Abtak Media Google News
  • અજ્ઞાન ગુફાવાસી આદિમાનવ પણ એટલું સમજતો કે જીવન બચાવવા રક્ત બચાવવું જરૂરી છે: રક્તમાં ઘણાં ગૂઢ રહસ્યો છુપાયા છે
  • હજારો વૈજ્ઞાનિકોએ રક્તમાં રહેલા રહસ્યોનો ભેદ ઉકેલવા જીવનભર પરિશ્રમ કર્યો છે: બાયો કેમિસ્ટોએ હિમોગ્લોબીન અને પ્રોટીન પદાર્થોનો અવિરત અભ્યાસ આદર્યો છે: લોહીના દર્દોને સમજવા તથા તેની ઉમદા સારવાર થઇ શકે તેવા માર્ગ શોધવા હિમેટોલોજિસ્ટે તેમનું જીવન ખર્ચી નાખ્યું છે

રક્તના બંધારણમાં હોર્મોન્સ તંદુરસ્ત લોહીમાં ચોક્કસ પ્રમાણમાં કેટલાંક રાસાયણિક પદાર્થો હોય છે. જો આ પદાર્થોના પ્રમાણમાં વધ-ઘટ થાય તો શરીરને નુકશાન કરે છે. શરીરના રક્તનું બંધારણ સામાન્ય સીમારેખામાં રહે તે માટે અસંખ્ય હોર્મોન્સ સાથે મળીને કામ કરે છે. મુત્રાશયના ઉપરના આવરણમાંથી ઝરતું હોર્મોન્સનું એક જૂથ છે, જે લોહીના ક્ષારો અને પ્રવાહીને સમતોલ રાખે છે.

1 9 1

સૃષ્ટિમાં દરેક જીવતી વ્યક્તિમાં રક્તરૂપી જીવન સહિતા અખંડ વહે છે. હૃદ્ય દ્વારા સંચાલિત રક્ત માનવ શરીરમાં ફરે છે, જે શરીરનો કચરો સાફ કરે છે અને શરીરનાં કરોડો કોષો જેનું જીવન પ્રાણ વાયુ ઉપર આધારિત છે તેને પૂરતા પ્રમાણમાં પ્રાણ વાયુ પહોંચાડે છે. આપણા ઘણા બધામાં પણ આ જીવન સરિતા માનવતાવાદી બળથી વહે છે. સ્વૈચ્છિક રક્તદાતાઓ જ જરૂરિયાતમંદ દર્દીને રક્તદાન કરીને જીવન બચાવે છે.

આજે આ લેખમાં પ્લાઝમા વિશે તેના કાર્યો, તબીબી ઉપયોગ સાથે આર.એચ.ફેક્ટરની વાત કરવી છે. લોહીમાં રહેતા સ્વચ્છ પ્રવાહીને સીરમ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિએ ખાસ યુવા વર્ગે રક્ત વિશે અવશ્ય જાણવું જરૂરી છે. દરેક વ્યક્તિએ પોતાનું ગૃપ કર્યું છે તેની ખબર હોવી જોઇએ અને નેગેટીવ-પોઝીટીવ બ્લડ વિશે પણ જાણકારી મેળવવી જરૂરી છે. રક્તપ્રવાહમાં ભળ્યા બાદ રક્તકણનું આયુષ્ય લગભગ 120 દિવસનું હોય છે.

– પ્લાઝમા : લોહીનું પ્રવાહી ઘટક પ્લાઝમા તરીકે ઓળખાય છે. માનવ શરીરમાં રહેલ લોહીના જથ્થામાં આ પારદર્શક પીળાશ પડતા પ્રવાહીનો જથ્થો લગભગ અર્ધાથી વધુ હોય છે. લોહીના ઘન પદાર્થો જેવા કે રક્તકણ, શ્ર્વેતકણ અને ત્રાકણ પ્લાઝમામાં તરતા રહે છે. પ્લાઝમામાં 90 ટકાથી પણ વધારે પાણી હોય છે. પ્લાઝમાના બાકીના ભાગમાં જુદાજુદા પદાર્થો જેવા કે ક્ષાર, પાચન થયેલ ખોરાક અને નકામા પદાર્થો ઓગળેલી સ્થિતિમાં હોય છે.

– પ્લાઝમાનું કાર્ય : પ્લાઝમા લોહીને તરલ બનાવે છે. આ ગણના અભાવે આખા શરીરમાં મહત્ત્વના પદાર્થો પહોંચાડવાનું કાર્ય લોહી કરી શકતું નથી. પ્લાઝમા દ્વારા લોહીના કણો અને ત્રાક્કણો શરીરના બધા અવયવોમાં ફરી વળે છે. શરીરના કોષોને પચેલો ખોરાક પણ તે જ પહોંચાડે છે, જ્યાંથી આ કચરો શરીરની બહાર ફેંકાઈ જાય છે. શરીરના વિકાસ માટે જરૂરી એવા હોર્મોન્સને પણ પ્લાઝમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે.

