજલિ, શનિવારે મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં ભાવાંજલિ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ અને પિનાકી મેઘાણીનાં માતા સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીની ૮૧મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ અને ચોટીલા ખાતે ‘ભાવાંજલિ અર્પણ થશે. કાલે સાંજે ૬ કલાકે અમદાવાદ સ્થિત નિવાસસ્થાન (પાર્થસારથી એવેન્યૂ, ૯૦૩, કાન્હા, બિલેશ્વર મહાદેવની સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઈટ) ખાતે ‘સ્વરાંજલિ કાર્યક્ર્મનું આયોજન કરાયું છે.

સ્વ. કુસુમબેન મેઘાણી પ્રત્યે સવિશેષ આદર અને લાગણી ધરાવતાં ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસ થકી અંજલિ આપશે. બીજે દિવસે – ૨૭ એપ્રિલ ને શનિવારે – સવારે ૧૧.૩૦ કલાકે ચોટીલા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ભાવાંજલિ અર્પણ થશે. જન્મસ્થળની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે કોર્નરની સ્થાપના ગુજરાત સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનું ગ્રંથાલય ખાતુંનાં સૌજન્યથી થશે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)નો સંપર્ક કરી શકાશે.

૮૦ વર્ષની વયે ૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ કુસુમબેન મેઘાણીએ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી. પ્રાધ્યાપક રહી ચૂકેલાં કુસુમબેન પુત્ર પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનાં સતત પથદર્શક રહ્યાં હતાં. ઝવેરચંદ મેઘાણીની અધિકૃત અને માહિતીસભર વેબસાઈટwww. jhaverchandmeghani. comનાં સંશોધન માટે પિનાકીભાઈ સાથે ગુજરાત-રાજસ્થાનનો સઘન પ્રવાસ કર્યો હતો. દરેક કાર્યક્ર્મમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહે. ‘મેઘાણીગાથા, કસુંબીનો રંગ પુસ્તકો તેમજ ‘ઘાયલ મરતાં મરતાં રે, ‘રઢિયાળી રાત, ‘સોરઠી સંતવાણી મ્યૂઝીક સીડીનાં સંકલનમાં પણ સવિશેષ પ્રેરણા આપી હતી.

યુવાવસ્થામાં પતિ નાનકભાઈ મેઘાણી સંચાલિત રાજકોટ સ્થિત ‘સાહિત્ય મિલાપ ગ્રંથભંડારમાં પણ સક્રીય હતાં. જે સમયે ક્ધયા કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હતું ત્યારે ભાવનગર ખાતે જન્મેલાં કુસુમબેન મેઘાણીએ એમ.એ. – બી.એડ.નો ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો હતો. ત્રણ ટર્મ સુધી લોકસભાનાં સાંસદ રહી ચૂકેલાં મોટા બહેન જયાબેન શાહની પ્રેરણાથી બચપણમાં આઝાદીની ચળવળમાં પણ રસ લેતા. નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, મોરારજીભાઈ દેસાઈ, ઈન્દિરાબેન ગાંધી સહિત દેશનાં પાંચ પ્રધાન મંત્રીને પ્રત્યક્ષ મળવાનો અવસર કુસુમબેનને પ્રાપ્ત થયો હતો જે ખાસ ઉલ્લેખનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.