Abtak Media Google News

નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રિ એક એવું પર્વ છે જે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીઓનાં ગરિમામય સ્થાનને દર્શાવે છે. વર્ષમાં આવતી કુલ ચાર નવરાત્રિ એકમથી લઈને નવમી એમ નવ દિવસની હોય છે. આસો માસમાં આવતી શારદીય નવરાત્રિમાં નવ દિવસ સુધી આદ્યશકિતનાં વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પહેલા દિવસથી લઈને નવમા દિવસ સુધી ક્રમશ: શૈલપુત્રી, બ્રહ્માચરિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિધ્ધિદાત્રી દેવીનું પૂજન કરવામાં આવે છે.

શારદીય નવરાત્રીમાં ઘટ  સ્થાપન, વ્રત પૂજન, ઉપવાસ, ગરબાનું વિશેષ મહત્વ; ઘરે-ઘરે ર્માં અંબાનું પૂજન 

એકમના દિવસે માતા શૈલપુત્રીનું પૂજન કરવાથી સૌભાગ્ય, બીજના દિવસે માતા બ્રહ્મચારિણીનું પૂજન કરવાથી કાર્યમાં સફળતા, ત્રીજના દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય,ચોથના દિવસે માતા કુષ્માંડાનું પૂજન કરવાથી આકર્ષણ, પાંચમના દિવસે સ્કંદમાતાનું પૂજન કરવાથી પુત્રસુખ, છઠ્ઠના દિવસે માતા કાત્યાયનીનું પૂજન કરવાથી ઈચ્છાપૂર્તિ, સાતમના દિવસે માતા કાલરાત્રિનું પૂજન કરવાથી શત્રુ પર વિજય, આઠમના દિવસે મહાગૌરીનું પૂજન કરવાથી નવ નિધિ અને નોમના દિવસે માતા સિધ્ધિદાત્રીનું પૂજન કરવાથી કાર્યસિધ્ધિ તથા સન્માન મળે છે.

સન્નારીઓ શેરી-મહોલ્લામાં સુંદર ગબ્બર બનાવી મોડી રાત સુધી રાસ-ગરબે રમે છે 

પૌરાણિક કથાઓ પ્રમાણે ત્રેતાયુગમાં રાવણે સીતામાનું હરણ કરીને તેમને લંકા લઈ ગયો. શ્રી રામે લંકા પર આક્રમણ કરવાથી યોજના બનાવી ત્યારે આસો માસ ચાલી રહ્યો હતો. આ માસમાં દેવતાઓનો શયનકાળ હોય છે. તેથી ભગવાન શ્રી રામે દૈવીશકિતને જાગૃત કરવાનો નિર્ણય લીધો. આસો માસના સુદ પક્ષમાં પ્રતિપાદ (એકમ)થી લઈને નવમી સુધી નવ દિવસ ભગવતી મહાશકિતની આરાધના કરીને શ્રી રામે તેમને પ્રસન્ન કરી લીધા. તેના ફળસ્વરૂપ તેમને દેવી પાસેથી રાવણ પર વિજય મેળવવાનું વરદાન મળ્યું. ત્યારબાદ ભગવાન શ્રી રામે આસો સુદ દશમી (વિજયાદશમી)ના દિવસે વિજય મૂહૂર્તમાં લંકા પર આક્રમણ કરીને રાવણનો સંહાર કર્યો. મર્યાદા પુરૂષોતમ શ્રીરામ દ્વારા આસો માસમાં નવરાત્રિનાં નવ દિવસ વ્રત -અનુષ્ઠાન કરવામાં આવ્યું હોવાને કારણે આસો માસની શારદીય નવરાત્રિ ચૈતન્ય તથા અભીષ્ટ ફળદાયી બની ગઈ.