1 2 5

મહત્ત્વનું કાર્ય કરતા પ્લાઝમાનાં મુખ્ય ત્રણ પ્રોટીન છે. આલ્બ્યુમીન, ગ્લોબ્યુલીન અને ફાઈબ્રીનોજન. રક્તકોષોમાં દાખલ થતા કે બહાર નીકળતા પ્રવાહીના જથ્થાને આલ્બ્યુમીન નિયંત્રિત કરે છે. જો પ્લાઝમામાં પૂરતા પ્રમાણમાં આલ્બ્યુમીન ન હોય તો રક્તોષોમાંથી વધુ પડતું પ્રવાહી પસાર થાય છે અને અંતરત્વચામાં એકઠું થાય છે. આના પરિણામે શરીર ઉપર સોજો આવે છે. આ ઉપરાંત પાચનતંત્રમાંથી પોષક તત્ત્વો એકઠાં કરી આલ્બ્યૂમીન શરીરને પહોંચાડે છે.

ગ્લોબ્યુલીન, ખાસ કરીને ગામા ગ્લોબ્યુલીન, શરીરને રોગ સામે રક્ષણ આપે છે. ગામા ગ્લોબ્યુલીન રોગ-પ્રતિકારક શક્તિ ધરાવતાં પ્રોટીન છે, જે જીવાણુ, વિષાણુ અને બીજા નુકસાનકારક પદાર્થો ઉપર હુમલો કરે છે.

ગઠ્ઠો જમાવવાના પદાર્થ (ક્લોટિંગ ફેક્ટર્સ) તરીકે જાણીતા ફાઈબ્રીનોજન પ્લાઝમા પ્રોટીનનો વિપુલ જથ્થો છે. ઈજાગ્રસ્ત રક્તકોષોમાંથી લોહીને વધુ પડતું વહેતું અટકાવવા આ પ્રોટીન કામ કરે છે. જયારે કોઈપણ વ્યક્તિને રક્તસ્ત્રાવ થાય છે ત્યારે બધાં જ ગઠ્ઠા જમાવનારાં તત્ત્વોને એકઠાં કરવાની સતત પ્રક્રિયા ચાલુ થાય છે અને આ પ્રક્રિયા દ્વારા લોહીમાં ગઠ્ઠો જામી જાય છે.

તબીબી ઉપયોગ : લોહી જમાવનાર કે બીજાં પ્રોટીન તરીકે ડોક્ટરો દર્દીને પ્લાઝમા ચડાવે છે. રક્તસ્રાવ જેવી પરિસ્થિતિમાં સારવારરૂપે મુખ્યત્વે પ્લાઝમા ચડાવવામાં આવે છે. લોહી જમાવવાનો ગુણ ધરાવતું હોવાથી પ્લાઝમા ચડાવવાથી રક્તસ્રાવ અટકી જાય છે. જ્યારે આખું લોહી મળે નહિ ત્યારે લોહીની વધુ પડતી ઊણપ પૂરી કરવા પણ પ્લાઝમા ચડાવવામાં આવે છે. યુદ્ધમાં ઘવાયેલા લાખો સૈનિકોનાં જીવન આ પ્રકારની સારવારથી ઉગારી લેવામાં આવ્યાં છે.

1 10 1

રક્તવિભાગીકરણની પ્રક્રિયા દ્વારા બ્લડ બેન્ક પ્લાઝમામાંથી પ્રોટીન મેળવે છે. વ્યક્તિગત લોહી જમાવનાર તત્ત્વો ઉપરાંત ગામા ગ્લોબ્યુલીન જેવાં પ્રોટીન આ રીતે મેળવવામાં આવે છે. ઓરી અથવા ચેપી કમળા જેવા રોગની સામે રક્ષણ આપવા કે તેને અટકાવવા ડોક્ટરો કોઈક વખત ગામા ગ્લોબ્યુલીનનો ઉપયાંગ કરે છે. કોઈપણ એકાદ લોહી જમાવનાર તત્ત્વ અસામાન્ય હોય કે તની વારસાગત ઊણપ હોય ત્યારે રક્તસ્ત્રાવ કરતા રોગ હિમોફિલિયાને કાબૂમાં લેવા ડોક્ટરો કોઈ એક ખાસ લોહી જમાવનાર તત્ત્વ આપે છે.

