- જૂનાગઢ વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટ અને પ્રયાસોને લીધે શાકભાજી વેચાણનું એક જ સ્થળે પ્લેટફોર્મ મળ્યું
જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામે રહેતા ધરતીપુત્ર નટુભાઈ ચનાભાઈ ગુજરાતી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી પ્રાકૃતિક શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે. સાથે જ તેઓ ચોકલી ગામમાં લોકોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનો સંદેશો પણ આપી રહ્યા છે.
નટુભાઈ ગુજરાતી છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરે છે. નટુભાઈ તેના પાંચ વીઘા જમીનમાં ઉત્પાદન કરેલ પ્રાકૃતિક શાકભાજીનું સીધું જ વેચાણ પ્રાકૃતિક કૃષિ હાટમાં કરે છે. તેઓ છેલ્લા 3 વર્ષથી આત્મા દ્વારા શરૂ કરાયેલ સરદાર બાગમા પ્રાકૃતિક હાટમાં શાકભાજીનું વેચાણ કરે છે. ઉપરાંત જૂનાગઢ કલેકટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક હાટમાં પણ તેમની આરોગ્યપ્રદ અને ઝેરમુકત શાકભાજીનું વેચાણ દર ગુરૂવારે સાંજે 4 થી 6 દરમિયાન કરે છે.
પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની ખેત પેદાશોને સીધુ જ પ્લેટફોર્મ મળે એ માટે કલેકટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક હાટ કાર્યરત કરવામાં આવ્યુ છે. જે બદલ નટુભાઈએ કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાનો અને વહિવટી તંત્રનો આભાર માન્યો હતો. નટુભાઈએ તેના આઠ વર્ષનો પ્રાકૃતિક કૃષિનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજ માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિ થી ધરતીમાતાનું જતન પણ થાય છે. જો આપણે પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશો વાપરતા થઈશું તો બીમારી ખર્ચ શૂન્ય થશે. નટુભાઈ તેના પાંચ વીઘામાં શાકભાજીનું વાવેતર કરે છે. આ વર્ષથી મગફળી, ચણા જેવા કઠોળ નું પણ ઉત્પાદન કર્યું છે.
રાજ્ય સરકાર ખેડુતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળે એ માટે પ્રોત્સાહિત કરે છે. ત્યારે તેનો લાભ પણ ખેડૂતો ઉઠાવે અને વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેત પેદાશોની જ ખરીદી કરે એ જરૂરી છે.પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખેતી ઓછી ખર્ચાળ અને લોકો માટે ફાયદાકારક છે આ માટે પ્રાકૃતિક કૃષિનો અભિગમ અપનાવો જરૂરી છે.
માણાવદર તાલુકાના મરમઠ ગામે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ પણ નટુભાઈ ગુજરાતીના દેશી શાકભાજીની સરાહના કરી અને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.