શારદીય નવરાત્રિમાં ખાસ કરીને ગુજરાતમાં ઘટસ્થાપન, વ્રત પૂજન, ઉપવાસ અને ગરબાનું વિશેષ મહત્વ છે ઘરે ઘરે અંબાજી માતાનું પૂજન થાય છે. શેરીઓ મહોલ્લામાં બાળકો મહોલ્લા માતા કે સુંદર ગબ્બર બનાવે છે અને ભકિતભાવપૂર્વક પૂજન કરે છે. ચોકમાં મોડીરાત સુધી ગરબા અને રાસ રમાય છે.

નવરાત્રિ પર્વોત્સવ એ ભારતીય સંસ્કૃતિનાં માનવજીવમાના શૌર્યભર્યા શકિતનાં પ્રતિક સમાન છે. આરોગ્યશકિત અને ભકિતનો ઉત્સવ એટલે નવરાત્રિ શકિત એ જ જીવન છે. પ્રાણશકિત, આત્મશકિત જેવી વિવિધ શકિતઓથી જ માનવ જીવંત રહી શકે છે. શકિત વગરનો મનુષ્ય ચેતનાયુકત હોવા છતાંય નિસ્તેજ જડ જેવો છે. નવરાત્રિનો ઉત્સવ એ માનવ જીવનની શકિત, ચેતના અને દિવ્યતા પૂજાનો ઉત્સવ છે. નવચેતનાનું પર્વ છે. જેના દ્વાર ધર્મ અને કલા, શ્રધ્ધા, ઉત્સાહ, આનંદ જેવી ઉચ્ચ ભાવનાઓનો સુભગ સંગમ જોવા મળે છે.

નવલી નવરાતમાં નવદૂર્ગાની આરાધના

  • પ્રથમ નોરતું: સતની સ્વામિની માતા શૈલજા
  • બીજુ નોરતુ: તપચારિણી મૈયા બ્રહ્મચારિણી
  • ચોથુ નોરતું: કરૂણાકારી કુષ્માન્ડા માતા
  • પાંચમું નોરતુ: સ્નેહદાતા સ્કંદમાતા
  • છઠ્ઠુ નોરતું: પરમ સુખદાયિની મા કાત્યાની
  • સાતમું નોરતુ: કાળ-કરૂણાની અધિષ્ઠાત્રી કાલરાત્રી
  • આઠમનું નોરતું: મનમોહક મોરી મૈયા મહાગૌરી
  • નવમું નોરતુ: સર્વેશ્ર્વરીમાં સિધ્ધિદાત્રી

 

નોરતામાં ‘મા’ દુર્ગામાતાના નવ રૂપોની નવરાત્રિ દરમ્યાન ઉપાસના કરવામાં આવે છે. આ દેવીઓ માનવ જીવનમાં શકિત, ભકિત અને સુખ-સમૃધ્ધિ લાવે છે. જેણે જગતને જન્મ આપ્યો એ જગતની અંબા એટલે કે જગદંબા સૃષ્ટિના પ્રારંભમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એવી ત્રણ મા દેવી દ્વારા ઈન્દ્રિયો, પિડ-બ્રહ્માંડ આદિ ઉત્પન્ન થયા. ત્યારે જગદંબાએ જુદા જુદા રૂપ ધારણ કરી ‘જગદીશા’ પ્રગટયા. એટલે તો માર્કણ્ડ ઋષિ દુર્ગા સપ્તશકિતમાં માં દુર્ગાના ગુણગાન ગાયા છે. જે આ નવરાત્રિમાં માઈભકતો માંના મંદિરમાં એકત્રિત થઈ, ‘માં’નું સ્તવન ગાય છે.

‘યા દેવી સર્વભૂતેષુ બુધ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ ’

હૈ મા, અમારી બુધ્ધિ સંકુચિત થઈ ગઈ છે, અમે સત્-અસત્નો વિવેક ભૂલ્યા છીએ. અમને બુધ્ધિ અને શકિત આપ. આ પ્રમાણે જ જગતની જનની-જગતની દેવી માનવમાં ભિન્ન-ભિન્ન સ્વરૂપે બિરાજમાન છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.