બ્લડ બેન્ક આખા લોહીમાંથી પ્લાઝમા મેળવવા કાં તો સેન્ટ્રીફ્યુઝ નામના યંત્રનો અથવા ગુરુત્વાકર્ષણથી તળિયે ઘન પદાર્થો બેસી જાય એવી ક્રિયાનો કરે છે, એક ખાસ પ્રકારના રક્તદાન, જે પ્લાઝમા- ફેરેસીસ તરીકે ઓળખાય છે, તેમાં એકલું પ્લાઝમા મેળવી લોહીના અન્ય કોષો તથા ત્રાક્કણો રક્તદાતાના શરીરમાં પાછા મોકલી દેવાય છે. દર્દીને ચડાવવા માટેનું પ્લાઝમા બ્લડ બેન્કમાં અતિશય ઠંડીમાં રાખવામાં આવે છે. ઘટકો છૂટાં પાડવા માટેનું પ્લાઝમા જુદીજુદી કંપનીઓને પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે.

– આર.એચ. ફેક્ટર : ઘણીબધી વ્યક્તિઓમાં આ પદાર્થ રક્તકણોમાં હોય છે. એન્ટી-આર.એચ. તરીકે ઓળખાતાં પ્રતિવિષ સાથે આર.એચ. ફેક્ટર ધરાવતા રક્તકણો સંસર્ગમાં આવતાં જ ચોટી જાય છે. આ પ્રતિક્રિયા ગંભીર માંદગી કે મૃત્યુ સર્જી શકે છે. જે વ્યક્તિઓમાં આર.એચ. ફેક્ટર હોય છે. તેઓ‘આર.એચ.પોઝિટિવ’ તરીકે ઓળખાય છે. આની ઊણપવાળા ‘આર.એચ.નેગેટીવ’ તરીકે ઓળખાય છે. 1940માં કાર્લ લેન્ડસ્ટેઈનર અને એલેક્ઝાંડર વાઈનરે રેસસ વાંદરાઓમાં આ તત્ત્વ શોધ્યું અને તેને આર.એચ. નામ આપ્યું.

લોહીમાં કુદરતી રીતે એન્ટી-આર.એચ.બનતું નથી, પરંતુ જે આર.એચ. નેગેટીવ વ્યક્તિને આર.એચ. પોઝીટીવ લોહી ચડાવવામાં આવે તો લોહીના પ્લાઝમામાં એન્ટી-આર.એચ.નો ઉદ્ભવ થાય છે. પ્રતિવિષ બનવાની ક્રિયામાં લાગતા સમય દરમ્યાન રક્તદાતાનું લોહી એટલું આછું-પાંખું થઈ જાય છે કે કોઈ ગંભીર પ્રતિક્રિયાનો ભય રહેતો નથી. પરંતુ દર્દીને ભવિષ્યમાં ફરીવાર આર.એચ. પોઝીટીવ લોહી ચડાવવામાં આવે ત્યારે ચોટી જાય તેવો પદાર્થ બની જાય છે.

1 12 1

આર.એચ.ફેકટર આનુવંશિક છે. આર.એચ. નેગેટીવ માતા અને આર.એચ.પોઝીટીવ પિતાનું સંતાન આર.એચ. પોઝીટીવ હોઈ શકે. જન્મ પહેલાં બાળકના કેટલાક રક્તકોષો માતાના લોહીમાં ભળી શકે છે. આથી માતામાં એન્ટી-આર.એચ. ઊભું થાય છે. બાળકના જન્મ પહેલાં મોટા ભાગનાં પ્રતિવિષ પેદા થતાં નથી. તેથી પહેલા બાળકની પ્રસૂતિમાં કોઈ પ્રશ્ન ઊભા થતા નથી. પરંતુ જો માતા આર.એચ. પોઝીટીવ બાળક સાથે ફરીવાર ગર્ભવતી બને તો તેની પાસે ઍન્ટી-આર.એચ.નો બિલકુલ તૈયાર જથ્થો હોય છે. ગર્ભમાં રહેલ બાળકના લોહીમાં માતાનો ઍન્ટી-આર.એચ.નો જથ્થો દાખલ થાય તો બાળકના રક્તકણો નાશ પામે કે તેમાં ચોટી જાય તેવો પદાર્થ બની જાય. આવી પરિસ્થિતિ એરિસ્થો-બ્લાસ્ટોસિસ ફેંટાલિસ અથવા આર.એચ. ડીઝીઝ તરીકે ઓળખાય છે. તીવ્ર પાંડુરોગ, મગજને ક્ષતિ અને મૃત્યુ પણ આ રોગથી સંભવિત બને છે.

