દેશને સમૃધ્ધ બનાવવા ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરો

સરકારી બેંકોની શાખાઓ દેશના ખૂણે ખૂણે જોવા મળશે. આ બેંકો કદાચ ખોટ પણ કરતી હશે તો પણ જનહિતાર્થે ચાલુ રાખવામાં આવતી હોય છે. જ્યારે ખાનગી બેંકો ત્રણ છ માસિક ખોટ કરે એટલે મોટેભાગે તરત જ તેના શટર પાડવા અંગે વિચારણા શરૂ થઇ જાય. જો કે ખાનગી બેંકો જ્યાં નફાની શક્યતા હોય ત્યાં જ શાખા ખોલવાની માનસિકતા રાખતી જોવા મળે છે.

સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો આ વિસ્તારના નાના ગામડાઓ કે જ્યાં વસ્તી કદાચ 1000 કે 2000+ હોય ત્યાં પણ સરકારી બેંક નજરે પડશે. અહિંયા સૌરાષ્ટ્રમાં તમને ડુમીયાણી, છાડવાવદર, ઢાંક કે ભોલાગામડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી બેંકની હાજરી જોવા મળશે જ્યારે કંઇ ખાનગી  બેંકની શાખા આવા ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે ?

આજે બેન્ક રાષ્ટ્રીયકરણ દિવસ

‘સરકાર જો દેશની આર્થિક-સામાજીક સ્થિતિ સુધારવા માંગતી હોય તો ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવું જોઇએ’

ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી તેને જનસામાન્ય માટે ખુલ્લી મૂકી દેવાનું મંતવ્ય આપતા બેંક કર્મચારી અને યુનિયન અગ્રણી :ભાવેશ આચાર્ય

એક અહેવાલ મુજબ 1947 થી 1969 વચ્ચે 559 જેટલી ખાનગી બેંકો ડૂબી ગઇ હતી જેમાં સામાન્ય પ્રજા એ પોતાની મરણમુડી ગુમાવી હતી. ઓલ ઇન્ડિયા બેંક કોન્ફેડરેશનના જનારક સેક્રેટરી થોમસ ફ્રાન્કોના જણાવ્યા મુજબ 1948 થી 1968 વચ્ચે અંદાજે 736 જેટલી બેંકોએ પોતાના કામકાજ બંધ કર્યા, અથવા કોઇ બીજી બેંકમાં વિલીન થઇ. 1969 બાદ અંદાજે 36 જેટલી બેંકો તેના ગેર્હાહીવાતને કારણે બંધ થઇ અથવા કોઇમાં સરકારી બેંકમાં વિલીન થઇ. સંચાલકોના ગેરવહીવટને કારણે પ્રજાના હિતમાં જે ખાનગી બેંકો બંધ કરવી પડી અથવા સરકારી બેંકોનો અભિગમ હંમેશા સેવાનો રહ્યો છે જ્યારે ખાનગી બેંકોનો અભિગમ મોટેભાગે નફાનો રહેતો હોવાનું જોવા મળ્યું છે.

સરકારના બેંકોના ખાનગીકરણનો નિર્ણય ભવિષ્યમાં બુમરેંગ સાબિત થાય તો નવાઇ નહીં લાગે. કોઇપણ સરકારી યોજના લઇ લો. જેટલું કામ સરકારી બેંકો થકી થયું છે તેટલું કે એવું કામ કદાચ ખાનગી બેંકોમાં શક્ય નથી દેખાતું. સરકારી બેંકોના કર્મચારીઓ કદાચ મને-કમને પણ નિષ્ઠાથી સેવા કરતા જોવા મળશે જ્યારે ખાનગી બેંકોના કર્મચારીઓ આજે કોઇ એક બેંકમાં કામ કરતા હોય તો બીજા કે ત્રીજા વર્ષે કોઇ નવી જ બેંકમાં જોડાઇ ગયેલા હોવાનું જોવા મળે છે.

આમાં તેઓ સંસ્થા કે ગ્રાહકો પ્રત્યે નિષ્ઠા ક્યાંથી લાવે ? જ્યાં વધારે આર્થિક ફાયદો દેખાય ત્યાં જવું તેઓ અભિગમ રહેતો હોવાનું મોટેભાગે જોવા મળ્યું છે.સરકાર જો ખરેખર દેશના નાનામાં નાના માણસ માટે કામ કરવા માંગતી હોય, તેની આર્થિક, સામાજીક સ્થિતિ સુધારવા માંગતી હોય તો સરકારે ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી તેને જન સામાન્ય માટે ખુલ્લી મૂકી દેવી જોઇએ તેમ અંતમાં બેંક કર્મચારી અને યુનિયન અગ્રણી ભાવેશ આચાર્ય જણાવે છે.