- ચૂસીયા પ્રકારની જીવાત માટે 3 લીટર નિમાસ્ત્ર
- 100 લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તુવેરના વાવેતર તથા તેના ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે બાબતે વિગતવાર આપણે જાણીએ.
તુવેરનો વાવેતર સમય, અંતર અને જાતોની પસંદગીઃ-
ગુજરાત તુવેર-1, ગુજરાત તુવેર-101 અને ગુજરાત તુવેર -103, બી.ડી.એન.-2, જી.જે.પી.-1 જેવી સુધારેલી જાતોનું વાવેતર જુન જુલાઈ મહિનામાં 12 થી 15 કિલો પ્રતિ હેક્ટર બીજનો દર રાખી બે હાર વચ્ચે 90 થી 120 સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે ૨૫થી 30 સેન્ટિમીટરે વાવેતર કરવું.
રવિ ઋતુ માટે તુવેરની ગુજરાત તુવેર-102 જાતોનું વાવેતર સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બર મહિનામાં 12 થી 15 કિલો પ્રતિ હેક્ટર બીજનો દર રાખી બે હાર વચ્ચે 90 થી 120 સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે 25 થી 30 સેન્ટીમીટરે વાવેતર કરવું.
બીજ સંસ્કાર અને ઘન જીવામૃત:-
સારા ઉગાવા, રોગ-જીવાત સામે રક્ષણ મેળવવા અને સારું ઉત્પાદન મેળવવા તુવેરના બીજને બીજામૃતથી સંસ્કારીત કરવા. બીજામૃતનો પટ આપી બીજને છાયડામાં સૂકવી વાવેતર કરવું. બીજામૃતની માવજતથી ઉગાવો ઝડપથી અને સારો થાય છે ઉપરાંત પાકને જમીન જન્ય રોગોથી બચાવી શકાય. વાવેતર સમયે 100 કિલો છાણિયું ખાતર અને 100 કિલો ઘન જીવામૃત ભેળવીને 1 એકર જમીનમાં નાખો. પાક અવશેષોનું મલ્ચીંગ કરવું, ત્યારબાદ મહિનામાં એકવાર જમીન ઉપર 200 લિટર જીવામૃત પ્રતિ એકર છાંટો અથવા જીવામૃત પાક ઉપર છાંટો. રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે પ્રથમ વર્ષમાં જમીનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરવો. પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં શણ કે ઈકકડ કે કઠોળનો પાક લેવો. યોગ્ય સમય પર જીવામૃત પાકને આપતા રહો.
જીવામૃતનો જમીનમાં ઉપયોગ:-
વાવેતર બાદ એક એકર જમીનમાં 200 લિટર જીવામૃત પાણી સાથે આપવું. ત્યારબાદ મહિનામાં બે વાર 200 લિટર જીવામૃત પ્રતિ એકર પ્રમાણે જમીનમાં આપવું અથવા પિયતના પાણી સાથે આપવું.
જીવામૃતનો પાક ઉપર છંટકાવ:
- પ્રથમ છંટકાવ:- વાવેતરના એક મહિના પછી 5 લિટર જીવામૃતને 100 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
- બીજો છંટકાવ:- પહેલા છંટકાવના 21 દિવસ પછી 7.5 લિટર જીવામૃતને 120 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
- ત્રીજો છંટકાવ:- બીજા છંટકાવના 21 દિવસ પછી 10 લિટર જીવામૃતને 150 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
- ચોથો છંટકાવ:- ત્રીજા છંટકાવના 21 દિવસ પછી 15 લિટર જીવામૃતને 150 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
- પાંચમો છંટકાવ:- ચોથા છંટકાવના 21 દિવસ બાદ 3 લિટર ખાટી છાશમાં 100 લીટર પાણી સાથે છંટકાવ કરવો.
- છઠ્ઠો છંટકાવ:- પાંચમા છંટકાવના 21 દિવસ બાદ 15 લીટર જીવામૃત ને 150 લીટર પાણી સાથે છંટકાવ કરવો.
રોગ-જીવાત:-
- (ક) ચૂસીયા પ્રકારની જીવાત: ચૂસીયા પ્રકારની જીવાત માટે 3 લીટર નિમાસ્ત્ર 100 લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો.
- (ખ) લીમડાનું તેલ પણ વાપરી શકાય છે. 20 મિલી લીમડાનું તેલ પ્રતિ 10 લીટર પાણી સાથે મિશ્રિત કરી છંટકાવ કરવો.
- (ગ) કૃમિ (સુંડી) : 3 લીટર બ્રહ્માસ્ત્ર 100 લીટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરવો.
- (ઘ) થડ વેધક, ફળ વેધક, કૃમિ માટે : 3 લીટર અગ્નિઅસ્ત્ર 100 લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો.
- (ચ) ફૂગના રોગ : ફૂગ અને વાયરસ દ્વારા ફેલાતા રોગોના નિવારણ માટે 3 લીટર ખાટી છાશમાં 100 લીટર પાણી મેળવી છંટકાવ કરો. ખાટી છાશ 3 થી 4 દિવસ જૂની હોવી જોઈએ.
આમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારેચાલો આપણે પણ કૃષિ ક્ષેત્રે ‘બેક ટુ બેઝિક’ના મંત્રને યાદ રાખી આપણાં મૂળ સાથે જોડાઈએ, પ્રાકૃતિક કૃષિ અપનાવીએ.