જ્યાં માતા આર.એચ. નેગેટીવ હોય અને પિતા આર.એચ. પોઝીટીવ હોય તેવા સંજોગોમાં આવા તીવ્ર કિસ્સાઓ 20માંથી એકાદ જ બને છે. આવાં યુગલોમાં પણ ડોક્ટરો બાળકના જન્મ બાદ તરત જ માતાને સીરમનું ઈન્જેક્શન આપી આર.એચ.નો રોગ અટકાવી શકે છે. આ સીરમમાં એન્ટી-આર.એચ. હોય છે અને માતાનું શરીર પોતાનું જ એન્ટી-આર.એચ. હોય છે અને માતાના લોહીમાં ભળેલ બાળકના રક્તકોષોનો નાશ કરે છે. જ્યારે આર.એચ. પ્રકારનો રોગ ઉત્પન્ન થાય છે ત્યારે ડોક્ટરો તાજા લોહી વાટે

ન લોહી બદલી નાખે છે. ઘણાખરા કિસ્સાઓમાં આ સારવારથી રોગની લાંબા ગાળાની અસર ટાળી શકાય છે.

સીરમ : લોહીનો ગઠ્ઠો જામ્યા બાદ, લોહીમાં રહેતા સ્વચ્છ પ્રવાહીને સીરમ કહેવામાં આવે છે. લોહીના કુલ પ્રવાહી વિભાગ પ્લાઝમા જેવું જ સીરમ હોય છે. ફક્ત તેમાં લોહી જમાવનાર તત્ત્વ ફાઈબ્રીનોજન હોતું નથી.

સીરમમાં ક્ષાર, પ્રોટીન, ગ્લુકોઝ અને ચરબી જેવા પદાર્થો હોય છે. દર્દીઓના રોગનું નિદાન કરવા સીરમના નમૂનાઓનો ઉપયોગ કરવામાં આવે છે. રક્તના સીરમ ઉપર કરવામાં આવતા પરીક્ષણને સીરોલોજી ટેસ્ટ કહેવાય છે. ઝેરી તત્વો અને કેટલાક રોગોનો પ્રતિકાર કરતાં પ્રતિવિષ સીરમ પ્રોટીનમાં છે. પ્રાણી કે માનવ શરીરમાંથી પ્રતિવિષ ધરાવતા સીરમને કાઢી લઈ તેનું દર્દીને ઈન્જેક્શન આપવાની ક્રિયાને ઍન્ટીસીરમ કહેવાય છે. ગળાના ચેપી રોગ અને ધનુર જેવાં દર્દીમાં એન્ટીસીરમ કામ કરે છે. એન્ટીટોક્સીન એક પ્રકારનાં એન્ટીસીરમ છે.

1 6 2

તાજેતરમાં જ રોગમુક્ત થયેલા દર્દીના શરીરમાંથી મેળવેલ સીરમમાં પ્રતિવિષની સાધારણ કરતાં વધુ માત્રા હોય છે. આ સીરમ રોગને અટકાવવા કે રોકવામાં મદદ કરે છે. રોગ-પ્રતિકાર માટે ડોક્ટરોએ હમણાં-હમણાં પ્રતિવિષ દાખલ કરવાની વધુ ક્ષમતા ધરાવતી રીતો શોધી છે. સંપૂર્ણ સીરમનો ઉપયોગ કરવાને બદલે ગામા ગ્લોબ્યુલીન તરીકે જાણીતા સીરમના એક ભાગનું જ ઈન્જેક્શન આપવામાં આવે છે. રક્તમાં રહેલ પ્રતિવિષનો મોટો ભાગ ગામા ગ્લોબ્યુલીન પ્રોટીનમાં રહેલ છે. ગામા ગ્લોબ્યુલીનની બનાવટો કમળો, ઓરી, અછબડા, ગાલપચોળિયાં અને મોટી ઉધરસ જેવા રોગોનો પ્રતિકાર કરવા અને તેને અટકાવવાના ઉપયોગમાં લેવાય છે.

પ્રાણીમાંથી સીરમ મેળવવું સહેલું છે અને માનવ શરીરમાંથી મેળવેલ સીરમ કરતાં સસ્તું છે. પરંતુ ઘણીવાર આવું સીરમ ઓછું અસરકારક અને વધુ ભયજનક હોય છે. ઘોડામાં રહેલ વધુ લોહીનો જથ્થો અને વધુ પ્રતિવિષ પેદા કરવાની શક્યતાથી તેનો સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. ઘોડાનાં એન્ટીસીરમ હડકવા રોકવા તથા ઝેરી સાપ કે ઝેરી કરોળિયા કરડ્યા હોય તેવી વ્યક્તિઓને આપવામાં આવે છે. આનો ઉપયોગ ખોરાક દ્વારા ગયેલ ઝેર (બોટુલીઝમ), વાયુ દ્વારા શરીરમાં થયેલ સડો અને હડકવા ઉપર કરવામાં આવે છે. જો કે ઘણાં દર્દીઓ પ્રાણીજન્ય પ્રોટીન તરફ ઘણાં જ સંવેદનશીલ હોય અને તેને કારણે ગંભીર પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.