Abtak Media Google News

ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી માટેનું ઓનલાઇન માર્ગદર્શન મેળવ્યુ

આણંદ ખાતેથી દેશભરના 8 કરોડ ખેડૂતોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીના સ્વાનુભાવ જણાવી ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરીત કર્યા

 

અબતક, અતુલ કોટેચા

વેરાવળ

આણંદના સરદાર પટેલ ઓડિટોરિયમ ખાતે પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2021 અંતર્ગત યોજાયેલા નેશનલ કોન્ક્લેવ ઓન નેચરલ ફાર્મિગ વિષયક કાર્યશાળામાં ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતોએ કાજલી સ્થિત વેરાવળ એ.પી.એમ.સી. ખાતે ઓનલાઈન પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. આ વર્ચ્યુલી યોજાયેલા કાર્યક્રમમાં દેશભરના 8 કરોડ જેટલા કિસાનો સહભાગી બન્યા હતા.

દિલ્હીથી પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુલી સંબોધન કરતા જણાવ્યું કે, બેક ટુ બેસિક તરફ વળવાનો સમય આવી ગયો છે. આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે એટલે કે, આગામી 25 વર્ષમાં ખેતી આવશ્યકતા મુજબના પરિવર્તન કરવા પડશે. રાસાણિક ખાતર અને જતુંનાશક દવાથી હરિત ક્રાંતિમાં ફાયદો થયો, પણ હવે તેના વિકલ્પ શોધવા પડશે. રાસાણિક દવાઓ અને ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટવાની સાથે ભૂગર્ભ જળના સમિતિ થયા છે. જે સમગ્ર દુનિયા સામે એક પડકાર બનીને ઉભર્યો છે.

ખેતીને કેમિકલ લેબમાંથી બહાર લાવી, પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવી પડશે તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું કે, પ્રાકૃતિક પદ્ધતિથી થતી ખેતી પણ વૈજ્ઞાનિક ઢબે થતી જ ખેતી છે. તેમજ પ્રાકૃતિક ખેતી ખર્ચ રહિત હોવાથી દેશના નાના ખેડૂતો કે, જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે તેવા ખેડૂતોને ખૂબ ફાયદો થશે. ગુજરાતમાં હજારો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.

તેના પરિણામો પણ ઉત્સાહવર્ધક રહ્યા છે. સાથે જ પ્રધાનમંત્રીએ આગામી સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

પરાળી સળગાવવાથી જમીનને થતા નુકસાનનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું કે, જેમ માટીને તપાવવાથી ઈંટનુ સ્વરૂપ ધારણ કરે છે, તેમ ખેતીની જમીન પરના પાકના અવશેષોને આગ લગાવવાથી ધરતી ગરમ થવાથી તેની ઉપજાવ ક્ષમતા ગુમાવી બેસી છે. તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે દેશભરના 8 કરોડ ખેડૂતોને રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતે પ્રાકૃતિક ખેતીના સ્વાનુભાવ જણાવી ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરિત કર્યાં હતા.

આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

વેરાવળ એ.પી.એમ.સી. ખાતેના આ કાર્યક્રમમાં કલેક્ટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી. વાઘમશી, નાયબ બાગાયત નિયામક ડી.એસ. ગઢિયા જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, અગ્રણી બચુભાઈ વાજા સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.