Abtak Media Google News

નવાબ મલિકે કિરીટસિંહ રાણાના ડ્રગ્સ કનેક્શન હોવાના આક્ષેપો કરતા રાજકારણ ગરમાયુ

મુંદ્રા બાદ દ્વારકામાંથી પણ ડ્રગ્સ પકડાયા બાદ એનસીપીના નેતા નવાબ મલીકે ગુજરાત સરકારને ટાર્ગેટ કરી

એનસીપીના નેતા નવાબ મલિકે ડ્રગ્સ મામલે ગુજરાત સરકારના મંત્રી કિરીટસિંહ રાણા ઉપર નિશાન તાક્યું છે. તેઓએ મંત્રીનું ડ્રગ્સ કનેક્શન હોવાનું વિવાદિત નિવેદન આપ્યું છે. જેને લઈને સરકારના પ્રવક્તા જીતુભાઇ વાઘાણી ભડકયા છે. તેઓએ માલિકને પુરાવા જાહેર કરવાનો પડકાર ફેંક્યો છે.છેલ્લા કેટલાક સમયથી એનસીપી નેતા નવાબ માલિક ડ્રગ્સ કેસને લઈને હોબાળો મચાવી રહ્યા છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પણ તેમણે એનસીબી અધિકારી સમીર વાનખેડે પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

ત્યારે હવે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ મામલે દરરોજ નવા ખુલાસા કરતા એનસીપી નેતા નવાબ મલિકે હવે પોતાની નજર ગુજરાત તરફ ફેરવી છે. પહેલા મુંદ્રા અને હવે દ્વારકાથી ડ્રગ્સ ઝડપાતા નવાબ મલિકે હવે ગુજરાતના નેતાઓ પર નિશાન સાધ્યું હતું. મલિકે આક્ષેપ કરતા કહ્યું કે ગોસાવી અને ભાનુશાળીના ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણા સાથે સંબંધ છે. મલિકે ગુજરાતના ભાજપ નેતા કિરીટસિંહ રાણાના ડ્રગ્સ કનેક્શન હોવાનુ કહ્યુ હતુ. કિરીટસિંહ રાણા ડ્રગ્સ માફિયા સાથે સંબંધ ધરાવે છે તેવા આક્ષેપો મલિકે કર્યા હતા. જોકે કિરીટસિંહ રાણાએ આક્ષપે ફગાવ્યા છે.

કિરીટસિંહ રાણાએ આક્ષેપો ફગાવતા કહ્યું હતું કે હું કોઈને મળ્યો નથી. મારે કોઈ સાથે નાતો નથી.  સરકારના પ્રવકતા જીતુ વાઘાણી કિરીટસિંહના બચાવમાં ઉતર્યા છે. તેમણે નવાબ મલિકને પડકાર ફેંક્યો છે. કોંગ્રેસ અને એનસીપી પોતાના મોઢા અરીસામાં જોઈ લે. હું કિરીટસિંહ સામે આક્ષેપ કરનારને ચેલેન્જ કરું છું. એનસીપી પુરાવો લાવે બાકી આક્ષેપ બંધ કરે. સમગ્ર મામલે નવાબ મલિકે એવું નિવેદન આપ્યું કે ગુજરાતમાં મુંદ્રા બાદ દ્વારકાથી પણ ડ્રગ્સ ઝડપાયું છે.

સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ભાનુશાળી, ગોસાવી અને સુનિલ પાટીલ પણ અમદાવાદ અવરજવર કરે છે. જેમાં તેઓ અમદાવાદની નોવોટેલ તેમજ ફાઈવ સ્ટાર હોટલોમાં રોકાય છે. જેને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા છે. વધુમાં નવાબ મલિકે એવુ પણ કહ્યું છે કે ગુજરાતના એક મંત્રી સાથે ગોસાવીના તેમજ ભાનુશાળીના સંબંધો છે. જેમાં નામ તેમણે કિરીટસિંહ રાણાને ગોસાવી અને ભાનુશાળીના સંબંધો છે, તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. જેથી તેમના આ નિવેદનને લઈને રાજકારણમાં ગરમાયું છે

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ડ્રગ્સ કેસમાં નવાબ મલિકે એવા સવાલો ઉઠાવ્યા કે શું આ ડ્રગ્સનો ખેલ ગુજરાતથી ચાલી રહ્યો છે કે શું?. સાથે જ દ્વારકામાં જે મોટાપાયે ડ્રગ્સ પકડાયું છે તેની યોગ્ય દિશામાં તપાસ થાય તેવી માગ પણ નવાબ મલિકે કરી છે. જેથી હવે ગુજરાતનો ડ્રગ્સ કેસ પણ હવે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.